ભાડા કરારની સમય અવધિ પૂર્ણ થઇ ગયા બાદ પણ વકીલે ફલેટ ખાલી નહી કરતાં એન.કે.પી.એલ રિયાલિટી કંપની દ્વારા બાર કાઉન્સીલ સહિતના સત્તાધીશોને ફરિયાદ કરાઇ
કસૂરવાર એડવોકેટ વિરૂધ્ધ વ્યવસાયિક ગેરવર્તણૂંક બદલ શિક્ષાત્મક પગલાં લેવા અને લેન્ડ ગ્રેબીંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહીની કંપનીની માંગ
અમદાવાદ, તા.15
શહેરના સેટેલાઈટ વિસ્તારમાં કંપનીની સ્વતંત્ર માલિકીનો કિંમતનો ફલેટ(મિલ્કત) ભાડેથી રહેવા લીધા બાદ ભાડા કરાર પૂર્ણ થઇ ગયા બાદ પણ ફલેટનો કબ્જો ખાલી નહી કરી ગેરકાયદે મિલ્કત પચાવી પાડવા બદલ ખુદ એક એડવોકેટ વિરૂધ્ધ કંપની દ્વારા ગુજરાત બાર કાઉન્સીલ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા સહિતના સંબંધિત સત્તાવાળાઓને ફરિયાદ કરવામાં આવી છે. એડવોકેટ રવિ કિરણ જાડેજા વિરૂધ્ધ એન.કે.પી.એલ રિયાલિટી ફર્મ દ્વારા ગુજરાત લેન્ડગ્રેબીંગ એકટની કલમ-૪ હેઠળ તેમ જ આઇપીસીની કલમ-૪૦૬,૪૨૦, ૧૨૦(બી) સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવા માંગણી કરવામાં આવી છે તો, ગુજરાત બાર કાઉન્સીલને પણ વ્યવસાયિક ગેરવર્તણૂંક આચરવા બદલ એડવોકેટ રવિ કિરણ જાડેજા વિરૂધ્ધ એડવોકેટ એકટની કલમ-૩૫ અન્વયે શિક્ષાત્મક કાર્યવાહી કરવા ગંભીર માંગણી કરવામાં આવી છે.
શહેરની એન.કે.પી.એલ. રિયાલિટી ફર્મ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, ગુજરાત બાર કાઉન્સીલ સહિતના સંબંધિત સત્તાવાળાઓને એડવોકેટ રવિ કિરણ જાડેજા વિરૂધ્ધ કરાયેલી ફરિયાદમાં એ મતલબની ગંભીર આક્ષેપભરી રજૂઆત કરાઇ છે કે, ફરિયાદી ફર્મના ભાગીદારો અશીતા નીલેશ પટેલ અને સોનલ નિમિષ પટેલની માલિકીની શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રાહુલ ટાવર પાસે આવેલ સ્કારલેટ હાઇટ્સ ખાતે આવેલ વૈભવી ફલેટ એડવોકેટ રવિ કિરણ જાડેજાને જૂન-૨૦૨૦માં ભાડા કરારથી ભાડે આપવામાં આવ્યો હતો, જેનું ભાડુ માસિક રૃ.૫૮ હજાર નક્કી કરવામાં આવ્યું હતું. ભાડા કરારની મુદત પૂરી થયેથી મિલ્કતનો શાંત અને પ્રત્યક્ષ કબ્જો સોંપવાની ભાડા કરારમાં શરત હોવાછતાં એડવોકેટ રવિ જાડેજાએ ફલેટનો કબ્જો કંપનીને પરત સોંપ્યો ન હતો. જેને પગલે કંપની દ્વારા તા.૨૮-૫-૨૦૨૧ના રોજ કાનૂની નોટિસ પાઠવી બે મહિનામાં મિલ્કત ખાલી કરી દેવા અને તેનો શાંત અને પ્રત્યક્ષ કબ્જો કંપનીને સોંપી દેવા તાકીદ કરાઇ હતી.
જો કે, આ એડવોકેટ દ્વારા આજદિન સુધી ફલેટની મિલ્કતનો કબ્જો ખાલી કરાયો નથી કે તેનું નક્કી થયેલું ભાડુ પણ ચૂકવવામાં આવતુ નથી. એડવોકેટ રવિ કિરણ જાડેજા દ્વારા તા.૧-૭-૨૦૨૧થી તા.૩૦-૧૧-૨૦૨૩ સુધીનું કુલ ૨૯ માસનું ભાડુ માસિક રૃ.૫૮ હજાર લેખે ગણતાં રૃ.૧૬.૮૨લાખથી પણ વધુ ભાડુ ચૂકવ્યું નથી. મિલ્કતનો કબ્જો અને બાકી ભાડુ કયારે ચૂકવો છો એમ પૂછવામાં આવતાં એડવોકેટ રવિ જાડેજા દ્વારા કંપનીના જવાબદાર માણસોને એવી ધમકી આપવામાં આવી હતી કે, બાકી ભાડુ અને મિલ્કતનો કબ્જો જોઇતો હોય તો જાઓ મારી સામે કોર્ટમાં કેસ કરો. આ મિલ્કત હવે મારી થઇ ગઇ છે. હું વકીલ છું., બધા કાયદા જાણું છું હવે અહીં આવશો તો ખોટા કેસમાં ફીટ કરાવી દઇશ.
બોક્ષ ઃ કંપની દ્વારા વારંવારની રજૂઆત છતાં પોલીસ પણ એફઆઇઆર નોંધતી નથી
કંપની તરફથી આખરે શહેર પોલીસ કમિશનર, ડીસીપી ઝોન-૭ સહિતના ઉચ્ચ પોલીસ સત્તાવાળાઓનું પણ લેખિત રજૂઆત મારફતે ધ્યાન દોરવામાં આવ્યું છે કે, એન.કે.પી.એલ.રિયાલિટીની મિલ્કત પચાવી પાડનાર વકીલ રવિ કિરણ જાડેજા વિરૃધ્ધ કંપની તરફથી આનંદનગર પોલીસમથકમાં વારંવાર રજૂઆત અને લેખિત ફરિયાદ આપવા છતાં પણ આજદિન સુધી પોલીસ દ્વારા આ એડવોકેટ વિરૃધ્ધ એફઆઇઆર સુધ્ધાં દાખલ કરવામાં આવી નથી. જેને લઇ હવે પોલીસની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
બોક્ષ ઃ બાર કાઉન્સીલની શિસ્ત સમિતિ દ્વારા કેસની સુનાવણી થશે
ફરિયાદી કંપની દ્વારા એડવોકેટ રવિ કિરણ જાડેજા વિરૃધ્ધ કરાયેલી ફરિયાદ હવે આગામી દિવસોમાં ગુજરાત બાર કાઉન્સિલના જનરલ બોર્ડમાં મુકાશે… ત્યારબાદ સામા વાળા વકીલનો ખુલાસો માંગવામાં આવશે અને એ પછી બાર કાઉન્સિલ સમગ્ર કેસ સંબંધિત શિસ્ત સમિતિ સમક્ષ મૂકી કેસની સુનાવણી હાથ ધરશે.