સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવતા તબીબો માટે ત્રણ ટાઇમ ભોજનની વ્યવસ્થા કરાઇ
શેફ સંજીવ કપૂર દ્વારા અન્ય 12 શેફ અને તેમની ટીમના સભ્યો દ્વારા ડોકટર્સ, નર્સીંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ માટે પ્રોટીનયુકત ભોજનનો સેવાયજ્ઞ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.5
ભારતના જાણીતા શેફ સંજીવ કપૂર તેમની સેવાભાવી પ્રવૃત્તિ અને માનવીય અભિગમને લઇ હાલ અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનું અને નોંધનીય કેન્દ્ર બન્યા છે. વાત એમ છે કે, ભૂખ્યાને ભોજન આપવા જેટલુ પુણ્ય ક્યાંય મળતુ નથી. ભારતના જાણીતા શેફ સંજીવ કપૂર કોરોના મહામારીમાં મદદ માટે આગળ આવ્યા છે અને તે પણ ગુજરાતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં. તેઓ કોરોના વોરિયર્સ માટે એક વિશેષ મદદ લઈને આવ્યા છે. જે મુજબ, શેફ સંજીવ કપૂર જાતે પોતાના અન્ય શેફ સ્ટાફની મદદથી બહુ સ્વાદિષ્ટ પ્રોટીનયુકત અને ઇમ્યુનીટી વધારતી રસોઇ અને જમવાનું બનાવી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના આ કપરા કાળમાં રાત-દિવસ જોયા વિના ફરજ બજાવતા ડોકટર્સ અને સ્ટાફને ભોજન પૂરું પાડવાનું સેવાકાર્ય આરંભ્યુ છે, જેને લઇ જાણીતા શેફ સંજીવ કપૂરનો એક માનવીય અભિગમ અને સેવાભાવી ચહેરો પણ સામે આવતાં તેઓ હકારાત્મક ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
દેશના જાણીતા શેફ સંજીવ કપૂર અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવતા તબીબો માટે મદદ કરવા કાર્યરત બન્યા છે. તેઓ કેટલીક સેવાભાવી સંસ્થાઓની મદદથી આ સેવાકાર્ય કરવા આગળ આવ્યા છે. જેમાં તેઓ અમદાવાદના વોરિયર્સને વિનામૂલ્યે ભોજન આપવાનો સેવાયજ્ઞ આરંભ્યો છે. આ માટે અમદાવાદમાં તેમણે 12 શેફની નિમણૂંક કરી છે. જેઓ સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણ ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવામાં જોતરાયા છે. જેને લઇ સિવિલ હોસ્પિટલમાં સ્વાદની સાથે શેફ સંજીવ કપૂરની માનવીય સેવા મહેંકી ઉઠી હતી.
દરમ્યાન અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદીએ આ અંગે કહ્યું હતું કે બે દિવસ અગાઉ સંજીવ કપૂર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન આપવાની વ્યવસ્થા અંગેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેને હોસ્પિટલ તંત્રએ સ્વીકાર્યો છે. અમે તેમની ભાવનાઓને બિરદાવીએ છીએ. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, હાલ કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓએ મદદ માટે હાથ લંબાવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કોવિડ ટ્રીટમેન્ટ માટે લગભગ 3000 થી વધુ લોકોનો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યાં છે. કોરોના દર્દીઓ માટે ડોકટર્સ, નર્સીંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ રાત-દિવસ જોયા વગર સતત અને ખડેપગે સેવા-ફરજ બજાવી રહ્યા છે, જે ખરેખર નોંધનીય અને પ્રશંસનીય છે.