મ્યુકોરમાઇકોસીસ રોગની પ્રારંભિક લક્ષણો સમયે જ સારવાર ન થાય તો દદીંના દાંત, જડબા, નાકનો ઉપરનો ભાગ કે પછી આંખ પણ કાઢી લેવાની નોબત આવે છે
અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, ગાંઘીનગર સહિતના શહેરોમાં તો રોજેરોજ મ્યુકોરમાઇકોસીસ બિમારીના ચોંકાવનારા કેસો સામે આવતાં જાય છે જેને લઇ તંત્ર પણ દોડતુ થયુ
અમદાવાદ,તા.13
ગુજરાતમાં કોરોના બાદ હવે બધું એક નવી બીમારીએ લોકોને બહુ ખતરનાક રીતે ભરડામાં લીધા છે, આ બીમારી છે મ્યુકોરમાઇકોસીસ. કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસિસના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને ગંભીર બનતા જાય છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર સહિતના શહેરોમાં તો મ્યુકોરમાઇકોસીસ રોગના દર્દીઓ ખૂબ ચિંતાજનક અને નોંધપાત્ર રીતે સામે આવી રહ્યા છે, જેને લઇ હવે આરોગ્ય તંત્ર અને રાજય સરકાર પણ હચમચી ગયા છે. એટલું જ નહી, જે પ્રકારે મ્યુકોરમાઇકોસીસ રોગના દર્દીઓના કેસો સામે આવી રહ્યા છે, તેને લઇ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં સ્થાનિક સિવિલ હોસ્પિટલોમાં તો અલાયદા વોર્ડ ઉભા કરી તેમાં દર્દીઓને દાખલ કરી સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંદાજે 200થી પણ વધુ કેસો મ્યુકોરમાઇકોસીસના નોંધાયા છે, જે દર્દીઓની સારવાર હાલ અલાયદા વોર્ડમાં ચાલી રહી છે. પરંતુ સૌથી ચિંતાજનક વાત આજે એ સામે આવી છે કે, મ્યુકોરમાઇકોસીસ બિમારીમાં આંખો, ગળા કે, દાંત, જડબા, નાકનો ઉપરનો ભાગ સુધી જ તેની અસર પ્રવર્તતી હતી પરંતુ હવે આ બિમારી મગજ સુધી પહોંચી ગઇ છે જેના રાજયમાં સૌથી પ્રથમ બે કેસ સુરતમાં નોંધાયા છે, જેને લઇ આરોગ્ય તંત્રની ચિંતા ખૂબ વધી ગઇ છે. સુરતમાં અત્યારસુધીમાં આ બિમારીને લઇ 16થી વધુ દર્દીઓના મોત નીપજયા છે.
સુરતમાં આ બિમારી મગજ સુધી પહોંચી હોવાના રાજયના પ્રથમ બે કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે. મ્યુકોરમાઇકોસીસ ગંભીર બિમારીના લક્ષણો જોવા મળતા આ દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હાલ 25 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, જે પૈકી 3 દર્દીઓની સફળ સર્જરી કરવામાં આવી છે. અત્યારસુધી શહેરની વિવિધ હોસ્પિટલમાં 185 દર્દીઓ નોંધાયા છે. જે પૈકી 67 સાજા થઈ પરત ઘરે ફર્યા છે અને 99 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. તો આ બીમારીને લઈ 16 દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે હવે આ બીમારી મગજ સુધી પહોચી ગઈ છે. જેના રાજ્યમાં પ્રથમ બે કેસ સુરતમાં નોંધાયા છે. જેને લઈને તબીબોમાં ચિંતા વધવા પામી છે.
સુરતમાં કોરોનામાંથી સજા થયા બાદ મ્યુકોરમાઇકોસિસ નામનો નવો રોગ હવે લોકોને ભીંસમાં લઇ રહ્યો છે. ચિંતાની વાત એ છે કે, આ રોગની પ્રારંભિક લક્ષણો સમયે જ સારવાર ન થાય તો દદીંના દાંત, જડબા, નાકનો ઉપરનો ભાગ કે પછી આંખ પણ કાઢી લેવાની નોબત આવે છે. દર્દીને મોતથી બચાવવો હોય તો સંક્રમિત અંગો કાઢી લઈને અન્ય અંગોમાં એને ફેલાતો રોકવા સિવાય બીજો કોઈ ઈલાજ નથી. આ જોખમી રોગ કોરોનામાં ઓક્સીજન સહિતના ગંભીર તબક્કામાંથી પસાર થયેલા કે પછી સાજા થયેલા દર્દીઓને જ વધુ થાય છે.
જો કે મ્યુકોરમાઈકોસિસના કેસ ઝડપથી ગંભીર બનતા જાય છે. મગજ સુધી બ્લેક ફંગસ પહોંચી જવાના ગુજરાતના પ્રથમ બે કેસ સુરતમાં નોંધાયા છે. સુરત શહેરની સિવિલ, સ્મીમેર અને કિરણ હોસ્પિટલ મળીને કુલ 185 દર્દીઓ સારવાર હેઠળ છે. મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને સાજા કરવા માટે આપવામાં આવતા એમ્ફાથેરાસિન બી ઈન્જેક્શનના ૧૫૦થી ૧૮૦ ડોઝમાં ધ્યાન નહીં રાખવામાં આવે તો કિડનીને મોટું નુકસાન થઈ શકે છે. ૧૮૦ ઈન્જેક્શન આપવાના હોય ત્યારે વારંવાર દર્દીઓને નીડલ ઘોંચવી ન પડે માટે ગરદન પાસેથી સેન્ટ્રલ વેઈન હૃદય સુધી પસાર કરવામાં આવે છે. ૨૫૦ એમજીના વિવિધ ડોઝ દર્દીઓને તેમના શરીરની સ્થિતિ જાણીને આપવા પડે છે. આમ, દિવસમાં ૫થી ૭ ઈન્જેક્શન આપવા પડે છે. તેમાં ખૂબ સાવચેતી અનિવાર્ય છે.
કોઈક દિવસ ઈન્જેક્શન નહીં આપી દિવસ ખાલી પણ છોડવો પડે છે. ધ્યાન ન રાખવામાં આવે તો, કિડની ડેમેજ થઈ શકે છે. ફૂગને નિયંત્રણ કરીને તેને ફેલાતા અટકાવી શકે તે માટે એમ્ફાથેરાસિન બી સહિતના ઈન્જેક્શનને તૈયાર કરવાની પ્રક્રિયા જ લાંબી છે. અંદાજે દોઢ મહિના સુધીમાં ઈન્જેકશનનો બેચ તૈયાર થતો હોય છે. હાલ જે પ્રમાણે દર્દીઓ વધી રહ્યા છે. તેની સામે ઈન્જેક્શનની ડિમાન્ડ મોટી છે. જેના કારણે સરકાર દ્વારા રેમડેસિવિરની જેમ હોસ્પિટલને ઈન્જેક્શનની જરૂરિયાત પૂરી પાડવા માટેનું આયોજન કરાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
નિષ્ણાત તબીબોના મતે, ખૂબ ઝડપથી વકરી રહેલા મ્યુકોરમાઈકોસિસ બ્લડ આર્ટરીથી શરીરના વિવિધ ભાગોમાં ફેલાય છે. શરૂઆત સાયનસથી થઈને આંખ, મેગ્ઝિલા અને તેનાથી પણ આગળ વધી શકે છે. ઘણા કિસ્સાઓમાં પ્રાથમિક તબક્કે ધ્યાન નહીં રાખવામાં આવે તો હૃદય સુધી જતી વિવિધ આર્ટરીને પણ બ્લોક કરીને ધબકારા બંધ કરી શકે છે. જેથી ખૂબ જ કાળજીપૂર્વક મ્યુકોરમાયકોસિસની સારવાર કરવી પડતી હોય છે. આ રોગમાં આંખો ધૂંધળી થવાની, આંખો કાઢી લેવા સહિતના ગંભીર કિસ્સાઓ સામે આવ્યા છે. જો સરકાર અને તંત્ર દ્વારા આ રોગની સારવારમાં ઉપયોગમાં લેવાતા એમ્ફાથેરાસિન બી ઇન્જેકશનની વ્યવસ્થા તાકીદે અને પૂરતી નહી કરે તો માનવ જીવનને બહુ મોટુ જોખમ ઉભુ થવાની દહેશત પણ પ્રવર્તી રહી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, ગાંઘીનગર સહિતના શહેરોમાં તો રોજેરોજ આ બિમારીના ચોંકાવનારા કેસો સામે આવતાં જાય છે જેને લઇ તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે. મોટા શહેરોની સિવિલ હોસ્પિટલોમાં તો, મ્યુકોરમાઇકોસીસ બિમારીના દર્દીઓની સારવાર માટે અલાયદા વોર્ડની પણ રચના કરી દેવાઇ છે પરંતુ તેના ઇન્જેકશન અને સારવારનો ખર્ચ મોંઘો હોઇ દર્દીઓ અને તેમના પરિજનોની મુશ્કેલી પણ વધેલી જોવા મળી રહી છે.