પવિત્રા ફાઉન્ડેશન, કેડી હોસ્પિટલ અને બોડકદેવ અર્બન હેલ્થ સેન્ટરના સંયુકત ઉપક્રમે યોજાયેલા નિશુલ્ક તબીબી કેમ્પમાં નિદાન, દવા-સારવાર વિનામૂલ્યે પૂરા પડાયા
અમ્યુકોની સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન દેવાંગ દાણી, પવિત્રા ફાઉન્ડેશનના આરવ રાજપૂત, આકાશ રાજપૂત, એએમટીએસ ચેરમેન ધરમસિંહ દેસાઇ સહિતના મહાનુભાવોની વિશેષ હાજરી
અમદાવાદ, તા.17
શહેરના મેમનગર વિસ્તારમાં મેમનગર ગામમાં પેટ્રોલપંપની બાજુ સહજાનંદ ઓસીસ પાસે આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના પ્રાંગણમાં આજે નાગરિકો માટે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, દાંતના રોગ, આંખની તકલીફ, ચર્મ રોગ સહિતની બિમારીઓને લઇ નિશુલ્ક તબીબી કેમ્પ યોજાયો હતો, જેમાં આશરે 700થી વધુ ગરીબ, મધ્યમવર્ગ અને જરૂરિયાતમંદ નાગરિકોએ લાભ લીધો હતો. પવિત્રા ફાઉન્ડેશન, કેડી હોસ્પિટલ અને બોડકદેવ અર્બન હેલ્થ સેન્ટરના સંયુકત ઉપક્રમે યોજાયેલા આ નિશુલ્ક તબીબી કેમ્પમાં દર્દીઓને દવા, સીરપ સહિતની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.
આજના તબબી કેમ્પમાં નાગરિકોના વજન, હાઇટ, બોડી ચેક અપથી લઇ શરીરની વિવિધ તકલીફોને લઇ સંપૂર્ણ નિદાન બિલકુલ નિશુલ્ક કરવામાં આવ્યું હતું. પવિત્રા ફાઉન્ડેશનના એકઝીકયુટીવ ડાયરેકર આરવ રાજપૂત અને આકાશ રાજપૂત સહિતના તેમના કાર્યકરોની ટીમે નિશુલ્ક તબીબી કેમ્પને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી. આજના નિશુલ્ક તબીબી કેમ્પના આયોજન પ્રસંગે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન દેવાંગ દાણી, એએમટીએસના ચેરમેન ધરમસિંહ દેસાઇ, ગોતા વોર્ડના પ્રભારી ચેતન સંઘવી, યુવા મોરચાના પ્રમુખ પ્રણવ સંઘવી અને ઉપપ્રમુખ નૈમેષ એ.પટેલ, થલતેજના સુપ્રસિધ્ધ વૈભવલક્ષ્મી માતાજી મંદિરના પૂરવ પંડિત મહારાજ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ પણ પવિત્રા ફાઉન્ડેશન દ્વારા આ પ્રકારના નિશુલ્ક તબીબી કેમ્પ અને સેવા યજ્ઞ કરવામાં આવ્યા છે અને સતત અવિરતપણે સામાજિક સેવા જારી રાખવામાં આવી છે.
આજના કેમ્પમાં આંખોની તપાસ અને નિદાન દરમ્યાન નાગરિકોને તેમના ચશ્માના નંબર મફત કાઢી આપી આગામી ચારથી પાંચ દિવસમાં તેઓને તેમના નંબર પ્રમાણેના ચશ્મા પણ વિનામૂલ્યે કેમ્પના આયોજકો દ્વારા પૂરા પાડવામાં આવશે.