અશ્વિન લીંબાચિયા, અમદાવાદ:
01 ફેબ્રુઆરી 2025:
કલાકાર ધ્યાન સોમપુરાએ આસાઇ દ્વારા ક્યુરેટેડ એક વિચારપ્રેરક સોલો એક્ઝિબિશન ફ્રેગમેન્ટ્સ ઓફ ઈન્ફિનિટી રજૂ કર્યું છે જે પ્રકૃતિ અને માનવીય સંવેદનાઓ વચ્ચેના અંતરસંબંધને ઉજાગર કરે છે. 1 ફેબ્રુઆરીએ ઉર્મિલા કૈલાશ બ્લેક બોક્સ ખાતે આર્ચર આર્ટ ગેલેરીના ડિરેક્ટર શ્રી મનન રેલિયા દ્વારા ઉદ્ઘાટન કરાયેલું આ એક્ઝિબિશન શ્રેણીબદ્ધ મિક્સ્ડ-મીડિયા વર્ક્સ રજૂ કરે છે જે રચના, પરિવર્તન અને નવીનીકરણની અનંત લયને સમાવે છે. માટી, કોલસો, તેલ અને વોટર કલર જેવા ઓર્ગેનિક મટિરિયલ્સના મિશ્રણ દ્વારા ધ્યાન એવા ગહન અનુભવને જીવંત બનાવે છે જે દર્શકોને પ્રાકૃતિક વિશ્વ સાથે તેમના સંબંધો પર વિચાર કરવા માટે આમંત્રિત કરે છે.
“ફ્રેગમેન્ટ્સ ઓફ ઈન્ફિનિટી કુદરતની નૈસર્ગિક પ્રક્રિયા તથા સતત બદલાતી રહેતી માનવીય લાગણીઓના ક્ષેત્ર જેવા જોડાણ અને વિયોગના મુક્ત ચક્રોની ખોજ કરે છે. દરેક પીસ ક્ષણભર ઊભા રહેવા, ઊંડે સુધી અનુભૂતિ કરવા તથા પૃથ્વી પ્રત્યે આપણી સહિયારી જવાબદારીને યાદ કરવાનું એક આમંત્રણ છે” એમ ધ્યાન સોમપુરાએ જણાવ્યું હતું.
કુદરતી મટિરિયલ્સનો વૈકલ્પિક રીતે ઉપયોગ કરીને ધ્યાન તેમની રચનાત્મક પ્રકૃતિમાં ટકાઉપણાને પ્રાથમિકતા આપે છે અને કૃત્રિમ માધ્યમોથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે. તેમની રચના એ ફિલોસોફીમાં ઊંડે સુધી રહેલી છે કે કલા ન કેવળ લાગણીઓને જગાવે તેવી હોવી જોઈએ પરંતુ યોગ્ય દિશામાં કામ કરવા માટે પ્રેરિત પણ કરવી જોઈએ. “હું મારા કામથી આ પ્લાસ્ટિક જેવી દુનિયા કરતાં પ્રકૃતિને પસંદ કરવા માટે લોકોને પ્રેરિત કરવા અને પ્રભાવિત કરવા માંગું છું. છેવટે, આ દુનિયાએ જ અત્યાર સુધી આપણને જીવંત રાખ્યા છે અને આપણે તેની રક્ષા કરવા માટે પગલાં લેવા જ જોઈએ”, એમ તેમણે ઉમેર્યું હતું.
આ એક્ઝિબિશનમાં ખાસ પસંદ કરાયેલા પીસ રજૂ કરવામાં આવ્યા છે જે કાવ્યાત્મક રીતે વાર્તા કહેવાની કળાને સ્પર્શ દ્વારા અનુભવી શકાય તેવી રચનાઓ સાથે ભેળવે છે જેને ધ્યાને પોતાની રચનાઓમાં જોવા મળતી પ્રાકૃતિક વસ્તુઓ જેમ કે ડાળીઓ, માટી, પીંછા અને અન્યનો ઉપયોગ કરીને પોતાના અનન્ય અભિગમ સાથે વધારી છે. દરેક આર્ટવર્ક તમામ જીવંત વસ્તુઓના આંતરસંબંધો પરનું મેડિટેશન છે, એક એવી થીમ જે તેમની દ્રશ્ય તથા લેખિત અભિવ્યક્તિઓમાં વ્યક્ત થાય છે.
આ પ્રસંગે ઉનોલોના એકેડમી ખાતેના ધ્યાનના મેન્ટર શાલુ જુનેજાએ જણાવ્યું હતું કે “ધ્યાનની રચનાઓ એ કલાત્મક અભિવ્યક્તિની અનંત પ્રકૃતિ દર્શાવવાનો પ્રયાસ છે. દરેક પીસ સાથે તે મૂર્ત અને અમૂર્ત વચ્ચેનું અંતર દૂર કરે છે, પ્રકૃતિમાંથી ચિત્ર બનાવે છે જે એવી કળાની રચના કરે છે જે વિચારોને જગાવનારી અને ગહન હોય છે. ઉનોલોના એકેડમી ખાતે ટૂંકા સમયમાં તેમણે અમારી પાસેથી ઘણુંબધું શીખ્યું છે અને મને વિશ્વાસ છે કે તેઓ લાંબા સમય સુધી તેને આગળ વધારશે.”
એક્ઝિબિશન ક્યુરેટ કરનાર આસાઈના હરસિમરન જુનેજાએ જણાવ્યું હતું કે “ફ્રેગમેન્ટ્સ ઓફ ઈન્ફિનિટી એ ગતિ, સ્મૃતિ અને લાગણીની ખોજ છે. તે પ્રકૃતિની લય અને ધ્યાનના મટિરિયલ્સ તથા સ્વરૂપની આંતરપ્રક્રિયા દ્વારા ક્ષણભંગુર છતાં શાશ્વત એવી માનવીય જોડાણની ક્ષણો જોવા માટેનું આમંત્રણ છે. તેમના માટે આ એક લાંબો સમય સુધી આગળ વધનારી સફરનો પ્રારંભ છે.”
ફ્રેગમેન્ટ્સ ઓફ ઈન્ફિનિટી ઉર્મિલા કૈલાશ બ્લેક બોક્સ ખાતે 6 ફેબ્રુઆરી સુધી પ્રદર્શિત કરાશે જેમાં કલા અને ડિઝાઇન સમુદાયના વિશેષ અતિથિઓ ઉપસ્થિત રહેશે. આ પ્રદર્શન 1થી 6 ફેબ્રુઆરી, 2025 દરમિયાન બપોરના 4 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.