GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા વર્ક- હેલ્થ બેલેન્સ મેળવવા બાબતે એક ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું હતું.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
20 માર્ચ 2024:
આ પ્રસંગે તેમના સ્વાગત પ્રવચનમાં GCCI BWC ના ચેરપર્સન શ્રીમતી કાજલબેન પટેલે જણાવ્યું કે વર્તમાન સ્પર્ધાત્મક સમયમાં મહિલાઓ પણ દિન-પ્રતિદિન વ્યાપાર, વ્યવસાય તેમજ જાહેર ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ભાગ લઇ રહેલ છે તેમજ સાથે સાથે તેઓએ પોતાના કુટુંબનું પણ ધ્યાન રાખવાનું હોય છે. આવા સંજોગોમાં જરૂરી છે કે વર્ક- હેલ્થ બેલેન્સ વિશે સમજ કેળવી આવું બેલેન્સ મેળવવામાં આવે. ડાયલોગ ના મુખ્ય વક્તા નામાંકિત ગાયનેકોલોજિસ્ટ ડો. ચૈતસીબેન નું સ્વાગત કરતા તેઓએ જણાવ્યું કે તેઓ આ વિષય માં ઊંડી સમજ ધરાવે છે તેમજ તેઓ સાથેની વાતચીત બધા સહભાગીઓને ખુબજ ઉપયોગી થઈ પડશે.
તેઓએ સોશિયલ મીડિયા ના ખુબ જ ઝડપથી વધી રહેલ મહત્વ બાબતે વાત કરતા જણાવ્યું કે સોશિયલ મીડિયાને કારણે સમગ્ર વિશ્વ જાણે આપણા ફોન ની સ્ક્રીન પર ઉપલબ્ધ છે અને દુનિયા ના કોઈ પણ ખૂણે બની રહેલ બનાવની વિગતો થોડી જ પળોમાં આપણા સુધી પહોંચતી હોવાને કારણે તેનાથી સ્ટ્રેસનું પ્રમાણ પણ વધતું હોય છે. તેઓએ આશા વ્યક્ત કરી કે આજનો વાર્તાલાપ બધા સહભાગીઓને ખુબજ ઉપયોગી થઈ પડશે.
આ પ્રસંગે મુખ્ય વક્તાશ્રીનો પરિચય આપતા GCCI BWC ના કો-ચેરપર્સન શ્રીમતી પ્રાચી પટવારીએ જણાવ્યું કે ડો. ચૈતાસીબેન એક ખુબજ ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ છે. તેઓ અમદાવાદ શહેરમાં પ્રેક્ટિસ કરે છે તેમજ ચેન્નઇ અને વડોદરા ખાતે તેઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરેલ. તેઓએ જર્મનીમાંથી લેપ્રોસ્કોપી ગાયનેક સર્જરીમાં ફેલોશીપ કરેલ છે તેમજ અમેરિકામાંથી કોસ્મેટિક અને રિકંસ્ટ્રકટીવ સર્જરીની ફેલોશીપ કરેલ છે. તેઓને અનેકવિધ એવોર્ડ થી નવાજવામાં આવેલા છે તેમજ તેઓએ અનેક લેખો લખેલા છે અને શૈક્ષણિક શિબિરો આયોજિત કરેલ છે.
સેમિનારમાં પોતાના વિચારો વ્યક્ત કરતાં, મુખ્ય વક્તા ડો. ચૈતસીબેન શાહે તે બાબત પર ખાસ ભાર મૂક્યો કે દરેક વ્યક્તિ માટે તેઓની પ્રાથમિકતા સ્પષ્ટ હોવા જોઈએ અને એક સમયે એક મુખ્ય પ્રાથમિકતા ઉપર જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી મલ્ટીટાસ્કિંગ થી દૂર રહેવું જોઈએ. તેઓએ તે બાબત પર ભાર મૂક્યો કે દરેક વ્યક્તિની મુખ્ય પ્રાથમિકતા તેનું પોતાનું વ્યક્તિગત સ્વાસ્થ્ય હોવું જોઈએ અને સતત તણાવ વાળી પરિસ્થિતિ વ્યક્તિના સ્વાસ્થ્ય તેમજ તેની કામગીરી પર વિપરીત અસર કરતાં હોય છે.
શ્રીમતી બીંજનબેન શેઠ, GCCI BWC કો-ચેરપર્સન દ્વારા આભાર વિધિ બાદ આ સેમિનાર નું સમાપન થયું હતું.