- ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મહત્ત્વનો કાયદાકીય મુદ્દો ઉઠાવતી રિટ અરજી દાખલ
- હાઇકોર્ટે રાજય સરકાર, સહકાર સચિવ, ખાંડ મંડળીના નિયામક, ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી જવાબ માંગ્યો
અમદાવાદ: 26 ડિસેમ્બર 2025:
વિદેશી નાગરિક સહકારી ખાંડ મંડળીમાં સભ્યપદે રહી શકે કે નહી એ મતલબનો કાયદાકીય મુદ્દો ઉપસ્થિત કરતી મહત્ત્વની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. જેની સુનાવણીમાં જસ્ટિસ અનિરૃધ્ધા પી.માયીએ આ કેસમાં રાજય સરકાર, સહકાર વિભાગના સચિવ, રાજયના ખાંડ મંડળીઓના નિયામક, ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે.

નવસારી જિલ્લાની બહુ મોટી ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં વિદેશી નાગરિકના સભ્યપદ અને વ્યવસ્થાપકકમીટીમાં પણ સભ્યપદને લઇ ગંભીર સવાલ ઉઠાવાયા હતા અને આ સમગ્ર મામલે હાઇકોર્ટમાંથી સ્પષ્ટતા માંગતી અને કાયદાકીય મુદ્દો ઉપસ્થિત કરતી રિટ અરજી દાખલ કરાઇ હતી. ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના જ સભ્ય જીતેન્દ્ર નાથુભાઇ દેસાઇ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજી(સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નંબર-૧૫૫૩૬/૨૦૨૫)માં એડવોકેટ અર્ચિત પ્રકાશ જાની દ્વારા એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં રણજીતભાઇ નાથુભાઇ પટેલ વ્યવસ્થાપક કમીટીના સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. રણજીતભાઇ વર્ષો પહેલાં અગાઉ ગણદેવી ખાતે રહેતા હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અમેરિકામાં સ્થાયી થયા છે અને તેમણે ભારતીય નાગરિકતા છોડી અમેરિકાની નાગરિકતા સ્વીકારેી હોવાની હકીકત હાઇકોર્ટના રેકર્ડ પર રજૂ કરવામાં આવી હતી.

અરજદાર સભ્ય તરફથી એડવોકેટ અર્ચિત પ્રકાશ જાનીએ અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું કે, વિદેશમાં રહેતા આ સભ્ય રણજીતભાઇ પટેલનું નામ વિધાનસભા કે લોકસભાની ચૂંટણીની મતદાર યાદીમાં પણ નોંંધાયેલ નથી. આ જે વ્યકિત ન તો ગણદેવીના રહેવાસી છે કે ના તો ભારતીય નાગરિક છે કે નથી અહીનું નાગરિકત્વ ધરાવતા. તો તેવા સંજોગોમાં આવી વ્યકિત સહકારી ખાંડ મડળીમાં સાધારણ સભ્ય કે વ્યવસ્થાપક કમીટીનો સભ્ય બની શકે નહી. આ સમગ્ર મામલે અરજદારપક્ષ દ્વારા ખાંડ નિયામક સહિતના સંબંધિત સત્તાવાળાઓને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમની રજૂઆત નામંજૂર કરાતાં અરજદારને હાઇકોર્ટમાં હાલની રિટ અરજી કરવાની ફરજ પડી છે. અરજદારપક્ષ તરફથી તાત્કાલિ ધોરણે વિદેશી નાગરિકને સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના સભ્યપદેથી અને વ્યવસ્થાપક કમીટીના સભ્યપદેથી દૂર કરવા પણ દાદ માંગવામાં આવી હતી.
અરજદારપક્ષની રજૂઆત ગ્રાહ્ય રાખીને હાઇકોર્ટે રાજયના સહકાર સચિવ સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી આ સમગ્ર મામલે જવાબ માંગ્યો છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આવતા મહિને રાખી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #ForeignCitizenCooperativeSugarSociety #GujaratHighCourtWritApplicationRaisingLegalIssuesofCompetentInterest #SugarSocietyRegulator #GandeviCooperativeSugarIndustrySociety #trending #ahmedaba



