કોરોનાના કારણે સતત બીજા વર્ષે ચંદનયાત્રા અને રથપૂજનની પરંપરાગત વિધિમાં શ્રધ્ધાળુ ભકતો ભાગ લઇ ના શકયા
મંદિરના મહંત દિલીપદાસજી, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિ વચ્ચે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના રથોનું વિધિવત્ પૂજન કરાયુ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.14
અમદાવાદ શહેરમાં વર્ષોથી નીકળતી ઐતિહાસિક અને પરંપરાગત એવી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આ વર્ષે પણ કોરોના મહામારીનું ગ્રહણ નડી રહ્યું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે યોજાતી પરંપરાગત વિધિઓમાં આજે ચંદનયાત્રા અને રથપૂજનની ધાર્મિક વિધિઓ શાસ્ત્રોકત વિધિ સાથે સંપન્ન કરવામાં આવી હતી. જો કે, નોંધનીય વાત એ છે કે, કોરોનાના કારણે સતત બીજા વર્ષે આ વખતે પણ આજે અખાત્રીજના દિવસે ચંદનયાત્રામાં પણ માત્ર જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા અને અન્ય બે ટ્રસ્ટીઓ જ જોડાયા હતા. સતત બીજા વર્ષે કોરોનાના કહેરના કારણે ભગવાન જગન્નાથજીની ચંદનયાત્રામાં નગરજનો, શ્રધ્ધાળુ-ભકતો જોડાઇ શકયા ન હતા. અલબત્, આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના ત્રણેય રથના પૂજન પ્રસંગે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જળયાત્રા સહિતની અનેક વિધિઓ અને ધાર્મિક પ્રસંગો પણ આ વખતે સતત બીજા વર્ષે પણ કોરોનાના કારણે ભકતો અને શ્રધ્ધાળુઓની હાજરી વિના જ ઉજવાશે કે કેમ તેને લઇને પણ હવે સવાલ છે. જો કે, મંદિર સત્તાધીશો અને ટ્રસ્ટીમંડળના મતે આવનારા દિવસોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય કરવામાં આશે. ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા આ વખતે તા.12મી જૂલાઇના રોજ નીકળવાની છે પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે અમદાવાદ સહિત રાજયભરમાં કોરોનાનો કહેર ચરમસીમાએ છે ત્યારે આ વર્ષે સતત બીજા વર્ષે પણ અમદાવાદની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા નીકાળવા મુદ્દે હાલ રાજય સરકાર, તંત્ર અને મંદિર સત્તાધીશો દ્વારા ગંભીરતાપૂર્વકની વિચારણા ચાલી રહી છે.
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલાં આજે શુક્રવારે સવારે 9-00 વાગે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. આજે અક્ષય તૃતીયાનો દિવસ છે. ત્યારે આજે જગન્નાથ મંદિરમાં આવેલ ત્રણેય ઐતિહાસિક રથની વિધિવત્ પૂજા કરવામાં આવી હતી. જેને ચંદન પૂજા કહેવામા આવે છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ પૂજામાં જોડાયા હતા. આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવ્યુ હતું. આ વિધિ અત્યંત સાદગીથી અને ગણતરીના લોકોની હાજરીમાં કરાઈ હતી. ચંદનયાત્રા અને રથપૂજન બાદ હવે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ ચંદન પૂજામાં હાજર રહે છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે શ્રધ્ધાળુ ભક્તો આજની રથપૂજન અને ચંદનયાત્રામાં ભાગ લેવાથી દૂર રહ્યા હતા. શ્રધ્ધાળુ-ભક્તો વિના જ માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી. જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું કે, અમદાવાદમાં આ વખતે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા છે. અક્ષય તૃતીયા વખતે યોજાતી ચંદનયાત્રાને રથયાત્રાનું સૌપ્રથમ ચરણ ગણવામાં આવે છે. અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ પાસે વિશ્વકર્મા આવીને તેમની નગરચર્યા માટે રથ બનાવવાની મંજૂરી માંગે છે. એ જ પવિત્ર દિવસે વિધિવત્ પૂજન-અર્ચન બાદ રથનું સમારકામ કરવામાં આવે છે. ભગવાનના ત્રણેય રથને શણગારવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચતા હોય છે. આ દિવસે ભગવાનને ચંદનના શણગાર હોવાથી તેને પ્રતિકાત્મક ચંદન યાત્રા કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી. ત્યારે આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે. કોરોના મહામારીના હાલ બીજી લહેર ચાલી રહી છે. તેથી તેની અસર રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા પર પણ થાય તેવી શક્યતા છે. આગામી તા.24મી જૂનના રોજ જળયાત્રા યોજાનાર છે, તેથી તે સમયે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે તેવુ હાલ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાનું કહેવું છે. બીજીબાજુ, કોરોનાનાને લઇ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા આ વર્ષે નીકાળવાના મુદ્દે પણ રાજય સરકાર, તંત્ર અને મંદિર સત્તાધીશો દ્વારા બહુ ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા ચાલી રહી છે. બીજીબાજુ, હજારો-લાખો ભકતો કે જેઓ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રાહ જોઇને બેઠા હોય છે કારણ કે, રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે કે જે દિવસે ખુદ ભગવાન જાતે પોતાના રથમાં બેસી નગરજનોને દર્શન આપવા માટે શહેરના માર્ગો પર નીકળે છે અને તેઓને ઘેરબેઠા દર્શન આપી ધન્યતાનો અનુભવ કરાવે છે ત્યારે આ વર્ષે રથયાત્રા નીકાળવાના મુદ્દે પ્રવર્તી રહેલી દ્વ્રિધાને લઇને હજારો લાખો શ્રધ્ધાળુ-ભકતોમાં પણ થોડી નિરાશા અને નિરૂત્સાહની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઇતિહાસમાં સૌપ્રથમવાર અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગુજરાત હાઇકોર્ટના હુકમ અને નિર્દેશોના કારણે નીકાળી શકાઇ ન હતી, જેને લઇ કેટલાક શ્રધ્ધાળુ-ભકતોમાં ભારે દુઃખની લાગણી જન્મી હતી. આ વખતે પણ કોરોનાની એ જ પરિસ્થિતિ પ્રવર્તી રહી હોઇ હજારો લાખો શ્રધ્ધાળુ-ભકતોની લાગણી છે કે, ગમે તેમ કરીને પણ આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મર્યાદિત લોકો વચ્ચે પણ કાઢવામાં આવે અને તેનું લાઇવ પ્રસારણ કરવામાં આવે કે જેથી ભકતો ઘરેબેઠા પોતાના ભગવાનના દર્શન કરી શકે અને ધન્યતાનો અનુભવ કરી શકે.