સ્પોર્ટ્સ ક્લબની ચૂંટણીમાં રાજેશ પ્રવિણભાઈ બ્રહ્મભટ્ટે પરિવર્તન પેનલના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું
સર્વિસ ટેક્સના રૂપિયા માટે લડત ચલાવીને મોટાભાગના સભ્યોને પૈસા પરત અપાવનાર રાજેશ પ્રવિણભાઈ બ્રહ્મભટ્ટનો ચૂંટણી જીતવાનો હુંકાર
ક્લબમાં નોનવેજ બંધ કરાવવાની સભ્યોની માંગ પર ચૂંટાયા બાદ તરત જ અમલ કરવાની ખાતરી આપી
ક્લબની સુવિધાઓ સસ્તી કરવા તથા ક્લબનો વહીવટ પ્રમાણિકતા તથા પારદર્શકતા સાથે કરવાનું વચન
નીતા લીંબાચિયા, અમદાવાદ.
26 સપ્ટેમ્બર 2024:
અમદાવાદની પ્રતિષ્ઠિત ક્લબોમાં સ્થાન ધરાવતી સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતની આગામી રવિવારે, 29 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે શ્રી રાજેશ પ્રવિણભાઈ બ્રહ્મભટ્ટે પરિવર્તન પેનલના ઉમેદવાર (સીરિયલ નંબર 3) તરીકે ચૂંટણીમાં ઝુકાવ્યું છે. છેલ્લા થોડા સમયથી નવરંગપુરા સ્થિત આ ક્લબના મેનેજમેન્ટ તથા વહીવટ અંગે પ્રશ્નો ઉઠતા રહ્યા છે ત્યારે ક્લબની ગરિમા પાછી લાવીને અને તમામ સભ્યોનું માન જાળવવાના વચન સાથે રાજેશ પ્રવિણભાઈ બ્રહ્મભટ્ટે (સીરિયલ નંબર 3) ચૂંટણી જીતવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
ક્લબની ચૂંટણીમાં ઉમેદવારી અંગે રાજેશ પ્રવિણભાઈ બ્રહ્મભટ્ટે (સીરિયલ નંબર 3) જણાવ્યું હતું કે “સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત એ સૌ સભ્યોની સહિયારી મિલકત છે અને તેનું સાચા અર્થમાં જતન થાય તે જરૂરી છે. સભ્યોના સાથ અને સહકારથી હું તેમના હિત અને સ્વમાન માટે સાચી લડત આપવા માટે તૈયાર છું. ક્લબના સર્વિસ ટેક્સના નાણાં પરત મેળવવા માટે મેં લડત આદરી હતી જેના લીધે મોટી સંખ્યામાં સભ્યોને પૈસા પરત મળ્યા હતા. હજુ પણ જે સભ્યોને પૈસા પાછા ન મળ્યા હોય તેમને મારા તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપું છું. સભ્યોનું માન જળવાય અને હિતોનું રક્ષણ થાય એ જ મારો ધ્યેય છે. ક્લબની વેલ્યુમાં વધારો થાય, ક્લબમાં ખોટા ખર્ચા બંધ થાય, સભ્યોને સારી સુવિધાઓ મફતના ભાવે મળે અને પારદર્શક રીતે ક્લબનો વહીવટ થાય તે માટે હું તમામ સભ્યોને તેમનો કિંમતી મત મને આપીને વિજયી બનાવવા માટે નમ્ર વિનંતી કરું છું. મારા ચૂંટણી ઢંઢેરાના જે પણ મુદ્દા છે તે તમામનું પાલન કરવા હું વચન આપુ છું. સભ્યો ના સ્વમાન ની જાળવણી અને હિતનું રક્ષણ એ જ મારું લક્ષ્ય અને આપણી ક્લબ આપણી મિલકત એ જ મારું સૂત્ર”
છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટ્સ ક્લબમાં પીરસાતા નોનવેજ ફૂડ અંગે પણ સભ્યોમાં ખાસ્સો કચવાટ છે. સનાતન ધર્મમાં જેને ક્યાંય સ્થાન નથી તેવા નોનવેજ ફૂડ અંગે જૈન સમાજ, બ્રાહ્મણ સમાજ, વણિક સમાજ, પટેલ સમાજ તથા અન્ય સમાજના અગ્રણીઓએ પણ સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી છે. ક્લબના સભ્યો તરફથી જાગેલા આ રોષને ધર્મગુરૂઓએ પણ વાચા આપી છે અને ક્લબમાં નોનવેજ બંધ કરાવવા માંગ કરી છે. રાજેશ પ્રવિણભાઈ બ્રહ્મભટ્ટે (સીરિયલ નંબર 3) પોતે પણ ક્લબના મેનેજમેન્ટને લેખિત અરજી કરીને નોનવેજ પીરસવાનું બંધ કરવા વિનંતી કરી છે અને આ મુદ્દે ક્લબ મેનેજમેન્ટ સંમત ન થાય તો ઉગ્ર લડત લડી લેવાનો પણ હુંકાર કર્યો છે.
આ ઉપરાંત નવી ક્લબ ઊભી કરવાના મુદ્દે પણ સભ્યોમાં ભારોભાર અસંતોષ છે. ક્લબના જૂના તથા નવા દરેક સભ્યોના નાણાં ફસાઈ ગયા છે. રાજેશ પ્રવિણભાઈ બ્રહ્મભટ્ટે (સીરિયલ નંબર 3) વચન આપ્યું છે કે તેઓ ચૂંટાઈ આવે પછી નવા ક્લબના પ્રશ્નનો નિકાલ કરી સભ્યોને તેમના નાણાં વ્યાજ સહિત પરત અપાવશે અથવા ક્લબનો ઉદ્ધાર થાય એવું કામ કરવા માટે સભ્યોની સહમતિ મુજબ આ નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે. ક્લબના દરેક સભ્યને વિશ્વાસમાં લઈને આ કાર્ય કરવામાં આવશે.
રાજેશ પ્રવિણભાઈ બ્રહ્મભટ્ટે (સીરિયલ નંબર 3) સર્વિસ ટેક્સના રિફંડ મેળવવા ક્લબના મેનેજમેન્ટ સમક્ષ અનેક વખત મળીને રજૂઆતો કરી હતી. મેનેજમેન્ટ તરફથી કોઈ જ સ્પષ્ટ કે સંતોષકારક જવાબ મળતો ન હોવા છતાં તેમણે પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા અને અન્ય સભ્યોના સહકાર તથા મદદથી લડત ચલાવીને મોટાભાગના સભ્યોને સર્વિસ ટેક્સના નાણાં પાછા અપાવ્યા હતા. જુના અને નવા સભ્યોના હિતમાં કામ કરવા રાજેશ પ્રવિણભાઈ બ્રહ્મભટ્ટ હંમેશા તત્પર રહેશે.
પરિવર્તન પેનલના ઉમેદવાર તરીકે તેમણે ક્લબમાં નોનવેજ બંધ કરાવવા, સર્વિસ ટેક્સ પરત લેવા, વાર્ષિક ફી ફક્ત રૂ. 999 કરવા, ક્લબની તમામ સુવિધાઓ સસ્તી કરવા, ટોકન રકમ લઈને સભ્યોને ફિલ્મો બતાવવા, સભ્યો માટે ક્લબમાં બેસવાની સુવિધા વધારવા, બાળકો અને બહેનો માટેની પ્રવૃત્તિઓ મફત કરવા, ક્લબમાં સભ્યો પોતાની મેમ્બરશિપ અન્ય લોકોને વેચી શકે તેવા નિયમો લાગુ કરવા, નવી ક્લબની જગ્યાના નાણાં પરત મેળવવા અને સભ્યોને પરત આપવા, શુભ પ્રસંગોએ ડેકોરેશન ખૂબ જ સસ્તું કરવા, ક્લબની અંદર આવેલા રૂમોનું ભાડું સસ્તું કરવા, એક જ દરના ભાડાં રાખવા, સભ્યોના સ્વમાનની રક્ષા કરવા અને તેમના હિતોનું રક્ષણ કરવા તથા ક્લબના વિકાસ માટે 365 દિવસ સતત પ્રમાણિકતાથી કામ કરવાના વચનો આપ્યા છે.