ગુજરાતના લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી મુખ્ય ભૂમિકામાં
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.1
હાલમાં ગુજરાત સહિત સમગ્ર ભારત કોવિડ-19 મહામારીની ઘાતક લહેરની સામે ઝઝૂમી રહ્યું છે અને દરેક વ્યક્તિના મોઢે કોરોના મહામારીની જ વાતો ચાલી રહી છે. લગભગ એક મહિનાથી દરરોજ કોરોનાના કેસોમાં વધારો અને સતત નકારાત્મક સમાચારોને કારણે ઘણાં લોકો તણાવ, ચિંતા અને અસહજતા અનુભવી રહ્યાં છે.
આ પરિસ્થિતિમાં નકારાત્મક સમાચારોમાંથી બહાર નીકળીને લોકોનું ધ્યાન અન્યત્ર કેન્દ્રિત થાય તે જરૂરી છે. સર્વત્ર નેગેટિવિટીનો માહોલ છે ત્યારે પોઝિટીવીટી લાવવા અને ફેમિલિ સાથે મનોરંજન નિહાળી શકાય તે માટે મેગ્નેટ મીડિયા દ્વારા ઓટીટી પ્લેટફોર્મ શેમારૂ ઉપર ગુજરાતી વેબ સીરિઝ વાત વાતમાં દર્શકો સમક્ષ રજૂ કરાઇ છે. લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી અભિનિત આ ગુજરાતી વેબ સીરિઝના ટ્રેલરને દર્શકો તરફથી તેને ખૂબજ સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે.
આ અંગે વિગતો આપતાં વેબ સીરિઝના પ્રોડ્યુસર ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “વર્તમાન સમયમાં કોવિડ-19ના કેસોમાં વધારાને કારણે લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યાં છે અને તેમની પાસે પરિવાર સાથે બેસીને મનોરંજન માણવા માટે ખૂબજ ઓછા વિકલ્પો છે. આ પરિસ્થિતિમાં રોમેન્ટિક અને કોમેડી ગુજરાતી વેબ સીરિઝ વાત વાતમાં દર્શકોની મનોરંજનની જરૂરિયાતને પૂર્ણ કરવા સાથે તેમને નકારાત્મક માહોલમાંથી પણ બહાર આવવામાં મદદરૂપ બનશે તેવો મને વિશ્વાસ છે.
ઉલ્લેખનીય છે કે મેગ્નેટ મીડિયા ફિલ્મ્સના બેનર, પ્રોડ્યુસર ભાવેશ ઉપાધ્યાય અને ડાયરેક્ટર કર્તવ્ય શાહની સીરિઝમાં અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી મુખ્ય ભુમિકામાં જોવા મળી રહ્યાં છે. તેમની સાથે ચેતન દહિયા અને કૃપા પંડ્યા સહિતના કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
તેમણે ઉમેર્યું હતું કે, મેગ્નેટ મીડિયા ફિલ્મ પ્રોડક્શન ફિફ્થ વેબ પ્રોડક્શનના સહયોગથી પોતાની સૌ પ્રથમ ગુજરાતી વેબ સિરીઝ ‘વાત વાતમાં’ ને શેમારૂ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરતાં અમે ઉત્સાહિત છે. શેમારુ સાથેના અમારા સહયોગથી અમે અને અમારી ટીમ આનંદિત છે તથા દરેકના સમર્થન અને સહકારની રાહ જોતા હોઈએ છીએ.
મહત્વપૂર્ણ છે કે મેગ્નેટ મીડિયા ફિલ્મ પ્રોડક્શન કંપની ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં ફિલ્મોનું નિર્માણ કરે છે અને વિદેશોમાં તેનું ડિસ્ટ્રિબ્યુશન પણ કરે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં મેગ્નેટ મીડિયા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની પ્રતિષ્ઠિત બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. આ પહેલાં નેશનલ એવોર્ડ વિજેતા જયેશ મોરે અને કિંજલ રાજપ્રિયા સાથે તેણે ધુમ્મસ ફિલ્મ પૂર્ણ કરી છે. મેગ્નેટ મીડિયા 16 દેશોમાં ડિસ્ટ્રિબ્યુશનનું કામ કરે છે