સૌરાષ્ટ્ર સહિત દ.ગુજરાતના કેટલાક વિસ્તારો અને સ્થળોએ સામાન્યથી ભારે વરસાદની આગાહી, NDRF સહિતની ટીમો તૈનાત
વાવાઝોડાની અસરરૂપે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા, તા. 18 તારીખે ગુજરાતના દરિયાઈ વિસ્તારની આસપાસ 100 ની ગતિથી પવનો ફૂંકાશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.14
2021 ના વર્ષનું પહેલુ વાવાઝોડું તૌકતે ગુજરાતમાં ત્રાટકવાનું છે, તેને લઇ રાજય સરકાર અને તંત્ર આજે હાઇએલર્ટ મોડ પર આવી ગયા છે અને ગુજરાતના અનેક બંદરો પર એક નંબરનું સીગ્નલ લગાવી દેવાયુ છે. તો, માછીમારોને તાત્કાલિક ધોરણે દરિયામાંથી તેમની બોટ સાથે પાછા બોલાવી લેવાયા હતા અને તેઓને દરિયો નહી ખેડવા કડક તાકીદ કરાઇ છે. તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તે તા.18 મી મેના રોજ ગુજરાતના ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી શકયતા પ્રવર્તી રહી છે. તૌકતે વાવાઝોડાની અસરરૂપે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. તેથી દરિયાકાંઠે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો રાજયના અનેક બંદરો પર 1 નંબરનુ સિગ્લન લગાવી દેવાયુ છે. બીજીબાજુ, જાફરાબાદની 700 જેટલી બોટો હજુ મધદરિયે હોવાથી તેમનો સંર્પક થઇ શકયો નથી પરંતુ સ્થાનિક તંત્ર માછીમારોનો સંપર્ક કરી તેમને દરિયામાંથી બોટ સાથે પાછા બોલાવવાના તમામ પ્રયાસોમાં લાગેલું છે.
આજે સવારે લક્ષદ્વીપ વિસ્તારમાં ડિપ્રેશન બની ગયું છે. આગામી 12 કલાકમાં ડિપ-ડિપ્રેશન બનશે અને આવતીકાલે તે તૌકતે સાયક્લોન માં પરિવર્તિત થશે. એ પછી ગુજરાતના દરિયાઈ વિસ્તાર ખાતે તા.18 મીએ પહોંચે તેવી શકયતા છે. ત્યારે અમરેલીમાં સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમા 1 નંબર સિગ્નલ લગાવી દેવાયું છે. માછીમારો એલર્ટ કરી દેવાયા છે અને તેમને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો પોરબંદરના બંદર પર પણ સિગ્નલ લગાવી દેવાયું છે. જીએમબી દ્વારા 1 નંબરનુ સિગ્નલ લગાવવામા આવ્યું છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવનાને જોતા આ સિગ્નલ લગાવાયું છે. આ જ પ્રકારે પોરબંદરમાં તૌકતે વાવાઝોડાની આગાહીને લઇ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પોરબંદરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. માછીમારી માટે ગયેલા તમામ બોટને બંદર પર પરત આવી જવા અપાઈ સૂચના અપાઈ છે. સાથે જ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવચેત રહેવા સૂચના અપાઈ છે. જોકે, પોરબંદરના દરિયામાં હાલ વાતાવરણ સામાન્ય છે.
તા.18 મે સાંજ સુધીમાં ગુજરાતના દરિયા કિનારા નજીક વાવઝોડું પહોંચશે. જેથી તા.18 મેના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સંભવતઃ તા.18 મેના સાંજે વાવાઝોડું ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ટકરાવાની શરૂઆત થાય તેમ છે. તા.19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઇ કાંઠાના વિસ્તારમાં ત્રાટકવાની સંભાવના છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી ગુજરાતના દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તા.18 તારીખે પવનની ગતિ 60 થી 70 કિમિ પ્રતિ કલાકની રહેવાની પણ શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને લઇને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ જૂનાગઢના માંગરોળ બંદર વિસ્તારમાં વાવાઝોડાની આગાહીને પગલે માછીમારી માટે ગયેલી તમામ નાની મોટી બોટો અને હોડીઓને પરત બોલાવી લેવાઇ છે. માંગરોળમાં નાની મોટી કુલ 3 હજાર 587 બોટો આવેલ છે. જે તમામને પરત બોલાવી લેવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજીબાજુ, રાજકોટમાં પણ NDRF ની ટીમ ફાળવામાં આવી છે. તારીખ 16, 17 અને 18 મેના રોજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના ખતરાને લઈ તંત્ર એલર્ટ થયું છે. સાથે સાથે હવામાના વિભાગ દ્વારા અમરેલી,,જૂનાગઢ,,પોરબંદર, ભાવનગર સહિતના અનેક પંથકોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેરાવળમાં 3 હજાર બોટને પરત બોલાવવામાં આવી છે. તો, કર્મચારીઓને હેડક્વાર્ટર નહી છોડવા આદેશ કરાયો છે. તા.16 મેના દિવસે અમરેલી, ભાવનગર, દિવ સહિતના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. તો તા.17 મી મેના રોજ ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દિવમાં વરસાદની પડવાની સંભાવના છે. જયારે તા.18 મેના દિવસે ગીર સોમનાથ અને દિવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તૌકતે વાવાઝોડુ પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છ અને મોરબી જિલ્લામાં અસર વર્તાવશે.
દરમ્યાન રાજયના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વાવાઝોડા સામે સુરક્ષાની તૈયારી અંગેની સમીક્ષા બેઠક કરી છે. સૌરાષ્ટ્રના સમગ્ર તંત્રને એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત જિલ્લા કલેક્ટરોને સલામતીના પગલાં લેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. મહેસુલ વિભાગને પણ સરકારે પગલાં લેવા તાકીદ કરી દેવાઇ છે. દરમ્યાન ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સરકાર દ્વારા વાવાઝોડા સામે લડવાના તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. સરકાર દ્વારા ગાંધીનગરમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેથી વાવાઝોડાની દરેક પળના અપડેટ મળી શકે. દરિયાકાંઠે લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી દેવાઈ છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ માટે દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તૈનાત રખાઇ છે. સાથે જ સ્થાનિક લોકોને સમયાંતરે વાવાઝોડા વિશે સૂચના આપવામાં આવશે. આમ, તૌકતે વાવાઝોડાને લઇ સરકાર અને તંત્ર પણ હાલ એલર્ટ મોડ પર આવી ગયુ છે.