કોરોના પોઝિટિવ દર્દીઓને એક ફોન પર બિલકુલ મફતમાં હોસ્પિટલ કે દવાખાના સુધી પહોંચાડવાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે
જો કોઇ ગરીબ કે જરૂરિયાતમંદ દર્દીને કોરોનાની હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ઉપાડી શકવાની શકિત ના હોય તો તેવા કિસ્સામાં પનાહ ફાઉન્ડેશન આવા દર્દીઓની દવા અને સારવારને તમામ ખર્ચ પણ ઉપાડી રહ્યુ છે
અમદાવાદ,તા.8
કોરોનાના આ કપરા કાળમાં કોરોના પોઝિટિવ એવા ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્યે ઓટો રીક્ષા એમ્બ્યુલન્સ સેવા અમદાવાદ શહેરમાં ઉપલબ્ધ બનાવવાનો એક નવતર પ્રયાસ પનાહ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયો છે. પનાહ ફાઉન્ડેશન દ્વારા હાલ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલ પ્રાથમિક તબક્કે 10 ઓટો રીક્ષાઓ અને 10 કાર – ફોર વ્હીલર કોરોના દર્દીઓની સેવામાં મૂકવામાં આવ્યા છે. જે સતત 24 કલાક કાર્યરત રહે છે અને કોરોના દર્દીઓને તેમના ઘેર હોમ આઇસોલેશનમાં કે હોસ્પિટલ સુધી પહોંચાડવા સુધીની તમામ કામગીરી વિનામૂલ્યે બજાવી રહ્યા છે. હાલ જયારે કોરોના દર્દીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે અને 108 એમ્બ્યુલન્સ માટે પણ દર્દીઓને જયારે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે ત્યારે પનાહ ફાઉન્ડેશનની આ નિઃશુલ્ક સેવા નોંધનીય અને પ્રશંસનીય બની રહી છે.
પનાહ ફાઉન્ડેશનના સ્થાપક નરેશભાઇ પ્રજાપતિએ આ અનોખી પહેલ વિશે વાત કરતાં જણાવ્યું કે, હાલ અમદાવાદ સહિત ગુજરાતભરમાં અને દેશભરમાં કોરોનાની બીજી લહેર બહુ ગંભીર અને ખતરનાક રીતે પ્રસરી ગઇ છે ત્યારે કોરોનાના આ કપરા કાળમાં નાગરિકોને હોમ આઇસોલેશન કે હોસ્પિટલ સુધી સારવાર માટે પહોંચવું ઘણીવાર મુશ્કેલ અને કપરૂ બની રહેતું હોય છે, તેથી કોરોના પોઝિટિવ દર્દીઓને એક જ ફોન થકી તાત્કાલિક ઓટો રીક્ષા એમ્બ્યુલન્સ અને કાર એમ્બ્યુલન્સની સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ થાય તે હેતુથી જ આ સેવા શરૂ કરવામાં આવી છે. આ માટે કસ્ટમર કેર નંબર 7600660760 પર ફોન જારી કરવામાં આવ્યો છે, જેની પર કોઇપણ કોરોના પોઝિટિવ દર્દી કે તેમના પરિવારજનો કે સગાવ્હાલા દ્વારા ફોન મારફતે જાણ કરવાથી ઓટો એમ્બ્યુલન્સ અને કાર એમ્બ્યુલન્સ ઉપલબ્ધ બનાવાય છે. એટલું જ નહી, ઓટો રીક્ષામાં ઓકિસજનનો બાટલાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે, કે જેથી ઇમરજન્સી કિસ્સામાં દર્દીઓને ઓકિસજનની મદદ પૂરી પાડી શકાય.
તેમણે ઉમેર્યું કે, પનાહ ફાઉન્ડેશન દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ કોરોના પોઝિટિવ દર્દીઓને કોરોનાના આ કપરા કાળમાં તેમના ઘેર સુધી મફતમાં કરિયાણાની આખી કીટ પણ પહોંચાડવામાં આવી રહી છે. તો, જો કોઇ ગરીબ કે જરૂરિયાતમંદ દર્દીને કોરોનાની હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ઉપાડી શકવાની શકિત ના હોય તો તેવા કિસ્સામાં પનાહ ફાઉન્ડેશન આવા દર્દીઓની દવા અને સારવારને તમામ ખર્ચ પણ ઉપાડી રહ્યુ છે. ઓટોરીક્ષા એમ્બ્યુલન્સ અને કાર એમ્બ્યુલન્સની નિઃશુલ્ક સેવા હાલ અમદાવાદ ઉપરાંત સાણંદ, બાવળા, ગાંધીનગર, સાંતેજ, છત્રાલ સહિતના નજીકના વિસ્તારો સુધી પણ આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં અમારી આ સેવા વધુ અસરકારક બનાવવાનું અને વિસ્તારવાનું અમારૂ આયોજન છે.