નીતા લીંબાચિયા, અમદાવાદ.
17 જૂન 2024:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા 15મી જૂન, 2024 ના રોજ, શ્રી હસમુખભાઈ પટેલ, સંસદસભ્ય અને પ્રમુખ, ટેક્સટાઇલ એસોસિએશન (ભારત), (અમદાવાદ યુનિટ) ની ઉપસ્થિતિમાં ગોલ્ડન ગ્લોરી હોલ, કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે તેઓના “ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવ 2024” નું આયોજન કરવામાં આવ્યું હતું. GCCI દ્વારા આયોજિત તેઓના ટેક્સટાઇલ કોન્કલેવની આ તૃતીય આવૃત્તિ હતી.
કોન્ક્લેવના મુખ્ય મહેમાન શ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ સભ્ય અને ધ ટેક્સટાઈલ એસોસિએશન (ઈન્ડિયા), (અમદાવાદ યુનિટ) ના પ્રમુખે GCCI ના વિવિધ ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવના સંસ્મરણો પર આધારિત પુસ્તિકાનું અનાવરણ કર્યું હતું. તેઓએ કોન્ક્લેવ ની પૂર્વ બે આવૃત્તિઓના તમામ વક્તાઓના ભાષણનો સારાંશ આ પુસ્તિકામાં સમાવવા માટે આયોજકોની પ્રશંસા કરી હતી. શ્રી હસમુખભાઈ પટેલે ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓને આપણા દેશને વૈશ્વિક ટેક્સટાઇલ હબ બનાવવા અને ઉદ્યોગના તમામ વિભાગોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે સહયોગ આપવા વિનંતી કરી હતી.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં GCCI ના પ્રમુખ શ્રી અજય પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રસ્તુત ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવ, પૂર્વ બે ટેક્સટાઇલ કોન્ક્લેવ ને મળેલ અભૂતપૂર્વ સફળતાને આધારે આયોજિત કરવામાં આવેલ છે, જેનો ઉદ્દેશ ટેક્સટાઇલ ઉદ્યોગ પરત્વેની વિવિધ જરૂરિયાતો તેમજ ઉદ્યોગને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા અને વિચાર-વિમર્શ માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. તેમણે માનનીય મુખ્ય મહેમાન અને ઉપસ્થિત અન્ય આદરણીય વક્તાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે ગુજરાતના આર્થિક તેમજ ઔદ્યોગિક વિકાસ પરત્વે કાપડ ઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન વિશે વાત કરી હતી.
GCCI ના સીનીઅર વાઇસ પ્રેસિડેન્ટ, શ્રી સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે ગુજરાતના આર્થિક વિકાસમાં ટેક્સટાઇલ ઉદ્યોગની નિર્ણાયક ભૂમિકામ રહેલ છે અને તે સંદર્ભમાં સમગ્ર ટેક્સટાઇલ સેક્ટરને ટેકો આપવા માટે GCCI હંમેશા પ્રતિબદ્ધ રહેલ છે. તેઓએ ભારત દેશને “USD 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા” બનાવવાના મહત્વાકાંક્ષી ધ્યેય સંદર્ભે કાપડ ઉદ્યોગના વ્યૂહાત્મક મહત્વ વિશે વાત કરી હતી કે જે થકી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા બધા જ સ્ટેકહોલ્ડર્સ દેશના આ મહત્વના લક્ષ્યાંક પરત્વે પોતાનું યોગદાન આપી શકશે.
આ પ્રસંગે થીમ સંબોધન કરતા, GCCI ટેક્સટાઈલ ટાસ્ક ફોર્સ ના ચેરમેન શ્રી સૌરીન પરીખે, કોન્ક્લેવની આ ત્રીજી આવૃત્તિ પાછળના ઉદ્દેશ વિશે વાત કરી હતી તેમજ જણાવ્યું હતું કે ટેક્સટાઇલ ઉદ્યોગના પડકારો વિશે જાગરૂકતા વધારવા અને આ અંગેના વિવિધ મુદ્દા સરકારશ્રી સમક્ષ અસરકારક રીતે રજુ કરવા પ્રસ્તુત કોન્ક્લેવ ખુબ જ ઉપયોગી સાબિત થશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોન્ક્લેવ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ હિસ્સેદારો માટે તેમજ રાજ્યની ટેક્સટાઇલ નીતિને આકાર આપવા બાબત મુખ્ય ભૂમિકા ભજવી શકે તેમ છે.
સંગમ (ઈન્ડિયા) લિમિટેડના વાઈસ ચેરમેન ડૉ. એસ.એન.મોદાણીએ તેઓની કંપનીની પ્રેરણાદાયી સફર વિશે વાત કરી હતી. જેમાં કંપનીની નાની શરૂઆતથી લઈને તેની વર્તમાન સ્થિતિ સુધીના સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગમાં અગ્રગણ્ય ખેલાડી તરીકે પ્રસ્થાપિત થવા બાબતે વાત કરી હતી. તેમણે સમજાવ્યું કે કેવી રીતે કંપની 58 દેશોમાં હાજરી સાથે ટેક્સટાઇલ ઉદ્યોગના પાયાના પથ્થર તરીકે ઉભરી આવી છે અને વૈશ્વિક ટેક્સટાઇલ નિકાસકાર તરીકે તેની સ્થિતિ નિશ્ચિતપણે સ્થાપિત કરી છે. ડૉ. મોદાણીએ તેઓની કંપનીના “ESG” અભિગમ પર ભાર મુક્યો હતો એટલેકે : “Environment”, “Society” તેમજ “Governance” તેમજ ઉમેર્યું હતું કે ESG પર આધારિત જવાબદારી પૂર્વક ના મૂલ્યો કંપનીના સામાજિક સમર્પણને સ્પષ્ટ કરે છે.
શ્રી પ્રમોદ ખોસલા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ખોસલા પ્રોફાઇલ પ્રા. લી., પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક છે. તેઓએ ભારતના ફિલ્ટરેશન ફેબ્રિક્સ અને પોલીપ્રોપીલીન ફાઈબર ઉદ્યોગની સાથે તેમની કારકિર્દી નો અભ્યાસ કર્યો. 1977માં RSWM ખાતે મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે શરૂઆત કરીને, તેમણે 1979માં પોલીપ્રોપીલીન ફિલ્ટર ફેબ્રિક્સનું સ્થાનિક સ્તરે માર્કેટિંગ કર્યું, તેમજ ફિલ્ટર ફેબ્રિક્સ અને ટેકનિકલ કાપડના ભારતના સૌથી મોટા ઉત્પાદક બન્યા. ખોસલા ફિલ્ટર્સ, વિવિધ સ્થળોએ 1500 થી વધુ કર્મચારીઓ સાથે, ગ્રાન્યુલ્સ/ફાઈબરથી લઈને તૈયાર ઉત્પાદનો સુધીની એકીકૃત ઉત્પાદન પ્રક્રિયા પ્રદાન કરે છે. અદ્યતન યુરોપિયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને, તેમના ફિલ્ટરેશન ફેબ્રિક્સ, 60 થી પણ વધુ દેશોમાં નિકાસ કરી રહેલ છે જે બાબત KPPLની અસાધારણ ગુણવત્તાનું પણ પ્રમાણ પૂરું પડે છે.
શ્રી અજય અરોરા, મેનેજિંગ ડિરેક્ટર, ડી’ડેકોર હોમ ફેબ્રિક્સ પ્રા. લિ.એ ફર્નિશિંગ ફેબ્રિક્સ ઉદ્યોગમાં વૈશ્વિક લીડર તરીકે ઉભરવા માટે કેવી રીતે તેઓ ડી’ડેકોરને પારિવારિક એન્ટરપ્રાઈઝ તરીકે તેના મૂળ થી આગળ વધારી અગ્રગણ્ય ઉદ્યોગ તરીકે પ્રસ્થાપિત કર્યું તે બાબતે વિગતવાર માહિતી આપી હતી. ‘લાઇવ બ્યુટીફુલ’ એથોસ, યુરોપિયન સ્ટુડિયો સાથે વ્યૂહાત્મક સહયોગ અને 2023માં ફેબ્રિકેરની રજૂઆતને પ્રતિબિંબિત કરતી વૈવિધ્યસભર પ્રોડક્ટ રેન્જ સાથે, D’Decor એ ભારતની અગ્રણી હોમ ડેકોર બ્રાન્ડ તરીકે નિશ્ચિતપણે પોતાને સ્થાપિત કરી છે. તેમણે વિતરણ, પુરવઠા શૃંખલા અને રિટેલ પ્રથાઓના આધુનિકીકરણ પર ભાર મૂક્યો હતો, તેમજ સાથે સાથે ડીજીટલ ઇનોવેશન ને ઉત્સાહપૂર્વક અપનાવવા પર પણ ભાર મૂક્યો હતો તેમજ ડી’ડેકોરને ઉદ્યોગના ઉત્ક્રાંતિના અગ્રણી તરફ આગળ લઇ જવામાં આ અભિગમના યોગદાન વિશે વાત કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન આયોજિત મનમોહક પટોળા ફેશન શો, ગુજરાતના સાંસ્કૃતિક મહત્વને પ્રસ્તુત કરતો હતો તેમજ પાટણ પટોળાના કાલાતીત મહત્વને ઉજાગર કરતો હતો.
આ પ્રસંગે ત્રણ સ્ટાર્ટઅપ્સ એકમોએ તેઓના નવીન અભિગમ પ્રસ્તુત કર્યા હતા. સીમલેસ ટેક્સ ટેક પ્રા. લિ.એ રીઅલ-ટાઇમ એરિથમિયા મોનિટરિંગ માટે વાહક ટેક્સટાઇલ-આધારિત ડ્રાય ઇલેક્ટ્રોડ્સ સાથે સંકલિત વસ્ત્રોને પ્રસ્તુત કાર્ય હતા. સ્ટેટમેન્ટ ડેનિમ દ્વારા ઇકો-ફ્રેન્ડલી ડેનિમ ઉત્પાદનો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા, જ્યારે AltMat Pvt. લિ.એ સસ્ટેનેબિલિટી પરત્વેના વૈશ્વિક અભિગમને ધ્યાનમાં રાખી તેઓ દ્વારા ઉત્પાદિત “સસ્ટેનેબલ નેચરલ ફાઈબર” ની પ્રસ્તુતિ કરી હતી.
સમગ્ર ભારતમાં જીનિંગ, સ્પિનીંગ, વિવિંગ, પ્રોસેસિંગ, ગાર્મેન્ટિંગ, ટેકનિકલ ટેક્સટાઈલ અને મશીનરી ઉત્પાદકોના ઉદ્યોગોએ મોટી સંખ્યામાં આ કોન્કલેવમાં ભાગ લીધો હતો.