નીતા લીંબાચિયા, અમદાવાદઃ
13 May 2023:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અસાધારણ સામાન્ય સભા (EGM) તા.12મી મે, 2023 ના રોજ GCCI ખાતે GCCIના બંધારણ અને નિયમોમાં સૂચિત સુધારાઓને મંજૂરી આપવાના હેતુથી મળી હતી. આ સુધારાઓ વહીવટી સંચાલન અને કામગીરી અંગે વધુ સ્પષ્ટતા લાવવા અને વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે.
બંધારણમાં નિર્ધારિત પ્રક્રિયા મુજબ બંધારણીય સુધારા માટેના સૂચનોની પ્રથમ ચર્ચા બંધારણ કમિટીની બેઠકોમાં કરવામાં આવી હતી. બંધારણ કમિટી ના ચેરમેન શ્રી ત્રિલોક પરીખ ઉપરાંત આ કમિટીમાં GCCI ના પૂર્વ પ્રમુખો, ટેક્સ નિષ્ણાત, વકીલ અને મહિલા ઉદ્યોગસાહસિકનો સમાવેશ થાય છે. ત્યારબાદ આ સુધારાઓ કારોબારી સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યા હતા અને કારોબારી સમિતિ દ્વારા આ સુધારાઓ સર્વાનુમતે મજુર થયેલ અને અસાધારણ સામાન્ય સભા સમક્ષ મંજૂરી માટે મૂકવાની ભલામણ કારોબારી સમિતિ દ્વારા આપવામાં આવેલ હતી. આ સૂચિત સુધારાઓ આજની અસાધારણ સામાન્ય સભામાં સભ્યો સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા.
GCCI ના પ્રમુખ શ્રી પથિક પટવારીએ EGMમાં ઉપસ્થિત સભ્યોનું સ્વાગત કર્યું અને જરૂરી કોરમ હાજર હોવાથી મીટીંગ શરૂ કરી હતી. તેમના સંબોધનમાં તેમણે સભ્યોને માહિતી આપી હતી કે GCCIનું બંધારણ અને નિયમો 2011 માં અસ્તિત્વમાં આવ્યા હતા અને ત્યારબાદ વર્ષ 2013, 2016, 2019 અને 2021 માં ચાર વખત તેમાં નાના-મોટા સુધારાઓ કરવામાં આવ્યા હતા. હાલના સુધારાઓ કરવાની જરૂરિયાત અને કારણો વિશે સમજાવતા તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વર્તમાન સમયના સંદર્ભમાં સભ્યો અને ચેમ્બર બંનેના હિતમાં બંધારણમાં સુધારોઓ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે આ અંગે પૂરતો વિચાર-વિમર્શ કરવામાં આવ્યો છે અને GCCIને વધુ ઊંચાઈ હાંસલ કરવામાં અને તેના સભ્યોને વધુ અસરકારક રીતે સેવા આપવા માટે બંધારણ એક અસરકારક સાધન બની રહે તે માટેનો આ પ્રયત્ન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સૂચિત સુધારા બદલાતા સમયની જરૂરિયાતને અનુરૂપ છે અને ગુજરાતના બિઝનેસ લેન્ડસ્કેપમાં GCCIની ભૂમિકાને મજબૂત કરવા માટે આવશ્યક છે.
અસાધારણ સામાન્ય સભા સમક્ષ કુલ 54 સુધારાઓ મૂકવામાં આવ્યા હતા અને તમામ સુધારાઓને સભ્યોએ EGMમાં મંજૂર કર્યા હતા.
EGMમાં મંજૂર કરાયેલ કેટલાક મુખ્ય સુધારાઓ નીચે મુજબ છે:
- બિઝનેસ એસોસિએશનો માટે એક-વખતની ફી ચુકવણીનો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેથી કરીને ફી રીમાઇન્ડર્સ માટે બિનજરૂરી કારકુની કામગીરી ટાળી શકાય અને આજીવન ફી ભરવા તૈયાર સભ્યોને લાભ મળી શકે.
- નાના ઉદ્યોગો અને વેપારીઓની ફરિયાદોનું પ્રતિનિધિત્વ કરવાના ઉદ્દેશ્ય સાથે નજીવી ફી સાથે અને કોઈપણ મતદાન અથવા અન્ય અધિકારો વિના નોમિનલ સભ્યોની નવી શ્રેણી રજૂ કરવામાં આવી છે. GCCI દ્રઢપણે માને છે કે, આપણે ગુજરાતના દરેક ખૂણેથી નાનામાં નાના એકમના પ્રશ્નોની રજૂઆત કરવી જોઈએ.
- નેટવર્કિંગને વધારવા અને GCCI અને અન્ય અગ્રણી સંસ્થાઓ વચ્ચે માહિતીના આદાન-પ્રદાનને સરળ બનાવવા માટે કારોબારી સમિતિમાં રેસિપ્રોકલ સભ્યપદ આપવામાં આવશે જે અન્ય રાજ્યોની અગ્રણી ચેમ્બરો/સંસ્થાઓ સાથે આદાન-પ્રદાન અને સરકાર સમક્ષ મજબૂત પ્રતિનિધિત્વ કરવામાં મદદ કરશે.
- કારોબારી સમિતિમાં ચૂંટાયેલ સભ્ય તરીકે ફરજીયાત એક ટર્મ પુરી કરેલ હોય તેઓ હાલમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ માટે ચૂંટણી લડી શકે. આ વર્તમાન વિકલ્પ ઉપરાંત એક નવો સીધો વિકલ્પ રજૂ કરવામાં આવ્યો છે જેમાં કારોબારી સમિતિમાં પ્રથમ ચૂંટાયા વિના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ માટે સીધા જ ચૂંટણી લડી શકે. આ વિકલ્પથી બિઝનેસ લીડર્સ GCCI ના લીડરશિપમાં આવવા પ્રેરાશે અને સભ્યોને તેમના બહોળા અનુભવનો લાભ મળશે. આવા ઉમેદવાર રૂ. 1000 કરોડ કરતાં વધુ ટર્નઓવર ધરાવતી સભ્ય બિઝનેસ સંસ્થાના પ્રમોટર- ડિરેક્ટર/ભાગીદાર/માલિક હોવા જરૂરી છે, અને તેમની પાસે તે જ બિઝનેસ સંસ્થામાં ઓછામાં ઓછો 5 વર્ષનો વ્યવસાયિક અનુભવ હોવો ફરજીયાત રહેશે. જો તે ભાગીદાર હોય તો તેની પાસે સભ્ય ભાગીદારી પેઢીમાં 25% થી વધુ હિસ્સો હોવો જોઈએ. આવા ઉમેદવારને ટેકો આપવા માટે કારોબારી સમિતિ દ્વારા પસંદ કરાયેલા પાંચ પૂર્વ પ્રમુખોની સમિતિ બનાવવાનું સૂચન આવ્યું હતું, જેને સ્વીકારવામાં આવ્યું હતું.
- તત્કાલીન પૂર્વ પ્રમુખને ચેમ્બરના હોદ્દેદાર તરીકે સામેલ કરવામાં આવશે અને કારોબારી સમિતિની બેઠકોમાં તેમને મતદાનનો અધિકાર હશે, જેથી તેમના કાર્યકાળ દરમિયાન તેમના દ્વારા શરુ કરાયેલ અગત્યના કાર્યો/પ્રોજેક્ટો પૂર્ણ થઈ શકે અને જ્યારે પ્રમુખને તેમની સલાહની જરૂર હોય ત્યારે તેઓ ઉપલબ્ધ હોઈ શકે.
- કારોબારી સમિતિના સભ્યો માટે લઘુત્તમ હાજરીની આવશ્યકતા 33% થી વધારીને 50% કરવામાં આવી છે, કારણ કે તે GCCI ની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવાની અને તેમના સભ્યોનું ખંતપૂર્વક પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી દરેક ચૂંટાયેલા/કો-ઓપ્ટ/આમંત્રિત સભ્યની છે.
- જે વર્તમાન સભ્યો કે જેમની ફી ન ચૂકવવાને કારણે સભ્યપદ રદ્દ થઈ ગયું હશે તેમને સભ્યપદની મુદત પૂરી થયાના 2 વર્ષની અંદર તેમના સભ્યપદને પુનઃ સક્રિય કરવા માટે લેટ ફી અને બાકી રકમ ચૂકવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. #bharatmirror #bharatmirror21 #news #gcci #egm #ahmedabad