ભગવાન જગન્નાથજી મંદિર ખાતે માત્ર મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને અન્ય બે ટ્રસ્ટીઓની હાજરીમાં જ ચંદનયાત્રા અને રથપૂજનની વિધિ સંપન્ન કરાશે
અમદાવાદની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા નીકાળવા મુદ્દે રાજય સરકાર, તંત્ર અને મંદિર સત્તાધીશો દ્વારા ગંભીરતાપૂર્વકની વિચારણા ચાલી રહી છે, શ્રધ્ધાળુ-ભકતોમાં ઉત્સુકતા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.13
અમદાવાદ શહેરમાં વર્ષોથી નીકળતી ઐતિહાસિક અને પરંપરાગત એવી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આ વર્ષે પણ કોરોના મહામારીનું ગ્રહણ નડી રહ્યું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ચંદનયાત્રા, રથપૂજન, જળયાત્રા સહિતની અનેક વિધિઓ અને ધાર્મિક પ્રસંગો પણ આ વખતે સતત બીજા વર્ષે પણ કોરોનાના કારણે ભકતો અને શ્રધ્ધાળુઓની હાજરી વિના જ ઉજવાય તેવી શકયતા છે. આવતીકાલે અખાત્રીજના દિવસે ચંદનયાત્રામાં પણ માત્ર જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા અને અન્ય બે ટ્રસ્ટીઓ જ જોડાશે, બહારના કોઇપણ લોકોને કે રાજકીય મહાનુભાવો કે, અન્ય આમંત્રિતોને નહી બોલાવવાનો નિર્ણય કરાયો છે. એટલે કે, સતત બીજા વર્ષે કોરોનાના કહેરના કારણે ભગવાન જગન્નાથજીની ચંદનયાત્રામાં નગરજનો, શ્રધ્ધાળુ-ભકતો નહી જોડાઇ શકે. ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા આ વખતે તા.12મી જૂલાઇના રોજ નીકળવાની છે પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે અમદાવાદ સહિત રાજયભરમાં કોરોનાનો કહેર ચરમસીમાએ છે ત્યારે આ વર્ષે સતત બીજા વર્ષે પણ અમદાવાદની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા નીકાળવા મુદ્દે હાલ રાજય સરકાર, તંત્ર અને મંદિર સત્તાધીશો દ્વારા ગંભીરતાપૂર્વકની વિચારણા ચાલી રહી છે.
જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું કે, અમદાવાદમાં આ વખતે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા છે. અક્ષય તૃતીયા વખતે યોજાતી ચંદનયાત્રાને રથયાત્રાનું સૌપ્રથમ ચરણ ગણવામાં આવે છે. અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ પાસે વિશ્વકર્મા આવીને તેમની નગરચર્યા માટે રથ બનાવવાની મંજૂરી માંગે છે. એ જ પવિત્ર દિવસે વિધિવત્ પૂજન-અર્ચન બાદ રથનું સમારકામ કરવામાં આવે છે. ભગવાનના ત્રણેય રથને શણગારવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચતા હોય છે. આ દિવસે ભગવાનને ચંદનના શણગાર હોવાથી તેને પ્રતિકાત્મક ચંદન યાત્રા કહેવામાં આવે છે. જો કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાનો કહેર યથાવત્ ચાલુ રહ્યો હોઇ આ વખતની ભગવાન જગન્નાથજીની ચંદનયાત્રા કે રથપૂજનમાં કોઇ ભક્તો ઉપસ્થિત નહીં રહે અને મંદિરના મહંત શ્રી દિલીપદાસજી, મંદિરના ટ્રસ્ટી તરીકે તેઓ (મહેન્દ્રભાઇ ઝા) અને અન્ય બે ટ્રસ્ટી જ હાજર રહેશે અને તે દરમ્યાન પણ સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્ક સહિતની સરકારી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ વધુમાં ઉમેર્યું કે, ગત વર્ષની જેમ આ વર્ષે કોરોના મહામારીને પગલે તા.14મી મેના રોજ રથયાત્રાનો પ્રથમ પ્રસંગ એવા રથપૂજનના કાર્યક્રમમાં નગરજનો ભાગ નહીં લઇ શકે. માત્ર મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી જ હાજર રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને પ્રતિકાત્મક રીતે રથ પૂજન કરાશે. જો કે, આગળના કાર્યક્રમમાં જળ યાત્રા યોજાશે કે નહિ એ અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. આવતા મહિને જળયાત્રાના ધાર્મિક પ્રસંગે પણ માત્ર ગણતરીના લોકો વચ્ચે જ તેનું આયોજન થશે તેવું હાલ તો લાગી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા આ વર્ષે નીકાળવાના મુદ્દે પણ રાજય સરકાર, તંત્ર અને મંદિર સત્તાધીશો દ્વારા બહુ ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા ચાલી રહી છે. બીજીબાજુ, હજારો-લાખો ભકતો કે જેઓ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રાહ જોઇને બેઠા હોય છે કારણ કે, રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે કે જે દિવસે ખુદ ભગવાન જાતે પોતાના રથમાં બેસી નગરજનોને દર્શન આપવા માટે શહેરના માર્ગો પર નીકળે છે અને તેઓને ઘેરબેઠા દર્શન આપી ધન્યતાનો અનુભવ કરાવે છે ત્યારે આ વર્ષે રથયાત્રા નીકાળવાના મુદ્દે પ્રવર્તી રહેલી દ્વ્રિધાને લઇને હજારો લાખો શ્રધ્ધાળુ-ભકતોમાં પણ થોડી નિરાશા અને નિરૂત્સાહની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઇતિહાસમાં સૌપ્રથમવાર અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગુજરાત હાઇકોર્ટના હુકમ અને નિર્દેશોના કારણે નીકાળી શકાઇ ન હતી, જેને લઇ કેટલાક શ્રધ્ધાળુ-ભકતોમાં ભારે દુઃખની લાગણી જન્મી હતી. આ વખતે પણ કોરોનાની એ જ પરિસ્થિતિ પ્રવર્તી રહી હોઇ હજારો લાખો શ્રધ્ધાળુ-ભકતોની લાગણી છે કે, ગમે તેમ કરીને પણ આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મર્યાદિત લોકો વચ્ચે પણ કાઢવામાં આવે અને તેનું લાઇવ પ્રસારણ કરવામાં આવે કે જેથી ભકતો ઘરેબેઠા પોતાના ભગવાનના દર્શન કરી શકે અને ધન્યતાનો અનુભવ કરી શકે.