અમદાવાદ જિલ્લો જનશક્તિના સહારે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ : શિક્ષણમંત્રીશ્રી
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રનું ત્રીજી લહેરને પહોંચી વળવા ૧૫૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન, ૨૩ વેન્ટિલેટર, ૫૦ બાયપેપ મશીન અને ૭ ઓક્સિજન પ્લાન્ટ સાથે સુદ્રઢ આયોજન
કોરોના સામે રક્ષણાત્મક પગલારુપે અમદાવાદ જિલ્લામાં ૧ લાખથી વધુ માસ્ક, ઉકાળાનું વિતરણ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.11
અમદાવાદ જિલ્લો કોવીડના સંદર્ભે કોઈ પણ પરિસ્થિતીને પહોંચી વળવા સક્ષમ છે, તેવો આત્મવિશ્વાસ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યક્ત કર્યો છે. શિક્ષણમંત્રીશ્રીએ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ૨૫ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ મુખ્યમંત્રીશ્રીના “મારુ ગામ કોરોનામુક્ત ગામ”ના આહવાનને ઝીલી લઈ યુદ્ધના ધોરણે ત્રીજી લહેર માટેની પૂર્વતૈયારીઓ પણ શરુ કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ આ તૈયારીના ભાગરુપે ૧૫૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન, ૨૩ વેન્ટીલેટર, ૫૦ બાયપેપ મશીન તેમ જ ૭ જેટલા ઓક્સિજન પ્લાન્ટ માટે સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે.
તેમણે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં કોવીડની સ્થિતિને પહોંચી વળવા માટે હાથ ધરાયેલી કામગીરનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં કોવીડને અટકાવવા માટેના રક્ષણાત્મક પગલા અને કોવીડ થયા બાદ જરુરી સારવાર-સુવિધા એમ બંને પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર જનશક્તિના સહારે કોવીડ સામેનો જંગ જીતવા અવિરત પ્રયાસ કરી રહ્યું છે અને તેમાં સમાજનો પણ સહયોગ સાંપડ્યો છે. તેમણે આ અવસરે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, જિલ્લામાં કોવીડ સંદર્ભે જરૂરી સાધનો માટે જિલ્લાના ધારાસભ્યો અને સંસદસભ્યો આયોજનબદ્ધ રીતે ગ્રાંટ ફાળવી રહ્યા છે.
શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં સાણંદના ધારાસભ્યશ્રી તેમ જ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ ઉપરાંત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનના ઉપયોગ વિશે….
પાંચ લીટરની ક્ષમતા ધરાવતું પ્રત્યેક ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના કોવીડગ્રસ્ત દર્દીઓને ઉપયોગી થશે જેમાં મુખ્યત્વે બાવળા તાલુકામાં કમ્યુનિટી હેલ્થ સેન્ટર, બાવળા નગરપાલિકામાં અટલ કોવીડ કેર સેન્ટર, બગોદરા કોવીડ કેર સેન્ટર અને ધોળકાના કલિકુંડ કેર સેન્ટર ખાતે તે કાર્યરત કરાશે. એમનીલ ફાર્માસ્યૂટીકલ્સ દ્વારા સંચાલિત ઈરાદા ફાઉન્ડેશન દ્વારા આ મશીનની ભેટ અપાઈ છે. આ ફાઉન્ડેશન દ્વારા બાવળા ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેનું પણ આયોજન હાથ ધરાયું છે.