નીતા લીંબાચિયા, અમદાવાદ.
29 ઓગસ્ટ 2023:
મીસ.શુમોના અગ્રવાલ સુતારિયાએ મુખ્ય મહેમાન શ્રી મહેન્દ્ર પટેલ, ચેરમેન, મમતા ગ્રૂપ તેમજ શ્રી અર્જુન હાંડા, વાઇસ ચેરમેન ક્લેરિસ લિમિટેડ અને GCCI ના પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં જી.સી.સી.આઈ યુથ કમિટી ના વર્ષ 2023-24 ના ચેરપર્સન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
GCCIના સીની. વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપભાઈ એન્જીનીયરે મહેમાનો અને સભ્યોનું સ્વાગત કર્યું હતું અને ઉલ્લેખ કર્યો હતો કે વ્યક્તિએ તેમની ઉદ્યોગસાહસિક યાત્રા દરમિયાન ક્યારેય પણ “શોર્ટ કટ” નો ઉપયોગ કરવો ન જોઈએ. તેમણે કહ્યું કે યુવા એ ભારતની અર્થવ્યવસ્થાનું ભવિષ્ય છે જેથી તેમણે પસંદ કરેલા મિશન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વ્યક્તિએ પોતાના લક્ષ્યમાં અને નિશ્ચયમાં એકદમ મક્કમ રહેવું જોઈએ. તેમણે તેમની પોતાની ઉદ્યોગસાહસિકતાના અનુભવો અને કેવી રીતે, તેમના મૂલ્યોએ તેમને વિકાસ અને પ્રગતિ કરવામાં મદદ કરી તે અંગેની માહિતી યુવા સભ્યોને આપી હતી.
શ્રી મહેન્દ્રભાઈ પટેલે તેમના વક્તવ્યમાં ગુજરાતના વેપાર અને ઉદ્યોગને સશક્ત બનાવવા માટે GCCIના યોગદાન અને વર્ષ 1949માં તેની સ્થાપના પછીના છેલ્લા સાત દાયકા દરમિયાન આ મિશનમાં ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે GCCI યુથ કમિટીને વર્ષ 2022 દરમિયાન તેમની કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા. શ્રી મહેન્દ્ર પટેલે વ્યક્તિની વ્યક્તિગત તેમજ ઉદ્યોગસાહસિક ભૂમિકામાં મૂલ્યોના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.
શ્રી અર્જુન હાંડાએ તેમના વક્તવ્યમાં સાદગી, કામ પ્રત્યેનો ઉત્સાહ, ફોકસ અને લાંબા ગાળાના ભવિષ્ય પર આધારિત નિર્ણયોના ગુણો પર ભાર મૂક્યો હતો. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે કોઈનો હેતુ માત્ર નફા આધારિત હોવો જોઈએ નહીં .નવી પેઢીને વ્યવસાયમાં સામેલ કરવી અને પડકારો માટે તૈયાર રહેવું એ એની અગત્યતા અંગે જણાવ્યું હતું. તેમણે આઉટગોઇંગ ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા અને આવનારા ચેરપર્સન મીસ .શુમોના અગ્રવાલ સુતરિયા અને તેમની ટીમને દરેક સફળતાની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે GCCI યુવા સમિતિના આઉટગોઇંગ ચેરપર્સન શ્રી હેમલ પ્રજાપતિએ વર્ષ 2022-23 દરમિયાન યુથ કમિટી દ્વારા વર્ષભરની પ્રવૃત્તિઓની વિગતો આપી હતી. તેમણે GCCI તત્કાલીન પ્રમુખ શ્રી પથિક પટવારી અને અન્ય પદાધિકારીઓનો આખા વર્ષ દરમિયાન પૂરા પાડવામાં આવેલ તમામ સમર્થન અને પ્રોત્સાહન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વર્ષ 2022-23 માટે યુથ કમિટીના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઇનકમિંગ ચેરપર્સન સુશ્રી શુમોના અગ્રવાલ સુતરિયાએ તેમને મળેલી તક બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આગામી વર્ષ દરમિયાન જ્ઞાન, આરોગ્ય, વ્યવસાય વિકાસ અને સમુદાય નિર્માણના ચાર સ્તંભો પર આધારિત વિવિધ પ્રવૃત્તિઓ યોજવાના આયોજન વિશે ટૂંકી માહિતી આપી હતી.શ્રી આદિત્ય શર્મા, શ્રી સિદ્ધેશ ચૌહાણ, શ્રી દેવમ શેઠ અને શ્રી બિરજુ શાહ સમિતિના કો-ચેરમેન રહેશે. તેમણે GCCI યુવા સમિતિના અન્ય સભ્યોનો પણ પરિચય કરાવ્યો હતો અને મુખ્ય મહેમાનો શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને શ્રી અર્જુન હાંડાનો તેમની હાજરી અને પ્રેરણા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.