નીતા લીંબાચિયા, અમદાવાદ:
25 ડિસેમ્બર 2024:
GCCI એ ભારતમાં જાપાનના માનદ કોન્સલ શ્રી મુકેશ પટેલના સમર્થન થકી શિઝુઓકા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને હમામાત્સુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વિવિધ પ્રતિનિધિઓને ચેમ્બર ખાતે આવકારી તેઓ સાથે વાર્તાલાપનું આયોજન કર્યું હતું.
આ બેઠક પ્રસંગે ઉપસ્થિત મુખ્ય પ્રતિનિધિઓમાં શ્રી કિશિદા હિરોયુકી, અધ્યક્ષ, ધ શિઝુઓકા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, શ્રી સૈતો કાઓરુ, પ્રમુખ, હમામાત્સુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, કાવાઈ માસાશી, મેનેજિંગ ડિરેક્ટર, ધ હમામાત્સુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, શ્રી ઓદાગી તોશિરો, સેક્શન ચીફ, હમામાત્સુ ચેમ્બર વાણિજ્ય અને ઉદ્યોગ, શ્રી તોશિહિરો કાનેકો, જાપાનના મુંબઈ ખાતેના કાર્યવાહક કોન્સ્યુલ તેમજ ભારતમાં, ગુજરાત ખાતેના જાપાનના માનદ કોન્સ્યુલ અને GCCI ના પૂર્વ પ્રમુખ શ્રી મુકેશ પટેલનો સમાવેશ થયો હતો.
GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશભાઈ ગાંધીએ જાપાનના ઉદ્યોગ અગ્રણીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેમની હાજરી બદલ આભાર માન્યો હતો. તેઓએ આ પ્રસંગે ઉપસ્થિત GCCI ના વિવિધ પદાધિકારીઓનું પણ સ્વાગત કર્યું હતું. તેમણે જાપાનના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી શિન્ઝો આબે અને ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના માનનીય મુખ્ય પ્રધાન હતા તે સમયથી ગુજરાત તેમજ જાપાન વચ્ચે સ્થાપિત થયેલ વ્યાપાર-ઉદ્યોગ અંગેના ઘનિષ્ઠ સંબંધોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે GCCI ની નિર્ણાયક ભૂમિકા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા 7 દાયકાથી પણ વધુ સમયથી GCCI સરકાર અને ગુજરાત રાજ્યના વિવિધ વેપાર અને ઉદ્યોગ વચ્ચે સેતુ તરીકે મહત્વની ભૂમિકા ભજવી રહેલ છે તેમજ વિવિધ વિદેશી પ્રતિનિધિમંડળોને ગુજરાત ખાતે તેમના નેટવર્કિંગ પ્રયાસોમાં પણ સંપૂર્ણ સહયોગ પૂરો પાડે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે શિઝુઓકા પ્રીફેક્ચર અને હમામાત્સુ સિટી તેમજ બંને ચેમ્બર ઓફ કોમર્સ સાથેની બેઠક ભવિષ્યના વ્યવસાયિક સંપર્કમાં પરિણમશે. તેમણે આ બેઠકના આયોજનમાં સમર્થન માટે ભારતમાં જાપાનના કોન્સ્યુલ.શ્રી મુકેશ પટેલનો ખાસ આભાર માન્યો હતો.
આ પ્રસંગે પ્રેસ બ્રિફિંગમાં, શ્રી મુકેશ પટેલે ખાસ માહિતી આપી હતી કે જાપાનમાં શિઝુઓકા ચેમ્બર અને હમામાત્સુ ચેમ્બર ના 76 પ્રતિનિધિઓની માનનીય ગવર્નરશ્રી, માનનીય મેયરશ્રી તેમજ GCCI ના અધ્યક્ષ સાથે વાર્તાલાપ અંતે આ ચેમ્બર્સ મુખ્ય આર્થિક હબ તરીકે ઉભરી આવેલ છે. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન બંનેએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં આ શહેરોના મહત્વ પર ભાર મૂક્યો છે.
સહયોગ માટેનો એજન્ડા ગુજરાત અને જાપાનીઝ કંપનીઓ વચ્ચે ભાગીદારી વધારવા તેમજ ઓસાકામાં 2025ના વર્લ્ડ એક્સ્પો દરમિયાન હસ્તાક્ષર કરવા માટેના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU)ની દરખાસ્ત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે પ્રતિનિધિમંડળના સભ્યોને તેમની મુલાકાત બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આ પહેલ વેપાર, રોકાણ અને કૌશલ્ય વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે આર્થિક સુરક્ષા અને તકનીકી વૃદ્ધિ પર ચાલી રહેલી ભારત-જાપાન ચર્ચાઓને સમર્થન આપે છે.