- અગાઉ રેસિડેન્ટ ડોકટરોની હડતાળના સમાચાર અખબારોમાં આવ્યા બાદ ભડકેલા ડીન રૂપલ શાહે વિદ્યાર્થીઓને ડરાવી ધમકાવી કોરા કાગળ પર સહીઓ લઇ માફી લખાવ્યાના ગંભીર આરોપ સાથે સરકારમાં ફરિયાદ
- સરકારની ડેન્ટલ કોલેજના ડોકટરો(વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ) દ્વારા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો સમક્ષ ફરિયાદ કરાઇ
- વિદ્યાર્થીઓની સરકારમાં ફરિયાદ બાદ સમગ્ર મામલો ગરમાયો, રેસિડેન્ટ ડોકટરો દ્વારા તાત્કાલિક અસરથી રૂપલ શાહ સામે પગલાં ભરવા ઉગ્ર માંગણી
પથિક લીંબાચિયા, અમદાવાદ:
25 માર્ચ 2026:
એશિયાની સૌથી મોટી એવી અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોની હડતાળને પગલે તાજેતરમાં વિવાદમાં આવેલી સિવિલ અને સરકારની ડેન્ટલ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. અમદાવાદ સરકારી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ(રેસિડેન્ટ ડોકટરો)એ હવે સરકારી ડેન્ટલ કોલેજના ડીન રૂપલ શાહ વિરૂધ્ધ ખુદ રાજયના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોને બહુ ગંભીર ફરિયાદ કરી છે, જેમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, રેસિડેન્ટ ડોકટરોને રૂમોની ફાળવણી નહી કરવાને લઇ તેમ જ સ્ટાઇપેન્ડની રકમ અટકાવવા સહિતના મુદ્દે તાજેતરમાં વિદ્યાર્થીઓની જે હડતાળ પાડવામાં આવી હતી.

તે અઁગે અખબારોમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલો બાદ ડીન રૂપલ શાહ ભડકયા હતા અને વિદ્યાર્થીઓને ડરાવી-ધમકાવી તેમની કારકિર્દી ખતમ કરી ઇન્ટર્નશીપ પ્રમાણપત્ર નહી આપવાની ધમકી આપી તેઓની પાસેથી કોરા કાગળમાં સહીઓ લઇ માફી લખાવી લઇ હડતાળ સમેટાઇ ગઇ અને સમાધાન થઇ ગયુ હોવાના દાવા કરાયા હતા. પરંતુ વાસ્તવમાં વિદ્યાર્થીઓને ડરાવી ધમકાવી તેમની પાસેથી લીધેલી સહીઓનો દૂરપયોગ કરી સમાધાન થઇ ગયાનું અને વિદ્યાર્થીઓ હડતાળ સમેટી લીધાનું ભ્રામક ચિત્ર સરકારમાં રજૂ કર્યુ હતું. અત્યારે ડીન રૂપલ શાહ દ્વારા તમામ ઇન્ટર્ન્સ વિદ્યાર્થીઓને એકબીજા સાથે વાત કરવા અને વિવાદ નહી કરવા પણ અંદરખાને ધમકી અપાઇ છે.
સરકારમાં અને આપ સાહેબના ધ્યાન પર સત્ય હકીકત લાવવાના હેતુથી વિદ્યાર્થીઓ દ્વારા આ પત્ર મારફતે આપને રજૂઆત કરી સમગ્ર સાચી હકીકત આપના ધ્યાન પર મૂકવાનો પ્રયાસ થયો છે એમ પણ રેસિડેન્ટ ડોકટરોએ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ(રેસિડેન્ટ ડોકટરો)ના હિતમાં તાત્કાલિક અસરથી કોલેજના ડીન રૂપલ શાહને સત્તા પરથી દૂર કરવા અને તેમની વિરૂધ્ધ કાયેદસર પગલાં ભરવા પણ પત્રમાં ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ડેન્ટલના રેસિડેન્ટ ડોકટરોએ ડેન્ટલ હોસ્પિટલના અધિક નિયામક અને સરકારી કોલેજના ડીન રૂપલ શાહ દ્વારા રેસિડેન્ટ ડોકટરોને રૂમોની ફાળવણી નહી કરાતાં તેમ જ સ્ટાઇપેન્ડની રકમ અટકાવી દેવા સહિતની માંગણીઓ અને વિરોધમાં જોરદાર હડતાળ પાડી હતી, જેને લઇ સિવિલ હોસ્પિટલ, ડેન્ટલ કોલેજથી લઇ સરકાર સુધી ખળભળાટ મચી ગયો હતો. તાજેતરમાં બહારગામથી આવતાં કેટલાક વિદ્યાર્થીની-વિદ્યાર્થીઓ ખાલી પડેલ હોસ્ટેલની રૂમો જરૃરિયાતવાળાને ફાળવણી કરી આપવા રજૂઆત માટે ડીન રૂપલ શાહ પાસે ગયા હતા, પરંતુ રેસિડેન્ટ રૂમોની ફાળવણીની વાત તો બાજુ પર રહી પરંતુ તેમની રજૂઆત સાંભળવાને બદલે તેઓને ધમકાવી તમારી કેરિયર ખતમ કરી દઇશ તેવા ઉચ્ચારણો સાથે તેમને ચેમ્બરની બહાર હાંકી કાઢયા હતા. એટલું જ નહી, રેસિડેન્ટ ડોકટરોને સરકાર તરફથી સ્ટાઇપેન્ડની જે રકમ મળતી હતી તે પણ અટકાવી દેતાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં અવરોધો પેદા કરવાના હીન પ્રયાસો થતાં આખરે વિદ્યાર્થીઓએ ડીન રૂપલ શાહ સામે બાંયો ચડાવી હતી અને આજે ફરી એકવાર સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તેમની હકાલપટ્ટીની પોતાની ઉગ્ર માંગણીનો પુનરોચ્ચાર કરતાં વધુ એક વિવાદ સામે આવ્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #CivilDentalHospitalResidentDoctorsStrike #Deman-RupalShah’sDismissalDemand #CivilHospital #DentalHospital #ResidentDoctorsStrike



