મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલને શોકસંદેશો પાઠવી સાંત્વના આપી
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ પણ ભારે શોક સાથે શ્રધ્ધાંજલિ અર્પી હાર્દિક પટેલને સાંત્વના પાઠવી
અમદાવાદ,તા.9
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો કહેર હાહાકાર મચાવી રહ્યો છે. સામાન્ય માણસથી લઇ મોટા મોટા રાજકારણીઓ, સેલિબ્રીટી સહિતના લોકો તેના ખપ્પરમાં હોમાઇ અકાળે કાળનો કોળિયો બની રહ્યા છે. ગુજરાત રાજયમાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના લીધે 8,275થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના ભરતભાઇ પટેલનું પણ કોરોનાના કારણે નિધન થતાં કોંગ્રેસ પક્ષમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવાર ને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે શોક સંદેશો પાઠવતાં જણાવ્યું કે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઇ પટેલના નિધનના સમાચાર બહુ દુઃખદ છે. ઇશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે અને તેમના પરિવારજનોને આ આઘાત સહન કરવાની શકિત આપે એવી હું પ્રાર્થના કરું છું. તો, વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશી, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડો.હિમાંશુ પટેલ સહિતના કોંગ્રેસ આગેવાનોએ હાર્દિક પટેલના પિતાના નિધનને લઇ ભારે હૈયે શોકાંજલિ અર્પણ કરી હાર્દિક પટેલને સાંત્વના પાઠવી હતી.
પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના પિતા ભરતભાઇ કોરોના સંક્રમિત થયા હોવાથી તેઓ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જયાં આજે સવારે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હાર્દિક પટેલના પિતાના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પુત્ર હાર્દિક પટેલ દ્રારા તેમના અંતીમ સંસ્કાર પીપીઈ કિટ પહેરીને કોવીડ ગાઈડલાઈન મુજબ કરવામા આવ્યાં હતા. હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવાર ને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો. કોરોનાવાયરસની ઝપટમાં આવેલા તેમના પિતા ભરતભાઈનું અવસાન થયું છે. ભરત ભાઈ પટેલ હંમેશા હાર્દિકને પ્રોત્સાહન આપતા હતા. પાટીદાર અનામત આંદોલન વખતેના કેસ હોય કે હાર્દિકનો જેલવાસ તેઓ કાયમ મીડિયા સામે મજબૂતાઈ આવ્યા અને કોઈ દિવસ નકારાત્મક વાત કરી નહોતી. પાટીદાર સમાજ માટે દીકરાએ આપેલા યોગદાનનો તેઓ હંમેશા ગર્વથી ઉલ્લેખ કરતા હતા અને તેમણે આ સમગ્ર આંદોલન દરમિયાન હાર્દિક પટેલને એક વાલી તરીકે બળ પુરૂં પાડ્યું હતું. તેમના અવસાનથી હાર્દિક પટેલને પિતા સાથે એક માર્ગદર્શકની પણ હંમેશા ખોટ વર્તાશે. કોંગ્રેસના નેતાઓ અને પ્રદેશ સંગઠનના આગેવાનો તથા કાર્યકરોએ હાર્દિક પટેલના પિતાના નિધનને લઇ ભારે દુઃખ સાથે શોકાંજલિ અર્પી હતી.