માનવ જીવન અને આરોગ્ય માટે જોખમી જૂના ડબ્બા અને રિસાઇકલ્ડ ટીનના વપરાશ મુદ્દે રાજચના ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ સહિતના પગલાં લેવાની તજવીજ
નાની કંપનીઓ, મીલરો, તેલ ઉત્પાદકો અને ટ્રેડર્સ-રિપેકર્સ દ્વારા પૈસા કમાવવાની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘી સહિતની ચીજવસ્તુઓના રિપેકીંગ માટે જૂના ડબ્બા અને રિસાઇકલ્ડ ટીનનો ઉપયોગ
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આવા તત્વોને બક્ષાશે નહી – રાજચ સરકાર અને ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ આવા તત્વો સામે કાયદેસર અને આકરી કાર્યવાહી કરવા સજ્જ ઃ ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયા
અમદાવાદ,તા.3
રાજયમાં ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘીને પેક કરવા જૂના ડબ્બા(રિસાઇકલ ટીન)ના વપરાશ પર પ્રતિબંધ હોવાછતાં નાની કંપનીઓ, મીલરો, તેલ ઉત્પાદકો, ટ્રેડર્સ અને રિપેકર્સ દ્વારા તગડી કમાણી કરવાની લાલચમાં જાહેર આરોગ્ય અને માનવ સ્વાસ્થ્યને ગંભીર જોખમ થાય તે પ્રકારે આવા જૂના ડબ્બા અને રિસાઇકલ ટીનનો ઉપયોગ કરી મસમોટુ કૌભાંડ આચરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામતાં રાજયના ફુડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ સમગ્ર મામલે હવે ખૂબ ગંભીરતા દાખવી છે અને આગામી દિવસોમાં આવા ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘી સહિતના જૂના ડબ્બા કે રિસાઇકલ ટીનના વપરાશ કરતા તેલ ઉત્પાદકો, મીલરો અને રિપેકર્સ પર તવાઇ બોલાવવામાં આવશે. રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અંગે જિલ્લા તાલુકા કક્ષાએ ફુડ અને ડ્રગ્સ વિભાગના ડેઝીગ્નેટેડ અધિકારીઓને સૂચના પણ જારી કરવામાં આવશે અને જરૃર પડયે સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવી આવા તત્વો વિરૃધ્ધ કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી એકટ ઓફ ઇન્ડિયા ૨૦૦૬ના કાયદા અને તેના અનુસંધાનમાં ૨૦૧૧માં તેના રૃલ પણ ઘડવામાં આવ્યા છે. સરકારના સંબંધિત સત્તાવાળાઓ સ્ટાન્ડર્ડ એડવાઇઝર દ્વારા તા.૨૬-૯-૨૦૧૭ના જાહેરનામાથી આવા રિસાઇકલડ અને જૂના ડબ્બા કે ટીનના વપરાશ પર પ્રતિબંધ ફરમાવાયો હતો, તેમછતાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજયમાં વિવિધ તેલ ઉત્પાદકો, રિપેકર્સ અને નાના મીલરો દ્વારા જૂના ડબ્બા કે રિસાઇકલડ ટીનનો બેફામ ઉપયોગ અને વપરાશ કરાઇ રહ્યો છે. રિસાઇકલ ટીન(જૂના ડબ્બા)ની સપ્લાય ચેનમાં ઘણી ઉણપ અને આવા ડબ્બાનું કલીનીંગ પ્રોસેસ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી અને હાનિકારક હોય છે. છતાં પણ માત્ર વધુ પૈસા કમાવવાની લાલચમાં ઘણા તેલ ઉત્પાદકો અને રિપેકર્સ તત્વો સસ્તી કિંમતે ડબ્બા આપવાના બહાને માનવ આરોગ્ય સાથે ચેડા કરી તેને જોખમમાં નાંખી રહ્યા છે.
વધુમાં, આવા તેલ ઉત્પાદકો અને રિપેકર્સ તત્વો જૂના ટીન કે ડબ્બામાં કોઇ સ્ટાન્ડર્ડ ગ્રેડ નહી હોવાથી તેનો લાભ લઇ તેમાં ઓછુ તેલ કે ઘી ભરીને વજનની પણ ચોરી કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી ચે. તો, આવા જૂના ડબ્બા કે ટીનમાં લીકેજની પણ ફરિયાદો આવતી હોય છે. તો, જૂના ડબ્બા કે ટીનમાં સીલ પેક ઢાંકણું પહેલેથી તૂટેલુ હોઇ તેને રીસાઇકલ કરતી વખતે રિપેકર્સ તત્વો તેલ કે ઘીમાં ભેળસેળ કરતાં હોય છે. આ પ્રકારના જૂના ડબ્બા અને ટીન માનવ આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે જોખમી હોવાની વ્યાપક ફરિયાદો ધ્યાનમાં આવતાં હવે રાજયનું ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ પણ હરકતમાં આવ્યું છે. આ અંગે રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયાએ જણાવ્યું હતું કે, ખાદ્ય તેલ કે વનસ્પતિ ઘી સહિતની ચીજવસ્તુઓના જૂના ડબ્બા કે ટીનના વપરાશ પર પ્રતિબંધ અંગેના સંબંધિત હુકમ(ઓફિસ ઓર્ડર)ની રાજયભરમાં કડકાઇથી અમલવારી કરાવવામાં આવશે. લોકોના આરોગ્ય અને જીવન સાથેના આ પ્રકારના ચેડાં કોઇપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહી. આ સમગ્ર મામલે આગામી દિવસોમાં રાજયભરમાં જિલ્લા-તાલુકા કક્ષાએ જે તે ડેઝીગ્નેટેડ અધિકારી(ફુડ એન્ડ ડ્રગ્સ ડિપા.)ને સૂચના જારી કરી કડક કાર્યવાહીના નિર્દેશો પણ જારી કરવામાં આવશે. જરૃરી પડયે સમગ્ર મામલે જૂના ડબ્બા અને ટીનના વપરાશ વિરૃધ્ધ ફુડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ટીમના નેજા હેઠળ સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવી આવા જે કોઇ તેલ ઉત્પાદકો, મીલરો કે રિપેકર્સ તત્વો હશે તેઓની વિરૃદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, પ્રજાના આરોગ્ય કે માનવ જીવનની સુરક્ષાને લઇ સરકાર ગંભીર છે અને તેથી આગામી દિવસોમાં આ સમગ્ર મામલે કડકાઇથી કાર્યવાહી કરવામાં આવશે.
બોક્ષ ઃ અગાઉ તેલ ઉત્પાદકો અને મીલરો દ્વારા સરકારમાં રજૂઆત થઇ હતી
રાજયમાં ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘીના જૂના ડબ્બા કે ટીનના વપરાશ પર પ્રતિબંધ હોવાછતાં તેના વપરાશને લઇ માનવ જીવન અને આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા હોવા મુદ્દે અગાઉ વિવિધ તેલ ઉત્પાદકો અને મીલરો દ્વારા રાજય સરકારમાં યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી. જો કે, આખરે ફુડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ સમગ્ર મામલે ગંભીરતા દાખવી કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આગામી દિવસોમાં ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની જુદી જુદી ટીમો દ્વારા રાજયભરમાં સ્પેશ્યલ ડ્રાઇવ સહિતની અસરકારક કામગીરી હાથ ધરવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news