- સ્પેશ્યલ પીએમએલએ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો, કોર્ટે પ્રદીપ શર્માને સજા ઉપરાંત રૂ.50 હજારનો દંડ પણ ફટકાર્યો
- પ્રદીપ શર્માની સરકાર દ્વારા જપ્ત કરાયેલી મિલ્કતોની ટાંચને પણ કોર્ટ દ્વારા બહાલી
અમદાવાદ: 07 ડિસેમ્બર 2025:
રાજયના પૂર્વ સનદી અધિકારી અને તત્કાલીન કચ્છ-ભુજ કલેકટર પ્રદીપ શર્મા વિરૃધ્ધ ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ હેઠળ દાખલ કરેલી ફરિયાદના કેસમાં અત્રેની સ્પેશ્યલ પીએમએલએ કોર્ટે આજે પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૃ.૫૦ હજારનો દંડ ફટકારતો મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટના પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીકટ જજ કે.એમ.સોજીત્રાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે, તેનાથી અલગ આ સજા ભોગવવાની રહેશે. વધુમાં રાજય સરકાર દ્વારા દોષિત અધિકારી પ્રદીપ શર્માની જે સંપત્તિ કે મિલ્કત ટાંચમાં લીધી છે તે સરકાર હસ્તક જ રહેશે. ઉલ્લેખનીય છે કે, કચ્છ-ભુજ કલેકટરના કાર્યકાળ દરમ્યાન પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માએ હવાલાથી નાણાં તેની પત્ની અને પરિવારના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાના પુરાવા મળી આવ્યા હતા.

કેસની વિગતો મુજબ, પૂર્વ સનદી અધિકારી જયારે તા.૨-૫-૨૦૦૩થી તા.૩-૬-૨૦૦૬ દરમ્યાન કચ્છ-ભુજ કલેકટર હતા તે દરમ્યાન તેમણે મુંબઇની વેલસ્પન ગુ્રપ કંપનીને સસ્તામાં જમીન પધરાવી સરકારને રૃ.૧.૨૦ કરોડથી પણ વધુનુ નુકસાન પહોંચાડવાના પ્રકરણમાં રાજકોટ સીઆઇડી ક્રાઇમ પોલીસમથકમાં ૨૦૧૦માં ફરિયાદ નોંધાઇ હતી. દરમ્યાન આ સમગ્ર પ્રકરણમાં વેલસ્પન ગુ્રપ કંપની પાસેથી મેળવેલા નાણાં હવાલા મારફતે વિદેશ મોકલાયા હોવાની અને પ્રદીપ શર્માની પત્ની તેમ જ તેમના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાની હકીકત સામે આવતાં સમગ્ર મામલામાં મની લોન્ડરીંગ થયુ હોવાથી ઇડીએ તપાસમાં ઝંપલાવ્યું હતુ અને વર્ષ ૨૦૧૬માં ઇડીએ મની લોન્ડરીંગ એકટ હેઠળ પ્રદીપ શર્મા વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પ્રદીપ શર્માએ ભ્રષ્ટાચારના લાખ રૃપિયા પોતાની પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાના આરોપ લાગ્યા હતા.

જો કે, પ્રદીપ શર્મા તરફથી ગુજરાત હાઇકોર્ટના બહુ સિનિયર એડવોકેટ અને ક્રિમીનલ લો ના નિષ્ણાત એવા સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ ઇડીના તમામ આરોપોને ફગાવતી અગત્યની દલીલો કરવામાં આવી હતી. બીજીબાજુ, પ્રદીપ શર્મા વિરૃધ્ધના મની લોન્ડરીંગ કેસના ટ્રાયલમાં ઇડી તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર સુધીર ગુપ્તાએ મહત્ત્વની દલીલો કરતાં અદાલતનું ધ્યાન દોર્યું હતું કે, પૂર્વ સનદી અધિકારી પ્રદીપ નિરંકરનાથ શર્માએ ક્ચ્છ-ભુજ કલેકટર અને જિલ્લા જમીન ભાવ સમિતિના અધ્યક્ષ તરીકે પોતાના હોદ્દા અને સત્તાનો દૂરપયોગ કરીને મુંબઇની વેલસ્પન ઇન્ડિયા લિ. અને તેના જૂથની કંપનીઓને ભુજના વરશમેડી ગામે સરકાર દ્વારા નિર્ધારિત ભાવ કરતાં પણ ઓછા ભાવે સસ્તામાં જમીન ફાળવણી કરી દીધી હતી. શર્મા દ્વારા આચરાયેલી આ ગેરરીતિના કારણે ગુજરાત સરકારને અને સરકારી તિજોરીને રૃ.૧.૨૦ કરોડનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. એટલું જ નહી આ રકમ પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ(ગુનાહિત આવક) તરીકે જનરેટ થઇ હતી. વેલસ્પન કંપનીને ફાયદો કરાવવા બદલ બાદમાં પ્રદીપ શર્માની પત્ની શ્યામલ પી.શર્માના બેંક ઓફ ઇન્ડિયા, રાજકોટ ખાતેના એનઆરઓ બેંક ખાતામાં રૃ.૨૨ લાખ જમા થયા હતા, ઉપરાંત રૃ.૭.૫૦ લાખ ગુડવીલ પેમેન્ટ તરીકે પણ મળ્યા હતા, જે ખરેખર ગેરકાયદેસર લાંચ હતી. ઇડીની તપાસમાં પ્રદીપ શર્મા દ્વારા હવાલા મારફતે તેની પત્નીના ખાતામા આ ભ્રષ્ટાચારની રકમ ટ્રાન્સફર કરી હોવાના મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. ઇડીની દલીલો ગ્રાહ્ય રાખી સ્પેશ્યલ પીએમએલએ કોર્ટે પ્રદીપ શર્માને પાંચ વર્ષની સજા અને રૃ.૫૦ હજારનો દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે.
પ્રદીપ શર્મા તરફથી શું રજૂઆત કરવામાં આવી….?

પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્મા તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ બહુ મહત્ત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, જે શીડયુલ ઓફેન્સમાં સજા થઇ છે, તે પીએમએલએ એકટ આવ્યો તે પહેલાનો ગુનો છે, તેથી તે હકીકત ધ્યાને લેવાય નહી. વળી, સીઆરપીસીની કલમ-૧૯૭ની જે મંજૂરી આપવાની હતી, તે મંજૂરી જયારે ખાનગી ફરિયાદ ઇડીએ દાખલ કરી ત્યારે ન હતી. ટ્રાયલ ચાલ્યો, બધા સાક્ષીઓ તપાસાઇ ગયા તે પછી ઇડીએ ૧૯૭ની મંજૂરી રજૂ કરી હતી. આ સિવાય, પીએમએલએ એકટની કલમ-૪૫ હેઠળ ઇડીએ સક્ષમ સત્તાવાળાઓની મંજૂરી રજૂ કરવી પડે તે પણ રજૂ કરી નથી. જે શીડયુલ ઓફેન્સમાં સજા કરાઇ ત્યારે ઇડી દ્વારા ઇસીઆઇઆર કરવામાં આવેલ તેમાં શીડયુલ ઓફેન્સ ગણવો તેવી કોઇ રજૂઆત કરવામાં આવી ન હતી. તેથી પ્રસ્તુત કેસમાં ઇડીનો કેસ ટકતો નથી અને તેથી પ્રદીપ શર્માને નિર્દોષ ઠરાવવા જોઇએ.
પીએમએલએ કોર્ટના સજાના હુકમ સામે અમે હાઇકોર્ટમાં જઇશું ઃ સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી
સ્પેશ્યલ પીએમએલએ કોર્ટ દ્વારા પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માને પાંચ વર્ષની સજા સંભળાવાયા બાદ તેમના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, અમે આ ચુકાદાથી નારાજ છીએ અને તેથી ન્યાય મેળવવા અમે હાઇકોર્ટમાં જઇશું. આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં આ હુકમને પડકારતી ક્રિમીનલ અપીલ દાખલ કરીશું અને સજાના હુકમને પડકારીશું.
ભ્રષ્ટાચારની રકમને ચેનલાઇઝ કરવા પ્રદીપ શર્માએ પત્નીને વેલસ્પન ગુ્રપની કંપનીમાં ભાગીદાર બનાવી
ભ્રષ્ટાચાર થકી મેળવાયેલી રકમને ચેનલાઇઝ કરવા વેલસ્પન ગુ્રપ ઓફ કંપનીઝના માલિકો સાથે મળી પ્રદીપ શર્માએ અમેરિકામાં રહેતી તેમની પત્ની શ્યામલ શર્માને કંપનીની સહયોગી પેઢી મે.વેલ્યુ પેકેજીંગ પ્રા.લિમાં ૩૦ ટકાની ભાગીદાર બનાવી હતી. શ્યામલ શર્માએ ડિસેમ્બર-૨૦૦૭ સુધી કોઇ મૂડી રોકાણ કર્યું ન હતું. છેક જાન્યુઆરી-૨૦૦૮માં તેમણે માત્ર એક લાખનું રોકાણ કર્યું હતું. તેમછતાં એપ્રિલ-૨૦૦૮થી જૂન-૨૦૦૯ દરમ્યાન શ્યામલ શર્માને નફાના હિસ્સા, ગુડવીલ પેમેન્ટ અને વ્યાજ સહિત કુલ રૃ.૨૮ લાખ, ૧૭ હજાર, ૪૦૭ની રકમ ચૂકવાઇ હતી. ઇડીના સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર સુધીર ગુપ્તાએ પ્રદીપ શર્માની મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરતાં અદાલતનું ધ્યાન દોર્યું કે, ભ્રષ્ટાચાર થકી મેળવાયેલી આ આવકને રૃટ કરવા માટે રચાયેલ આ એક સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ હતું, જેના થકી મની લોન્ડરીંગને અંજામ આપવામાં આવ્યા હતા. તેના પુરાવા પણ કોર્ટના રેકર્ડ પર રજૂ કરાયા હતા.
પ્રદીપ શર્માનો બંગલો, જમીન અને એફડી સહિતની મિલ્કત જપ્ત
આ સમગ્ર પ્રકરણમાં પ્રદીપ શર્માનો બંગલો, દહેગામ પાસેની જમીન અને એફડી સહિતની સંબંધિત મિલ્કતો સરકારે ટાંચમાં લઇ લીધી હતી. જેથી પ્રદીપ શર્મા તરફથી આ જપ્તી ઉઠાવી લેવા અને અગાઉના કેસમાં થયેલી સજા અને હાલના કેસમાં થયેલી સજા એક સાથે ભોગવવાનો હુકમ કરવા પણ કોર્ટ સમક્ષ માંગ કરાઇ હતી. જો કે, ઇડી તરફથી તેનો વિરોધ કરતાં જણાવાયું કે, આ મની લોન્ડરીંગનો સ્પષ્ટ કેસ છે અને આવા ગુનાઓને નાથવા જ ભારત સરકારે મની લોન્ડરીંગ કાયદો ઘડયો છે. તેથી જો શર્માની માંગણી ગ્રાહ્ય રખાય તો, મની લોન્ડરીંગ એકટનો હેતુ મરી જાય, તેથી આ માંગણી કોઇપણ રીતે સ્વીકારી શકાય નહી. સ્પે.પીએમએલએ કોર્ટે ઇડીની આ દલીલ ગ્રાહ્ય રાખી પ્રદીપ શર્માની મિલ્કતો જે સરકારે ટાંચમાં લીધી છે, તેને બહાલી આપી હતી અને હાલના આ કેસમાં ફટકારેલી પાંચ વર્ષની સજા પણ અલગથી ભોગવવા ઠરાવ્યું હતું.
પત્નીના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવાના ભ્રષ્ટાચારના કેસમાં પ્રદીપ શર્માને પાંચ વર્ષની સજા થઇ છે
પ્રદીપ શર્માની પત્ની જે વેલ્યુ પેકેજીંગ કંપનીમાં ભાગીદાર હતી, તેમના ખાતામાં રૃ.૯ લાખ ટ્રાન્સફર થવાના ભ્રષ્ટાચારના કેસમાં પ્રદીપ શર્માને અગાઉ આ જ કોર્ટે દોષિત ઠરાવ્યા હતા અને તા.૨૦-૧-૨૦૨૫ના રોજ તેમને પાંચ વર્ષની સજા ફટકારી હતી. આ સજાની સાથે હાલના મની લોન્ડરીંગના કેસમાં થયેલી સજા આજના હુકમ મુજબ, પ્રદીપ શર્માએ અલગથી ભોગવવાની રહેશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #FormerofficerPradeepSharmaentencedtofiveyearsinmoneylaunderingcase #Moneylaunderingcase #FormerofficerPradeepSharma #Fiveyearssentence #ImportantverdictofSpecialPMLAcourt #Formerofficer-BhujCollectorPradeepSharma #Formerofficer #ahmedaba



