અત્યાર સુધીમાં ૩ બિઝનેસ સમિટ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા યોજાયા છે અને આ સમિટ દ્વારા ૧૦ હજારથી વધારે બ્રાહ્મણ યુવક/યુવતીઓ જે રોજગાર વંચિત હતા તેમને રોજગાર પ્રાપ્ત થયો છે:- શ્રી ભરતભાઇ રાવલ
‘સ્વ’ નો નહીં પરંતુ ‘સૌ’ નો વિચાર કરે એ જ બ્રાહ્મણ:- શ્રી ડૉ.યજ્ઞેશ દવે
આ સમિટમાં તમામ જીલ્લાના બ્રહ્મ સમાજના જ્ઞાતિ મંડળો અને સંસ્થાઓ પણ જોડાશે:- શ્રી ડૉ.યજ્ઞેશ દવે
બ્રાહ્મણોને એકબીજા સાથે જોડવાની પહેલ બ્રહ્મસમાજ દ્વારા ૨૦૧૮માં શરૂ થઈ અને અત્યારે ૪ થી સમિટ દ્વારા આ પહેલને આગળ ધપાવવાનું કાર્ય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે:- શ્રી ડૉ.યજ્ઞેશ દવે
ભગવાન પરશુરામજીની વિશ્વની સૌથી મોટી ૧૦૧ ફૂટની મુર્તિનું અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે નિર્માણ કરવામાં આવશે અને તે એક વર્ષના ટૂંક સમયમાં પૂર્ણ પણ કરવામાં આવશે:- શ્રી ડૉ.યજ્ઞેશ દવે
નીતા લીંબાચિયા, અમદાવાદ:
25 જાન્યુઆરી 2025:
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા “મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-૪” યોજાવા જઈ રહ્યો છે તે અંતર્ગત આજરોજ અમદાવાદ સાયન્સ સિટી ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના મુખ્ય કન્વીનરશ્રી ડૉ.યજ્ઞેશભાઈ દવે તેમજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના અધ્યક્ષશ્રી ભરતભાઈ રાવલે પત્રકાર પરિષદને સંબોધી હતી.
શ્રી ભરતભાઇ રાવલે સંબોધન કરતાં જણાવ્યુ કે, શ્રી સમસ્ત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાની સ્થાપના ૧૯૮૭માં થઈ અને ઓલ ઇન્ડિયા લેવલે રજીસ્ટ્રેશન વર્ષ ૨૦૧૭ માં કરવામાં આવ્યું. શ્રી સમસ્ત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના સંલગ્ન અનેક સંસ્થાઓ જિલ્લા/ તાલુકા કક્ષાએ તેમજ વિવિધ જ્ઞાતિ મંડળના ગોળ દ્વારા અગાઉ સમૂહલગ્ન અને સમૂહ યજ્ઞોપવિત જેવા કાર્યક્રમોનું આયોજન થતું હતું અને સમાજના દરેક લોકોને તેનો લાભ મળતો હતો. પરંતુ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાનું ઓલ ઈન્ડિયા લેવલે જ્યારે રજીસ્ટ્રેશન થયું ત્યારબાદ ટિમ દ્વારા એ વખતના મુખ્ય સંગઠક કમલેશભાઈ તેમજ સાથી કાર્યકર્તાઓ દ્વારા સમાજના ઉત્થાન માટે એક નવો મોડ આપવાનું કામ કર્યું હતું તે આજે પણ અવિસ્મરણીય છે. તમામ ઉધ્યોગકારો અને વ્યવસાયિકોને સમાજના માધ્યમથી કઈક લાભ મળે અને સમાજના વિકાસની સાથે સાથે રાષ્ટ્રનો વિકાસ અને સમાજના ઉત્થાન સાથે રાષ્ટ્રનું ઉત્થાન થાય તેવા અભિગમ સાથે સમાજના સેવાકીય કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા.
શ્રી રાવલે વધુમાં જણાવ્યુ કે, સૌ પ્રથમ ૨૦૧૮માં મહાત્મા મંદિર ખાતે પ્રથમ બિઝનેસ સમિટ યોજાયો. ૨૦૨૧માં બીજી બિઝનેસ સમિટ અડાલજ ત્રિમંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખૂબ મોટી સંખ્યામાં ઉધ્યોગકારો અને વ્યવસાયિકો અને સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમની ગુજરાત સરકારે પણ નોધ લીધી હતી. કોરોના કાળની અંદર બિઝનેસ સમિટનું આયોજન કરવું શક્ય નહોતું માટે બ્રહ્મસમાજ દ્વારા ઝોન પ્રમાણે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું જે પૈકી ઉત્તર ઝોનમાં મહેસાણા ખાતે, મધ્ય ઝોનમાં ગોધરા ખાતે તેમજ દક્ષિણ ઝોનમાં સુરત ખાતે બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ૩ બિઝનેસ સમિટ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા યોજાયા છે અને આ સમિટ દ્વારા ૧૦ હજારથી વધારે બ્રાહ્મણ યુવક/યુવતીઓ જે રોજગાર વંચિત હતા તેમને રોજગાર પ્રાપ્ત થયો છે જેની નોંધ ગુજરાત સરકાર દ્વારા પણ લેવાઈ છે. ત્યારબાદ આગામી તા.૧૫,૧૬,૧૭ માર્ચ ૨૦૨૫ ના રોજ ૪થી બિઝનેસ સમિટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે સાયન્સસિટી ખાતે યોજાશે.
શ્રી યજ્ઞેશ દવેએ પ્રેસ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યુ કે, ૪થી બિઝનેસ સમિટ અમદાવાદનાં સાયન્સસિટી ખાતે સાયન્સસિટી વિજ્ઞાનભવનના વિશાળ ડોમની અંદર આગામી ૧૫,૧૬,૧૭ માર્ચ ૨૦૨૫ ના રોજ યોજાવા જઈ રહી છે. જેમાં, ૩૦૦ જેટલા બ્રાહ્મણ ઉધ્યોગકારોના સ્ટોલ હશે. બ્રહ્મસમાજ હંમેશના માટે મદદરૂપ રહ્યો છે અને સમાજ દ્વારા સમાજના જ વ્યક્તિઓને મદદરૂપ થઈ શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. 'સ્વ' નો નહીં પરંતુ 'સૌ' નો વિચાર કરે એ જ બ્રાહ્મણ. આ વિચારના આધારે બ્રહ્મસમાજ સૌને મદદરૂપ થયો છે પરંતુ સમાજના પોતાના લોકો જ્યારે વેપાર, ઉધ્યોગ અને ધંધામાં હોય ત્યારે તેમને મદદરૂપ થવાનું કાર્ય સમાજના સફળ ઉધ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે તે હેતુસર અગાઉની ૩ બિઝનેસ સમિટ સફળ રહી અને આ ચોથી બિઝનેસ સમિટનું આયોજન પણ સમાજના ટ્રસ્ટીઓ તેમજ સમાજની ટિમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમિટમાં તમામ જીલ્લાના સમાજના જ્ઞાતિ મંડળો અને સંસ્થાઓ પણ જોડાશે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની બિન અનામત વર્ગ માટેની યોજનાઓ જન જન સુધી પહોંચે અને તેનો લાભ મળે તેના માટે પણ ખાસ સેમિનાર કરવામાં આવશે. જે લોકો રોજગારી માટે સ્ટાર્ટઅપ કરી રહ્યા છે તેવા લોકોને સમાજના સફળ ઉધ્યોગપતિઓ દ્વારા કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેમના ધંધા રોજગારમાં કઈ રીતે મદદરૂપ થઈ શકાય સાથે સાથે તેમના સફળતાના રહસ્યો અને એક બિઝનેસમેન કઈ રીતે સફળ થઈ શકે તેના પણ સેમિનાર કરવામાં આવશે.
રોજગાર મેળાની માહિતી આપતા શ્રી દવે એ વધુમાં જણાવ્યુ કે, આ મેળામાં ૩૦૦ જેટલા ઉધ્યોગકારોના પોતાના સ્ટોલ હશે સાથે સાથે બ્રાહ્મણ સિવાયના ઉધ્યોગકારોને પણ સ્થાન આપવામાં આવશે જેનો ઉદ્દેશ્ય બ્રહ્મસમાજના યુવાનોને રોજગારી આપવાનો હશે. આ સમિટમાં રોજગારી માટે માત્ર બ્રાહ્મણ યુવક અને યુવતીઓ ભાગ લઈ શકશે કારણ કે, આ બિઝનેસ સમિટનો ઉદ્દેશ્ય સમાજના યુવાનોને નોકરી અને રોજગાર મળી શકે તે માટેનો છે. જે પ્રમાણે અગાઉની ૩ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન સંતશ્રીઓ અને મહંતશ્રીઓ દ્વારા થયું હતું તે જ પ્રમાણે આ સમિટમાં પણ ગુજરાતના બ્રહ્મ સંતો અને મહંતશ્રીઓ દ્વારા કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આમંત્રણ આપવામાં આવશે. અગાઉની બિઝનેસ સમિટમાં તમામ સાશકપક્ષના નેતાગણ અને વિરોધપક્ષના નેતાગણ સૌને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેઓ હાજર પણ રહ્યા હતા. આ સમિટમાં પણ તમામ પક્ષના નેતાગણને આમંત્રિત કરવામાં આવશે અને સરકારી અધિકારીશ્રીઓને સન્માનીત પણ કરવામાં આવશે. જે પણ સમાજના લોકોએ દેશ વિદેશમાં બ્રહ્મસમાજનું નામ રોશન કર્યું છે તેવા લોકોનું પણ સન્માન કરવામાં આવશે. બ્રાહ્મણોને એકબીજા સાથે જોડવાની પહેલ બ્રહ્મસમાજ દ્વારા ૨૦૧૮માં શરૂ થઈ અને અત્યારે ૪ થી સમિટ દ્વારા આ પહેલને આગળ ધપાવવાનું કાર્ય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સમાજના વધુમાં વધુ લોકો આ સમિટનો લાભ લે તેવો આગ્રહ બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સમિટમાં મુલાકાતીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવશે. બ્રાહ્મણ ઉધ્યોગકારોના સ્ટોલ પણ નોમિનલ કિંમતે આપવામાં આવશે. B2B અને B2C મિટિંગ પણ બ્રહ્મસમાજના ઉધ્યોગકારોની કરવામાં આવશે જેમાં પણ સમાજ મદદરૂપ થશે.
શ્રી દવેએ વધુમાં જણાવ્યુ કે, જ્યારે કોઈ સમાજ દ્વારા આયોજન કરવામાં આવતું હોય ત્યારે એ સમાજના યુવકો અને યુવતીઓને અનુલક્ષીને તેમજ સમાજના છેવાડાના લોકો છે જેમની પાસે રોજગારી નથી અથવા જે રોજગારી કરી રહ્યા છે તેનાથી તેમના પરિવારનું ભરણપોષણ નથી કરી શકતા તેવા બ્રાહ્મણોને મદદરૂપ થવા માટે આ આયોજન કરવામાં આવેલ છે. આ સમાજનું આયોજન માત્ર સમાજના લોકો માટે છે. બ્રહ્મસમાજ દ્વારા ભૂતકાળમાં આર્થિક અને શૈક્ષણિક બોર્ડની માંગણી કરવામાં આવી હતી તેને અનુલક્ષીને તે તમામ માંગણીઓને પૂર્ણ કરી અને સરકારે બિનઅનામત નિગમની રચના કરી. જે માંગણી હતી કે સમાજના વિધ્યાર્થીઓને શિષ્યવૃતિ મળે, વિદેશ અભ્યાસ માટે લોન મળે તેમજ રોજગારી માટે ઓછા વ્યાજ દરે લોન મળે તે માટેની વ્યવસ્થા પણ આયોગ થકી સરકાર દ્વારા કરવામાં આવી છે. ભગવાન પરશુરામજીની વિશ્વની સૌથી મોટી ૧૦૧ ફૂટની મુર્તિનું અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે નિર્માણ કરવામાં આવશે અને તે એક વર્ષના ટૂંક સમયમાં પૂર્ણ પણ કરવામાં આવશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં મહામંત્રીશ્રીઓ ડૉ. અશ્વિનભાઈ ત્રિવેદી, શ્રી ગીરીશભાઈ ત્રિવેદી, મુખ્ય સંગઠક શ્રી અતુલભાઇ દીક્ષિત, પ્રવકતાશ્રી દિનેશભાઈ રાવલ, યુવા વિભાગ કન્વીનરશ્રી પાર્થ રાવલ, યુવા વિભાગ પ્રભારી શ્રી ભરતભાઈ વ્યાસ, લીગલ વિભાગ કન્વીનરશ્રી આશિષભાઈ મહેતા, આઈટી વિભાગ કન્વીનરશ્રી અતુલભાઇ જોશી, શ્રી મુકેશભાઈ રાવલ, શ્રી પરીનભાઈ વ્યાસ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #shrisamastgujaratbrahmosamaj #megabrahminbusinesssummit-4 #sciencecity #ahmedabad