આજે મોડી સાંજે તૌકતે વાવાઝોડુ પાટણ શહેર મધ્યે થઇ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થયા બાદ મોડી રાત્રિ બાદ ગુજરાતના પાડોશી રાજય રાજસ્થાનમાં પ્રવેશ કરી જશે
બનાસકાંઠાનું જિલ્લા વહીવટી તંત્ર હાઇ એલર્ટ મોડ પર – પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં 80 થી 100 કિમી ઝડપે પવન ફુકાવવાની સંભાવના
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.18
વિનાશકારી તૌકતે વાવાઝોડાએ સમગ્ર ગુજરાત રાજયમાં ધાર્યા કરતાં વધુ તારાજી અને વિનાશ વેર્યો છે. અલબત્, સરકાર અને તંત્રના આગોતરા આયોજનના કારણે તૌકતે વાવાઝોડાથી બહુ મોટી જાનહાનિ કે માલમિલ્કતને એટલું નુકસાન નોંધાયુ નથી પરંતુ ધારણા કરતા વધુ તબાહી સર્જાઇ છે. માત્ર સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ નહિ, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે. રાજયમાં વાવાઝોડાની અસરના તોફાની ઝંઝાવાત અને ધોધમાર તોફાની વરસાદના જોરના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. મકાનોની છત અને પતરા ઉડી ગયા છે. સંખ્યાબંધ વીજ પોલ તૂટી પડ્યા છે. હજારો વૃક્ષો ધરાશયી થઇ ગયા છે. તો વાહનોને પણ મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. વૃક્ષો ધરાશયી થવાના કારણે ઘણા વાહનોનો કચ્ચરધાણ નીકળી ગયો છે. સાંજે અમદાવાદ શહેરમાંથી તૌકતે વાવાઝોડુ પસાર થયા બાદ મોડી સાંજે પાટણ શહેરની મધ્યે થઇ બનાસકાંઠા જિલ્લાની હદને તેની અસર વર્તાવી રાજસ્થાન રાજયમાં પ્રવેશ કરશે એટલે કે, મોડી રાત્રે તૌકતે વાવાઝોડાનું સંકટ ગુજરાત રાજય પરથી ઉતરી જશે
હવામાન ખાતાની આગાહી મુજબ, તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર-કચ્છની સાથે સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતને તેની જોરદાર થપાટ મારી અને તબાહી સર્જયા બાદ અમદાવાદ તરફ વધુ ઝડપ સાથે ગતિ પકડી છે. તૌકતે વાવાઝોડું અમદાવાદથી પસાર થયા બાદ ઉત્તર ગુજરાત તરફ ફંટાશે અને તે ડીસા, પાટણ શહેરની મધ્યમાં થઇને ગુજરાતના છેક છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લા સુધી જશે. બનાસકાંઠા જિલ્લામાં તે મોડ઼ી સાંજે પ્રવેશ કરશે. તેમજ રાત્રીના 11 થી 12 કલાક બાદ ગુજરાતના પાડોશી રાજય રાજસ્થાનમાં પ્રવેશ કરશે. એટલે કે આજે મોડી રાત્રિ બાદ ગુજરાત પરથી આ સંકટ દૂર થશે.
જેમ જેમ તૌકતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ બનાસકાંઠા જિલ્લામાં પણ તેની આગોતરી અસર જોવા મળી રહી છે. બનાસકાંઠાના પાલનપુર સહિત અનેક જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ બનતા ઠંકડ પ્રસરી ગઈ છે. જો કે, તૌકતે વાવાઝોડાની તકેદારીના ભાગ રૂપે બનાસકાંઠા ST વિભાગ દ્વારા તમામ રૂટો બંધ કરાયા છે. ST વિભાગ દ્વારા 173 રૂટોની બસ સેવા બંધ કરાઈ છે. 173 રૂટના 650 શિડ્યુલ રદ કરાયા છે. વાવાઝોડા દરમિયાન કોઈ નુકસાન ના થાય તે હેતુથી નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, અન્ય કોઈ સૂચના ન મળે ત્યાં સુધી બસો બંધ રાખવામાં આવશે. પ્રવાસી મુસાફરોને ઇમરજન્સી ના હોય તો પ્રવાસ કે મુસાફરી ટાળવા પણ એસટી તંત્ર દ્વારા જાહેર અપીલ કરાઇ છે.
દરમ્યાન બનાસકાંઠા તરફ વાવાઝોડું આગળ વધવાનું હોઇ પાટણ જિલ્લામાં પણ તૌકતે વાવાઝોડાને લઇ વહીવટી તંત્ર એલર્ટ છે. પાટણના કલેક્ટરે કંટ્રોલ રૂમની મુલાકાત લીધી છે. કંટ્રોલ રૂમમાંથી સંમગ્ર જિલ્લાની સ્થિતિ અંગે માહિતી મેળવી છે. પાટણ જિલ્લામાંથી પણ આજે મોડી સાંજે અથવા રાત્રે તૌકતે વાવાઝોડું પસાર થવાની સંભાવના છે. તે તોફાની અને ઝંઝાવાતી પવન ફૂંકાવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં 80 થી 100 કિમી ઝડપે પવન ફુકાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લામાંથી સેંકડો લોકાનું સ્થળાંતરની કામગીરી પણ તંત્ર દ્વારા હાથ ધરાઇ છે. જો કે, ગુજરાતના માથેથી આજે મોડી રાત બાદ તૌકતે વાવાઝોડાનું સંકટ ટળી જવાની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.