અમદાવાદના મેમનગર, ઘાટલોડિયા, વેજલપુર, જીવરાજપાર્ક, ચાંદખેડા, મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં સામાન્યથી ધોધમાર વરસાદ
અમદાવાદમાં હજુ તા.20મી મે સુધી વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી, સુરત, વડોદરા અને સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં પણ વરસાદી માહોલ
રાજયના અનેક જિલ્લાઓમાં પણ આગામી પાંચ દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી – એનડીઆરએફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયરબ્રિગેડ સહિતના તંત્ર હાઇએલર્ટ પર
તૌકતે વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો, તોફાની પવન સાથે સામાન્યથી ભારે વરસાદ નોંધાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.16
તૌકતે વાવાઝોડાની અસરના ભાગરૂપે અમદાવાદ સહિતના મોટાભાગના જિલ્લાઓ અને વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક નોંધપાત્ર પલ્ટો નોંધાયો હતો અને ઘણા ખરા વિસ્તારોમાં સામાન્યથી ભારે તો, કયાંક તોફાની પવન અને વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં પણ આજે મોડી સાંજે તોફાની પવન અને વાવાઝોડા સાથે જોરદાર વરસાદ તૂટી પડયો હતો. લગભગ અડધાથી પોણા કલાક સુધી વરસેલા તોફાની વરસાદે શહેરના મોટાભાગના વિસ્તારોને જાણે ઘમરોળી નાંખ્યા હતા, જેને પગલે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જો કે, વરસાદ વરસતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને નગરજનોને ઉનાળાની કારમી ગરમી અને બાફના ઉકળાટમાંથી ઠંડકની રાહતનો અનુભવ થયો હતો. આ જ પ્રકારે તૌકતે વાવાઝોડાની અસરના પરિણામ સ્વરૂપ ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વાતાવરણમાં બહુ નોંધનીય પલ્ટો જોવા મળ્યો હતો અને આ વિસ્તારોમાં પણ તોફાની પવન સાથે સામાન્યથી ભારે વરસાદ નોંધાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
બીજીબાજુ, હવામાન વિભાગ દ્વારા તૌકતે વાવાઝોડાની અસરના પગલે તા.16થી 20 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ સહિતના અનેક પંથકોમાં આ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ તથા દક્ષિણ પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ જ પ્રકારકે તા.18મી મેના રોજ ઉત્તર ગુજરામાં પાટણ, મહેસાણા, અરાવલી, મહિગાસર, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબી તથા કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આ પાંચ દિવસ વરસાદ દરમિયાન વીજળીના ચમકારા પણ થશે અને સપાટી પર પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ રહેશે. બીજીબાજુ, રાજય સરકાર અને રાજયના સંભવિત અસર પામનારા જિલ્લાઓના સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એનડીઆરએફ, ફાયરબ્રિગેડ સહિતના તંત્ર હાઇએલર્ટ પર આવી ગયા છે.
તૌકતે વાવાઝોડાની અસરના પરિણામસ્વરૂપે આજે મોડી સાંજે અમદાવાદ શહેરમાં જોરદાર તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસતાં એક તબક્કે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો થોડા પાણી પણ ભરાઇ ગયા હતા.
અમદાવાદની જેમ ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર સહિતના શહેરોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તૌકતે વાવાઝોડાની અસરના ભાગરૂપે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના અનેક જિલ્લાઓમાં અને વિસ્તારોમાં આજે વાતાવરણમાં નોંધપાત્ર પલ્ટો જોવા મળ્યો હતો. આ જિલ્લાઓ અને વિસ્તારોમાં સામાન્યથી ભારે તો, વળી કયાંક ધોધમાર અને અતિ ભારે વરસાદ ખાબકયો હતો, જેને પગલે નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ગરકાવ બન્યા હતા. આ વિસ્તારોમાં તોફાની પવન, વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે સમગ્ર વાતાવરણ ચોમાસા જેવું બની ગયુ હતુ. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતાં, સ્થાનિક લોકોને ઉનાળાની ગરમીમાંથી મોટી રાહત મળી હતી. જો કે, જે વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો ત્યાં સ્થાનિક ખેડૂતો પાકના નુકસાનની ચિંતામાં વ્યથિત જોવા મળ્યા હતા.
બીજીબાજુ, તૌકતે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાઓને જોતાં સરકાર અને તંત્ર દ્વારા અમદાવાદ ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સીની ટીમ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી દ્વારા જ્યારે પણ ફાયર વિભાગની મદદની જરૂર પડશે તો તાત્કાલિક ટીમો રવાના કરવામાં આવશે. અમદાવાદ ફાયરબ્રિગેડના તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામા આવી છે. સરકારી તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાની દહેશતને પગલે રાજ્યમાં કચ્છના 123, વલસાડના 84, સુરતના 39, ભરૂચના 30 અને ચરોતરના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કાંઠા વિસ્તારમાં ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી પણ યુધ્ધના ધોરણે હાથ ધરાઇ હતી.