- આગામી તા.13-3-2026 ના રોજ ગુજરાત બાર કાઉન્સીલની પ્રતિષ્ઠાભરી ચૂંટણી, આ વખતે 25 સભ્યોના બદલે 23 સભ્યોની ચૂંટણી યોજાશે, પાંચ બેઠકો મહિલાઓ માટે અનામત, તો બે બેઠકો કો-ઓપ્શન પ્રક્રિયાથી ભરાશે
- સૌપ્રથમવાર ગુજરાત સહિત દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સીલની ચૂંટણીઓ સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇ પાવર ઇલેકશન કમીટીના નીરીક્ષણ હેઠળ યોજાશે
અમદાવાદ: 27 ડિસેમ્બર 2025:
દેશના તમામ સ્ટેટ બાર કાઉન્સીલની અત્યંત પ્રતિષ્ઠાભરી અને રસાકસીભરી ચૂંટણી આ વખતે ઇતિહાસમાં સૌપ્રથમવાર સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇપાવર ઇલેકશન કમીટીના નીરીક્ષણ હેઠળ યોજાવાની છે. સુપ્રીમકોર્ટે દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સીલોની ચૂંટણી તા.૧૫મી માર્ચ સુધીમાં તબક્કાવાર યોજવા અંગે કરેલા આદેશ અનુસંધાનમાં ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી આગામી તા.૧૩મી માર્ચ, ૨૦૨૬ યોજવાની સત્તાવાર જાહેરાત કરાઇ છે. જો કે, આ વખતે ઇતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાત બાર કાઉન્સીલના ૨૫ સભ્યોના બદલે ૨૩ સભ્યોની જ ચૂંટણી યોજાશે. જેમાંથી પાંચ બેઠકો તો મહિલાઓ માટે સુપ્રીમકોર્ટના હુકમ મુજબ અનામત રહેશે. બે બેઠકો કો-ઓપ્શનથી ભરાશે. એટલે, પુરૃષ ઉમેદવારો માટે બહુ આંચકાજનક રીતે માત્ર ૧૮ જ બેઠકો લડવા માટે ફાળે આવી છે. તેથી આ વખતની ચૂંટણી સૌકોઇ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.

ગુજરાત બાર કાઉન્સીલના ૨૫ સભ્યોની દર પાંચ વર્ષે યોજાતી આ ચૂંટણી બહુ મહત્ત્વની અને પ્રતિષ્ઠાના જંગ સમાન હોય છે, ખુદ ગુજરાત સહિત દેશના ન્યાયતંત્રની તેની પર નજર હોય છે કારણ કે, આ વકીલોની માતૃ સંસ્થાની ચૂંટણી હોય છે અને તેમાં દરેક રાજકીય પક્ષના સમર્થિત વકીલો ચૂંટણી જંગમાં ઝંપલાવતા હોય છે. જો કે, ગુજરાત છેલ્લા ૨૭ વર્ષોથી ભાજપ પ્રેરિત સમરસ પેનલ જ સત્તામાં છે, તેથી આ વખતે કોંગ્રેસ કે આપ સમર્થિત વકીલ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવવાની વ્યૂહરચના ઘડી રહ્યા છે.

જો કે, આ વખતે ગુજરાત સહિત દેશભરની સ્ટેટ બાર કાઉન્સીલની ચૂંટણી માટે ધરખમ ફેરફારો, નવા નિયમો અને તદ્ન નવી જોગવાઇઓ અમલી બનવા જઇ રહી છે, જેને લઇ વકીલ ઉમેદવારોમાં થોડી અસમંજસતા, ચિંતા અને ગભરામણ પણ છે. આ વખતના નવા નિયમો અને ફેરફારો અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ.સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૬૪થી ગુજરાત બાર કાઉન્સીલ અસ્તિત્વમાં આવી ત્યારથી બાર કાઉન્સીલ પોતે જ ઇલેકશન કમીટી, ટ્રિબ્યુનલ રચી ચૂંટણી કરતી હતી અને સમગ્ર સંચાલન બાર કાઉન્સીલનું જ હતું પરંતુ હવેથી આ વખતે સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇ પાવર ઇલેકશન કમીટી જ સર્વ સત્તાધીન રહેશે. તેના નીરીક્ષણ અને અંતિમ આદેશ મુજબ જ ચૂંટણી યોજાશે. જો કોઇ સ્ટેટ બાર કાઉન્સીલ કે, વ્યકિતગત સભ્યોને ચૂંટણી પ્રક્રિયા સંબંધી કોઇપણ ફરિયાદ હોય તો, તેઓ હાઇ પાવર્ડ ઇલેકશન સુપરવાઇઝરી કમીટીમાં જઇ શકે છે. તેનો ચુકાદો અંતિમ અને આખરી રહેશે. તેના હુકમની સામે કોઇ સિવિલ કોર્ટ અથવા હાઇકોર્ટમાં પિટિશન થઇ શકશે નહી.
વળી, તમામ બાર કાઉન્સીલ, રિટર્નીંગ ઓફિસર, સ્પેશ્યલ કમીટી અને ચૂંટણી સત્તાવાળાઓને હાઇ પાવર્ડ ઇલેકશન કમીટીના મતદાન, બેલેટ ફોર્મેટ, ઉમેદવાર ચકાસણી, મત ગણતરી, પરિણામોની જાહેરાત અને ચૂંટણી સબંધી કોઇપણ નિર્ણય બંધનકર્તા રહેશે. આજે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટલેના અધ્યક્ષસ્થાને યોજાયેલી મહત્ત્વની બેઠકમાં ચૂંટણી, નવા નિયમો સહિતના મુદ્દે અગત્યના નિર્ણયો લેવાયા હતા. જેમાં ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી માટે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે એચ.એમ.પરીખ, જોઇન્ટ ચૂંટણી કમિશનર તરીકે મિલન એન.પટેલની નિમણૂંક કરવામાં આવી છે. તો, ચૂંટણી ઓર્બ્ઝર્વર તરીકે હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ ડી.કે.ત્રિવેદીનું નામ નક્કી કરવામાં આવ્યું છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયની સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇ પાવર ઇલેકશન કમીટીના ચેરમેન સિધ્ધાર્થ મીતુલને જોણ કરવામાં આવી છે. તેમના વડપણ હેઠળની આ કમીટી આખરી નિર્ણય જાહેર કરશે.
૩૦ મહિલા અનામતના કારણે પુરૃષ ઉમેદવારોને બહુ મોટો ફટકો
સુપ્રીમકોર્ટે તેના તા.૮-૧૨-૨૦૨૫ના તાજેતરના ચુકાદા મારફતે દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સીલમાં મહિલા વકીલો માટે ૩૦ ટકા અનામત રાખવા હુકમ કર્યો છે. જેમાંથી ૨૦ ટકા ચૂંટણી મારફતે ભરવામાં આવશે, જયારે બાકીના દસ ટકા કો-ઓપ્શન મારફતે ભરાશે. સ્ટેટ બાર કાઉન્સીલમાં કુલ ૨૫ સભ્યોની અત્યાર સુધી ચૂંટણી થતી આવી છે પરંતુ હવે નવી ગણતરી મુજબ, ૩૦ મહિલા અનામતને લઇ કુલ સાત બેઠકો મહિલાઓને ફાળવવાની આવશે. જેમાં મહિલાઓ માટે પાંચ બેઠકો ઇલેકશનથી અને બે બેઠકો કો-ઓપ્શન પ્રક્રિયાથી ભરવી પડશે. આમ, હવે ગુજરાત બાર કાઉન્સીલના કુલ ૨૫ સભ્યોના બદલે ૨૩ બેઠકોની ચૂંટણી યોજવાની થશે. કુલ ૨૫માંથી સાત બેઠકો મહિલાઓ માટે જતી રહીશે એટલે હવે સ્ટેટ બાર કાઉન્સીલમાં પુરૃષ ઉમેદવારો માટે માત્ર ૧૮ બેઠકો જ રહી ગઇ છે. જેને લઇ બાર કાઉન્સીલમાં પુરૃષ વકીલ ઉમેદવારોને બહુ મોટો ફટકો પડયો છે.
ચૂંટણી ફી ૨૫ હજારને બદલે સવા લાખ કરી દેવાઇ, એ પણ નોન રિફંડેબલ
ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી લડવા માટેની ચૂંટણી ફી અગાઉ ૨૫ હજાર હતી અને જો વકીલ ઉમેદવાર દસ ટકા વોટ મેળવે તો આ ચૂંટણી ફી નોન રિફંડે બલ હતી. જો કે, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નવા ફરમાન મુજબ, હવેથી ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવાર માટે ચૂંટણી ફી સવા લાખ રૃપિયા કરી દેવાઇ છે અને તે પણ પાછી નોન રિફંડેબલ. આ નિર્ણયને લઇને પણ વકીલ ઉમેદવારોમાં થોડો આંચકો જોવા મળ્યો છે.
પ્રેફરેન્સીયલ વોટથી મતદાન, રાજયભરના વકીલો મતદાન કરશે
ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ ઉમેર્યુ હતું કે, ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી બહુ પ્રતિષ્ઠાભરી અને ઇજ્જતના સવાલ સમાન હોય છે. જેમાં પ્રેફરેન્સીયલ વોટીંગથી મતદાન થતુ હોય છે. એટલે કે, વકીલ મતદારો તેમને પસંદ હોય તે ઉમેદવારો સામે એક, બે, ત્રણ એમ ૨૩ નંબર સુધી મતદાન કરી શકશે. રાજયભરના વકીલો આ ચૂંટણીમાં મતદાન કરતા હોવાથી મતગણતરીમાં પણ બહુ વાર લાગતી હોય છે અને પરિણામ આવતાં દસેક દિવસનો સમય લાગી જતો હોય છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #GujaratBarCouncilElectionsWithChangesAndNewRules #GujaratBarCouncil #gujaratBarCouncilElections #ReservationForFiveBethCommissions #SupremeCourtDirections #HighPowerElectionCommittee #trending #ahmedaba





