અમદાવાદ: 31 ઓગસ્ટ 2025:
અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં ચાલતી સ્મૃતિ સેવા ટ્રસ્ટ લાઇબ્રેરીના વાચકસભ્યો દ્વારા ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધન સ્મૃતિ મંદિર (હોલ) ખાતે 25 મી વાચકસભાનું ભવ્ય આયોજન થયું હતું.

મુખ્ય વક્તા તરીકે પ્રસિદ્ધ હાસ્યલેખિકા ડૉ. નલિનીબેન ગણાત્રાએ, “મારું હાસ્યસાહિત્ય” એ વિષય પર વ્યંગ અને હાસ્યથી ભરપૂર અને રસપ્રદ વિવરણ રજૂ કર્યું હતું. તેઓએ પોતાના સાત પુસ્તકો પર ખૂબ સુંદર રીતે પ્રકાશ પાડ્યો હતો.
વરિષ્ઠ સાહિત્યકાર અને હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરે અતિથિ વિશેષ પદે થી સંસ્થાના કાર્યક્રમોમાં દેખાઇ આવતી મૌલિકતા અને વૈવિધ્યને બિરદાવી સંસ્થાની સાહિત્યિક પ્રવૃત્તિઓને એક ખૂણે સુગંધ પ્રસરાવતી અગરબત્તીની ઉપમા આપી હતી. પોતાના હાસ્ય અને હાસ્યલેખકો પરના માહિતીસભર પ્રવચનમાં તેઓએ કહ્યું હતું કે નવી સદીમાં ગુજરાતી હાસ્યસાહિત્યમાં લેખકો કરતાં લેખિકાઓ વધારે છવાઈ ગયેલ છે, જે આનંદની વાત છે.

સભામાં ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત લેખકો અને મહાનુભાવો જેવા કે શ્રી યશવંતભાઈ મહેતા, શ્રી નટવરભાઈ પટેલ, ડૉ. માણેક પટેલ (‘સેતુ’), માલિનીબેન શાસ્ત્રી, ડૉ. અશોકભાઈ પટેલ… વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. વાચકસભ્યોના બાળકો દ્વારા આ મહાનુભાવોનું કંકુ-ચોખા તેમ જ પુસ્તકની ભેટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્મૃતિ સેવા ટ્રસ્ટ તરફથી ડૉ. વિનીત પરીખે લાઇબ્રેરીની વિવિધ પ્રવૃત્તિઓ, જેવી કે 25 વાચક સભાઓ, 6 સાહિત્યિક પ્રવાસો, વિશ્વ પુસ્તક દિનની ઉજવણીઓ, પુસ્તક-મેળાઓની તેમ જ પુસ્તક વિક્રેતાઓની મુલાકાતો, કોરોના સમયગાળા દરમિયાન યોજાયેલ ઓનલાઇન સાહિત્યિક ક્વિઝ તેમ જ ઝૂમ મીટીંગો, સંસ્થા સંલગ્ન મુખપૃષ્ઠ “ગ્રંથ સંવાદ”, સાહિત્યિક રમતો જેવી કે સાહિત્યિક હાઉસી, સાહિત્યિક શેરબજાર… વગેરેની એક ઝલક “સફરના સંભારણા” તરીકે પ્રોજેક્ટર દ્વારા સ્ક્રીન પર પ્રસ્તુત કરી હતી.
લાઇબ્રેરીની કોર કમિટીના લેખકો તેમ જ પ્રતિભાવાન અને સાહિત્યરસિક સભ્યો જેવા કે, શ્રી સુનિલભાઈ ખનેજા, શ્રી સંતોષભાઈ કરોડે, સુશ્રી આરતીબેન કરોડે, શ્રી વિનયભાઈ ત્રિવેદી, શ્રી કિશોરભાઈ ઠાકર તથા ડૉ. જ્યોતિબેન રાવલ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
લાઇબ્રેરીના વાચકસભ્યો – અલ્પાબેન શુક્લ તથા જતીનભાઈ સુથાર – દ્વારા લાઇબ્રેરીની તેઓના જીવન પર પડેલી હકારાત્મક અસરોની વાતો રજૂ થઇ હતી.
કાર્યક્રમની શરૂઆતમાં અમિતાબેન શાહ દ્વારા સરસ્વતી વંદના તરીકે પુસ્તક, પુસ્તકાલય અને લેખકોની વંદના કરવામાં આવી હતી. વધુમાં કવિ નર્મદ ને તેમના જન્મદિવસ નિમિત્તે જગત ત્રિવેદી દ્વારા સ્વરાંજલિ આપવામાં આવી હતી. તેમ જ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે ગુજરાતી ભાષા અંગેની સુંદર કાવ્યપંક્તિઓની રજૂઆત ડૉ. મેહા શાહ દ્વારા કરવામાં આવી હતી.
પાંચ-છ વર્ષના બાળકથી માંડીને નેવું વર્ષના વડીલો આવા સાહિત્યિક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી સુશ્રી અંજનાબેન પરીખે આજના જમાનામાં હોલને ખીચોખીચ ભરી દેનારા તમામ શ્રોતાજનોનો આભાર માન્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #SmritiSevaTrustLibrary #Reader’sAssembly #GujaratiLiteraryCouncil #GovardhanSmritiMandir #HumoristDr.NalinibenGanatra #MyHumor #BookDialogue #LiteraryGames #LiteraryHouse #LiteraryStockMarket #TravelMemories #SaraswatiVandanaBook #Library #gandhinagar #ahmedabad
