- હાઇકોર્ટે રાજય સરકાર, અમદાવાદ જિલ્લા કલેકટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સત્તાવાળાઓને નોટિસ જારી કરી
- અરજદાર વીડિયો સિનેમાધારકના કિસ્સામાં અમ્યુકોએ ફટકારેલી નોટિસ અનુસંધાનમાં કોઇપણ અંતિમ નિર્ણય લેવા સામે હાઇકોર્ટનો અગત્યનો સ્ટે
અમદાવાદ: 16 ઓક્ટોબર 2025:
વીડિયો સિનેમા(મીનીપ્લેક્સ) એ મલ્ટીપ્લેક્સની વ્યાખ્યા હેઠળ આવે કે નહી અને તેને મલ્ટીપ્લેક્સ થિયેટર માટે લેવી પડતી પરવાનગીઓની જોગવાઇઓ લાગુ પડી શકે કે નહી એ મતલબનો બહુ જ મહત્ત્વનો કાયદાકીય મુદ્દો ઉપસ્થિત કરતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીની સુનાવણીમાં જસ્ટિસ મોના એમ.ભટ્ટે રાજય સરકાર, અમદાવાદ જિલ્લા કલેકટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી છે. વધુમાં, હાઇકોર્ટે અરજદાર વીડિયો સિનેમાધારકને અમ્યુકો દ્વારા ફટકારાયેલી નોટિસ અનુસંધાનમાં કોઇપણ અંતિમ નિર્ણય લેવા સામે સ્ટે ફરમાવતો અગત્યનો હુકમ પણ કર્યો હતો.

હાઇકોર્ટે આગામી મુદતે પ્રતિવાદી સત્તાવાળાઓને જરૃરી જવાબ રજૂ કરવા પણ તાકીદ કરી હતી. અરજદારપક્ષ તરફથી કરાયેલી રિટ અરજી(સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નંબર-૧૩૯૮૨/૨૦૨૫)માં એડવોકેટ શાર્વિલ પી.મજમુદાર દ્વારા એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર વીડિયો સિનેમા ચલાવે છે અને માત્ર વીડિયો પ્રોજેકટીંગ-નિદર્શનનો વ્યવસાય ચલાવી રહ્યા છે., તેમછતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા તેમને ગુજરાત પ્રોવીન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ, ૧૯૪૯(જીપીએમસી એકટ-૧૯૪૯)ની કલમ ૨૫૩, ૨૫૪ સાથે ૨૬૩ હેઠળ તા.૧૮-૯-૨૦૨૫ના રોજ નોટિસ આપી જીપીએમસી એકટ હેઠળ સિનેમા ચલાવવાની પરવાનગીઓ રજૂ કરવા નોટિસ આપી હતી.
અરજદારપક્ષ તરફથી એડવોકેટ શાર્વિલ પી.મજમુદાર દ્વારા હાઇકોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા તેમને આપવામાં આવેલી નોટિસ તદ્દન ગેરકાયદેસર, અયોગ્ય અને રદબાતલ થવાપાત્ર છે કારણ કે, કોર્પોરેશનને આ પ્રકારની નોટિસ આપવાની સત્તા જ નથી અને તે સત્તા બહારની છે. અરજદાર ગુજરાત સિનેમા(રેગ્યુલેશન ઓફ એકઝીબીશન ઓફ વીડિયો) રૃલ્સ, ૧૯૮૪ની જોગવાઇ હેઠળ જરૃરી લાયસન્સ ધરાવે છે. અરજદારપક્ષ તરફથી આ અંગેનો લાયસન્સ કરારનું રજિસ્ટ્રેશન પણ અદાલતના ધ્યાન પર મૂકાયું હતું.

વધુમાં, એડવોકેટ શાર્વિલ પી.મજમુદાર દ્વારા બહુ મહત્ત્વનો મુદ્દો રજૂ કરાયો કે, વીડિયો સિનેમા એટલે કે, મીની પ્લેક્સ અને મલ્ટીપ્લેક્સની વ્યાખ્યા, જોગવાઇઓ અને ધારાધોરણો અલગ છે. વીડિયો સિનેમાને કોઇપણ સંજોગોમાં મલ્ટીપ્લેક્સના દાયરા હેઠળ આવરી શકાય નહી કારણ કે, તે નાના વ્યવસાયીઓ છે અને માત્ર વીડિયો પ્રોજેકટીંગ અને સ્ક્રીનીંગ દર્શાવી રહ્યા છે અને તેથી અમ્યુકો સત્તાવાળાઓ જે પરવાનગી કે દસ્તાવેજોનો અરજદાર પાસે આગ્રહ રાખી રહ્યા છે તે સ્વાભાવિક છે કે, તેમની પાસે ના હોય. અરજદાર ગુજરાત સિનેમા(રેગ્યુલેશન ઓફ એકઝીબીશન ઓફ વીડિયો) રૃલ્સ, ૧૯૮૪ની જોગવાઇ હેઠળ જરૃરી નિયમો મુજબ જ વીડિયો સ્ક્રીનીંગ દર્શાવી રહ્યા છે, ત્યારે અમ્યુકો સત્તાધીશો દ્વારા તેમને સત્તા બહાર જઇ અને બિલકુલ ખોટી રીતે અપાયેલી નોટિસ રદબાતલ થવાપાત્ર ઠરે છે. આ સંજોગોમાં હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓના પગલાંને ગેરકાયદે અને રદબાતલ ઠરાવવો જોઇએ. અરજદારપક્ષની રજૂઆત ગ્રાહ્ય રાખ્યા બાદ જસ્ટિસ મોના એમ.ભટ્ટે રાજય સરકાર, અમદાવાદ કલેકટર, અમ્યુકો સહિતના સત્તાધીશોને નોટિસ જારી કરી જવાબ માંગ્યો હતો અને પ્રસ્તુત કેસમાં કોઇપણ અંતિમ નિર્ણય લેવા પર રોક લગાવી દીધી હતી. કેસની વધુ સુનાવણી આવતા સપ્તાહમાં રાખવામાં આવી છે.
બોક્સ ઃ વીડિયો સિનેમાને સિનેમા-થિયેટર કે મલ્ટીપ્લેક્સને જેમ ના ગણી શકાય
અરજદારપક્ષ તરફથી અરજીમાં એડવોકેટ શાર્વિલ પી.મજમુદાર દ્વારા એ મતલબની દાદ માંગવામાં આવી હતી કે, વીડિયો સિનેમા કોમ્પ્રીહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશન્સ-૨૦૧૭ હેઠળ આવતા નથી તેવું જાહેર કરો અને તેથી વીડિયો સિનેમાને સિનેમા-થિયેટર કે મલ્ટીપ્લેક્સની જેમ ગણી શકાય નહી. કોર્પોરેશન દ્વારા અરજદાર વીડિયો સિનેમાને આપવામાં નોટિસ ગેરકાયદે અને રદબાતલ જાહેર કરો અને આ અરજીની આખરી સુનાવણી ના થાય ત્યાં સુધી આ નોટિસ પરત્વે કોઇપણ કાર્યવાહી કરવા સામે સ્ટે ફરમાવો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #VideoCinemaMultiplex #GujaratHighCourt #HighCourtStateGovernment #AhmedabadDistrictCollector #AhmedabadMunicipalCorporation #Video #Cinema #Miniplex #Multiplex #MultiplexTheater #ahmedaba
