- અમદાવાદમાં રિ-ડેવલોપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ
- આર્ટ નિર્માણ ડેવલોપર દ્વારા સરકારને પહેરવાયા ઉંધા ચશ્મા
- વગર પરવાનગીએ ચાર પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા
- ચાર પરિવારોને હાલ પોતાના પૈસાથી ભાડાના મકાનમાં રહેવા મજબૂરી
- પીડિતો દ્વારા ગાંધીનગર સુધી રજૂઆતો છતાં આવ્યું પરિણામ શૂન્ય
- આર્ટ નિર્માણ ડેવલોપરના સંચાલકો સામે ફોજદારી પગલાં ભરવા માંગ
- ભીમજીપુરમાં ખોટા કાગળોના આધારે ઊભી કરી દેવાઈ ૭ માળની ઇમારત
- રેરાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છતાં કોઈ કાર્યવાહી ન કરતાં આક્રોશ
- પોતાના મકાન બિલ્ડર પાસેથી લેવા માટે ચાર પરિવારોને સરકારી કચેરીના ધક્કા
- આર્ટ નિર્માણ ડેવલોપરે ચાર પરિવારોના મકાનો અને જમીન પચાવી પાડી
અમદાવાદ : 01 જુલાઈ 2025:
મેટ્રો શહેર અમદાવાદમાંથી રિ-ડેવલોપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદમાં રિ-ડેવલોપમેન્ટના નામે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને બિલ્ડરે ૭ માળની બિલ્ડિંગ ઊભી કરી દીધી છે. આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, અમદાવાદ મ્યુનસીપલ કોર્પોરેશનના અમુક અધિકારીઓની મિલીભગતથી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરાયા છે. આ બાબતે પીડિતો દ્વારા ઉચકક્ષાએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સમગ્ર મામલાનો કેસ કોર્ટમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે મકાનો તોડી પડતાં પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. આર્ટ નિર્માણ ડેવલોપરના બિલ્ડરના ગુંડા ચાર પરિવારોને ધમકીઓ આપતા હોવાના પણ આક્ષેપો કરાયા છે. આ કેસમાં રેરાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છતાં કોઈ કાર્યવાહી ન કરાઇ હોવાનું સામે આવ્યું છે. પીડિત પરિવારોએ બિલ્ડર સામેના પુરાવા આપ્યા હોવા છતાં રેરા ઓફિસ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. આર્ટ નિર્માણ ડેવલોપરે ચાર પરિવારોના મકાનો અને જમીન પચાવી પાડી હોવાના આક્ષેપો કરાયા છે.

હાલ અમદાવાદ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, તેના વચ્ચે સરકારે રિ-ડેવલોપમેન્ટની યોજનાને મંજૂરી આપતા અમદાવાદની ચારેય દિશામાં આજે નવી ઇમારતો ઊભી થઈ રહી છે. ૪૦ વર્ષથી જૂની અથવા જર્જરિત ઇમારતોને તોડી પાડીને નવી બિલ્ડિંગ ઊભી કરવા માટે ગુજરાત સરકારે નિયમો હળવા બનાવ્યા છે. જેના લીધે લોકોને જૂના મકાનની સામે નવું મકાન મળી શકે, તેમજ જયાં સુધી નવું મકાન બનતું હોય ત્યાં સુધી ભાડું પણ ન ભરવું પડે. સામે રિ-ડેવલોપમેન્ટના લીધે બિલ્ડરને પણ મોટો ફાયદો થતો હોય છે. પણ અમદાવાદમાં આર્ટ નિર્માણ ડેવલોપરના બિલ્ડરે રિ-ડેવલોપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ વાત છે અમદાવાદના ભીમજીપુરા વિસ્તારમાં આવેલી ૪૦ વર્ષ જૂની આશિયાના એપાર્ટમેન્ટની. જેમાં ૬૬ ફ્લેટમાંથી ૬૦ ફ્લેટ બિલ્ડરે પોતાના નામે ખરીદી લીધા હતા. અને બાકી રહેલા ૪ ફલેટના માલિકોને ધમકીઑ આપીને તેમજ ગુંડાઑ મોકલીને ખાલી કરાવી દીધા હતા. આ કેસ કોર્ટ અને પોલીસમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે આ ૪ પરિવારોના મકાનો તોડી પડ્યા હતા. જેથી ચાર પરિવારો હાલ પોતાના પૈસાથી ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. છેલ્લા ૪ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા પરિવારોને બિલ્ડર તરફથી એકપણ ભાડું કે કોઈ વળતર ચૂકવાયું નથી.
છેલ્લા ૬ વર્ષથી પોતાના મકાનને બિલ્ડર પાસેથી મેળવવા માટે ૪ પરિવારો આજે માનસિક અને આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છે. AMC, રેરા, સોસાયટી રજીસ્ટ્રાર, પોલીસ તેમજ મંત્રી સુધી રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. સામે બિલ્ડર તરફથી જૂના મકાન સામે નવું મકાન આપવાની પણ કોઈ વાત થઈ રહી નથી. બિલ્ડરે રેરામાં મૂકેલા પ્લાનમાં પીડિતોના મકાનનો કોઈ ઉલ્લેખ ન હોવાનું અરજદારો જણાવી રહ્યા છે. આર્ટ નિર્માણ ડેવલોપર અને તેના બિલ્ડર અશોક રઘુરામ ઠક્કરે ખોટા ડોક્યુમેન્ટના આધારે રિ-ડેવલોપમેન્ટના નામથી AMCમાંથી રહેણાંક મકાનનો પ્લાન બનાવ્યો, ત્યાર પછી બારોબાર ૮૯ દુકાનોનો રિવાઇઝ પ્લાન મંજૂર કરાવી લીધો હોવાનું પીડિત પરિવારો જણાવી રહ્યા છે. આર્ટ નિર્માણ ડેવલોપર એક પછી એક ખોટા ડોક્યુમેન્ટ મૂક્યા હોવા છતાં અને પીડિતોએ કયા કયા ખોટું થઈ રહ્યું છે તેના પુરાવા આપ્યા હોવા છતાં બિલ્ડર સામે પગલાં ભરાયા નથી.
ભીમજીપુરામાં આવેલા આશિયાના એપાર્ટમેન્ટના ૪ સભ્યોને વિશ્વાસમાં દીધા વગર જ બિલ્ડરે આખી સોસાયટીની જમીન પોતાના નામે પચાવી પાડી છે. બિલ્ડરે રેરા ઓફિસમાં આવો પ્લાન અને AMC ઓફિસમાં રિ-ડેવલોપમેન્ટનો પ્લાન મૂકીને હાલ ૭ માળની બિલ્ડિંગ બાંધી દીધી છે. હાલ ચાર પરિવારોએ બિલ્ડર સામે મોરચો માંડ્યો છે અને કાયદાકીય લડાઈનો સહારો લીધો છે. આ પરિવારજનોનું કહેવું છે કે, બિલ્ડર અને તેના માણસોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યા બાદ એ હદે પરેશાન કર્યા કે તેમને કાયદાકીય લડતનો સહારો લેવો પડ્યો છે. આશિયાના સોસાયટીના ચાર જેટલા પરિવારોએ આક્ષેપ કર્યો છે કે, તેમને માનસિક રીતે હેરાન-પરેશાન કરીને તેમના ફ્લેટ તોડવામાં આવ્યા છે. પહેલા તેમના ઘરની પાણીની ટાંકી તોડી દેવામાં આવી, ત્યારપછી સોસાયટીના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા, જેથી અમારી પાસે મકાન ખાલી કરવા સિવાય કોઈ રસ્તો હતો નહીં.
સમગ્ર મામલામાં તપાસ કરતાં જાણવા મળેલ છે કે, ભીમજીપુરાના પ્રાઇમ લોકેશન ઉપર આવેલા આશિયાના એપાર્ટમેન્ટની જમીનની કિમત કરોડોમાં આંકવામાં આવે છે. પ્રાઇમ લોકેશન હોવાના લીધે અહી રહેણાંક કરતાં કોમર્શિયલના ભાવ વધુ છે. અગાઉ અહી આશિયાના એપાર્ટમેન્ટ હતો જેમાં રહેણાંક ફ્લેટ હતા, હાલ અહી વિષનુંધારા આશિયાના નામથી નવી બિલ્ડિંગ ઊભી છે જે કોમર્શિયલ છે. આશીયાના સોસાયટીના સભ્ય ભાવેશભાઈ એમ શાહ અને અન્ય ત્રણ પરિવારોએ આર્ટ નિર્માણ લિમિટેડના બિલ્ડર પર આરોપ લગાવ્યો છે કે, તેમને છેલ્લા ચાર ભાડું ચૂકવાયું નથી. તેઓ જ્યારે સોસાયટીમાં રહેતા હતા ત્યારે તેમની સોસાયટીમાં ખોટી રીતે ઢોરો છોડી દેવાતા હતા અને કોર્ટ કેસ ચાલતો હોવા છતાં તેમનું ઘર તોડી પાડવામાં આવ્યું છે. ત્યાં જ તેમને ભાડાના ઘરમાં રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલી અને લગભગ 40 વર્ષ જૂની આશીયાના સોસાયટી જર્જરીત હાલાતમાં હતી અને તેનું ફરીથી સમારકામ થઈ શકે તેવી સ્થિતિ ન હતી. ત્યારે તેનું રિડેવલપમેન્ટ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ‘આર્ટ નિર્માણ લિમિટેડ’ નામના બિલ્ડર દ્વારા સોસાયટીમાં વેચાણ માટે કરાર કરવામાં આવ્યો હતો. પછી રેરામાં આપેલી માહિતી મુજબ ‘શ્રી વિષ્ણુધારા આશિયાના’ નામની સ્કિમ બનાવવાનું નક્કી થયું હતું. પરંતુ આ સોસાયટીના કેટલાક સભ્યોએ ઘરના બદલામાં ઘરની માગણી કરી હતી અને મકાન ખાલી કરવાથી ઇન્કાર કર્યો હતો.
ત્યારબાદ બિલ્ડર દ્વારા તેમને ઘર ખાલી કરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. જો કે, સોસાયટીના સભ્ય ભાવેશભાઈ શાહ અને અન્ય ત્રણ પરિવારોએ ઘર ખાલી ન કરતા તેઓને માનસિક રીતે હેરાન કરાયાનો આરોપ લગાવ્યો છે. પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે, આ મામલે તેમને આજ દિન સુધી બિલ્ડર દ્વારા ભાડા પેટે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. તેઓ લગભગ ચાર વર્ષથી ભાડાના મકાનમાં રહી રહ્યા છે. આ અંગે પીડિત પરિવારોનું કહેવું છે કે, અમદાવાદ પોલીસ કમિશનર તથા ડીસીપીને લેખિતમાં જાણ કરી છે કે, બિલ્ડર દ્વારા અમારી સોસાયટીની જમીન પર ખોટી રીતે પ્લાન પાસ કરાવ્યા છે અને બિલ્ડિંગ બાંધી દીધું છે. અમે આ મામલે પરસ્પર સહમતીથી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં બિલ્ડરને રસ નથી જેથી સમાધાન ન થતા અમે કાયદાનો સહારો લીધો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #wadjarea #bhimjipura #ArtNirmanLimited #artનirmanlimited #builder #fraud #ashiyanasociety #ashiyanaapartment #re-development #ahmedabadmunicipalcorporation #amc #falsedocument #police #ahmedabad
