નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી ગુજરાતમાં સહયોગી પરોપકાર પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા સોશિયલ વેન્ચર પાર્ટનર્સ ઈન્ડિયા (SVP ઈન્ડિયા)ની 5મી વર્ષગાંઠની ઉજવણીમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
16 ડીસેમ્બર 2023:
શુક્રવારે આ સફળતાની ઉજવણીમાં ગુજરાત અને સમગ્ર ભારતમાંથી 200થી વધુ પ્રતિબદ્ધ અને પરોપકાર સાથે સંકળાયેલા લોકો એકજૂટ થયા હતા. જેઓને શ્રી સત્યાર્થી સાથે જોડાવવાની અને તેમની અદ્ભુત યાત્રામાંથી પ્રેરણા મેળવવાની અનોખી તક આપી હતી.
નાણાકીય લાભ માટે બાળકો પર થતાં ગંભીર શોષણ પર ધ્યાન કેન્દ્રિત કરી સેવા કાર્ય કરવા બદલ 2014નો નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર શ્રી સત્યાર્થીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે “આપણે તૂટી ચૂકેલ, ખંડિત, અન્યાયી દુનિયામાં જીવી રહ્યા છીએ. આપણે વેપાર,જ્ઞાન, મેન્યુફેક્ચરિંગ, ડેટા અને મૂડીવાદનું વૈશ્વિકીકરણ કર્યું છે. મહાત્મા ગાંધીના વતન પરથી હું નમ્રતાપૂર્વક અપીલ કરુ છુ કે, આપણે હવે કરૂણાનું ગ્લોબલાઈઝેશન કરવાનો સમય છે.”
નોબેલ પુરસ્કાર વિજેતાએ વધુમાં ઉમેર્યું હતું કે, બાળકો વિરુદ્ધ, ખાસ કરીને છોકરીઓ વિરુદ્ધના ગુનાઓને રોકવા અને બાળ-મૈત્રીપૂર્ણ સમાજનું નિર્માણ કરવાની જવાબદારી માત્ર સરકાર અથવા કોઈપણ સંસ્થાની નથી, પરંતુ આપણા સૌની સામૂહિક જવાબદારી છે.
એસવીપી અમદાવાદના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમારી સફળતાની ઉજવણીમાં શ્રી કૈલાશ સત્યાર્થી જોડાયા તે બદલ અમે અભારી છીએ. તેમની સમાજ માટે સેવા કરવાની પ્રતિબદ્ધતા એસવીપી ઈન્ડિયાના મિશન અને મૂલ્યો સાથે સંપૂર્ણપણે એકરૂપ છે. આ વિશેષ સાંજ પરોપકારની ઇકોસિસ્ટમ માટે એનજીઓને સહકાર આપવા, સમુદાય-નિર્માણ અને પ્રભાવશાળી સહયોગની વાર્તાઓનો અનુભવ કરવાની મંજૂરી આપી છે.”
આ ઇવેન્ટમાં પરોપકાર સંબંધિત મંતવ્યો અને વ્યૂહાત્મક દાન તેમજ એનજીઓ સાથે અસરકારક જોડાણ કરી સુખી સમાજ સ્થાપિત કરવાના પાસાઓ દર્શાવવામાં આવ્યા હતા.
SVP Indiaએ 550+ પરોપકારીઓ, સાહસિકો, એક્ઝિક્યુટિવ્સ, વિદ્વાનો અને ગૃહિણીઓ સાથે મળીને સ્થાપિત પરોપકારી સંસ્થા છે, જે ભારતના આઠ શહેરોમાં ફેલાયેલી છે. તે એનજીઓ સાથે જોડાણ કરવા માટે એક માળખાગત પ્લેટફોર્મ પૂરું પાડે છે. સંસ્થાના ભાગીદારો વધુ અસરકારક પરિણામો મેળવવા તેના સંસાધનોનો ઉપયોગ કરે છે. એસવીપી ઈન્ડિયા નાના અને મધ્યમ કદના એનજીઓને ઓળખી પોતાના અનુભવ દ્વારા તેને નેટવર્કિંગ, સમયનો લાભથી માંડી ક્ષમતા નિર્માણ કરવામાં મદદ કરે છે.
છેલ્લાં પાંચ વર્ષોમાં, અમદાવાદ અને સુરતના 43 SVP ભાગીદારોએ NGOને માર્ગદર્શન આપવા માટે 5,000+ કલાકનો સ્વૈચ્છિક સમય આપ્યો છે. જેમાં ત્રણથી પાંચ ગણો વધારો જોવા મળ્યો છે. દેશભરમાં, સંસ્થાએ 120 એનજીઓ સાથે મળી કામ કર્યું છે. તેમજ રૂ. 7 કરોડની ફાસ્ટ પીચ સહિત કુલ 25 કરોડની ફાળવણી કરી છે. વધુમાં, તેના ભાગીદારોએ પણ તેમના સમય અને કુશળતામાંથી 25,000 કલાકથી વધુ સમયનું યોગદાન આપ્યું છે.