નીતા લીંબાચિયા, અમદાવાદઃ
27 એપ્રિલ 2023:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આર્ટ ઓફ એન્કરિંગ પર આજે તા. 26 મી એપ્રિલ, 2023ના રોજ GCCI ખાતે “પાવર ઓફ એન્કરિંગ” પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ટોચના એન્કર, RJ મેઘા, મીસ ભક્તિ કુબાવત અને મીસ અમૃતા આચાર્ય આ સેમિનાર ના મુખ્ય વક્તા હતા. આ સેમિનારનો ઉદ્દેશ મહત્વાકાંક્ષી એન્કર અને વક્તાઓને ગુજરાતના ટોચના એન્કરોના અનુભવોમાંથી શીખવા અને વ્યવસાયની ગતિશીલતા વિશે વધુ સારી સમજ મેળવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો.
GCCIના માનદ ખજાનચી શ્રી અપૂર્વ શાહે સહભાગીઓનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, એન્કરિંગ એ કોઈપણ કાર્યક્રમનું નિર્ણાયક પાસું છે અને તે તેની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વધુમાં તેમણે ઉલ્લેખ કર્યો કે, આ સેમિનાર થકી GCCIનો ઉદ્દેશ્ય આ કલા ને શોધવાનો અને સફળ એન્કર બનવા માટે સહભાગીઓને જ્ઞાન અને કૌશલ્યથી સજ્જ કરવાનો છે.
શ્રી આસિત શાહ, ચેરમેન, ફિલ્મ, એન્ટરટેઈનમેન્ટ, મીડિયા એન્ડ ઈવેન્ટ્સ (FEME) કમિટીએ, FEME કમિટી વિશે સંક્ષિપ્ત પરિચય આપ્યો અને આ સેમિનારનું આયોજન કરવાના હેતુ વિષે જણાવ્યું હતું.
એન્કરોએ વ્યવસાયમાં પોતાની ઓળખ બનાવવા, કન્ટેન્ટ ક્રિએટિવિટીને કનેક્ટ કરવા અને જાહેરમાં વક્તવ્યની કળા પર તેમના મંતવ્યો રજુ કર્યા હતા. ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન એન્કરિંગ અને જાહેર વક્તવ્યના નિર્ણાયક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેમાં વ્યક્તિગત શૈલી વિકસાવવા, પ્રેક્ષકો સાથે જોડાણ અને આકર્ષક કન્ટેન્ટ બનાવવાના મહત્વનો સમાવેશ થાય છે.
ગુજરાતના સૌથી લોકપ્રિય રેડિયો જોકીમાંના એક RJ મેઘાએ એન્કરિંગ અને પબ્લિક સ્પીકિંગમાં સર્જનાત્મકતાના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે શો એન્કરિંગ કરતી વખતે શું ન કરવું તે અંગે તેઓના મંતવ્યો રજુ કર્યા અને વધુમાં કન્ટેન્ટને આકર્ષક કેવી રીતે બનાવવું, વિવિધ નવીન ફોર્મેટ સાથે પ્રયોગ કરવો અને સતત વિકસતા ઉદ્યોગમાં સુસંગત રહેવું તે અંગે જાણકારી આપી હતી. તેઓએ પ્રેઝેન્ટેશનને વધુ રસપ્રદ અને યાદગાર બનાવવા માટે વ્યક્તિગત અનુભવો અને વિઝ્યુઅલ સહાયનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ટીપ્સ પણ રજુ કરી હતી.
પ્રખ્યાત એન્કર અને ટીવી હોસ્ટ, મીસ ભક્તિ કુબાવતે, પ્રેક્ષકો સાથે જોડાવા અને તેમની સાથે સ્થાયી સંપર્ક સ્થાપવાની ભૂમિકા વિશે ચર્ચા કરી. તેઓએ પ્રેક્ષકોની પસંદગીઓને સમજવા, કન્ટેન્ટને સુસંગત રાખવા અને તેમની સાથે સંવાદના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જાહેરમાં બોલતી વખતે સ્ટેજનો ડર કેવી રીતે દૂર કરવો અને આત્મવિશ્વાસ કેવી રીતે વિકસાવવો તેની ટીપ્સ પણ રજુ કરી હતી.
ગુજરાતના ટોચના એન્કરોમાંના એક, મીસ અમૃતા આચાર્યએ વ્યક્તિગત બ્રાંડ બનાવવા અને સ્પર્ધાત્મક બજારમાં ટકી રહેવા અંગે તેમનું વિઝન રજુ કર્યું હતું. તેઓએ એન્કર માટે નિખાલસતા અને અનન્ય શૈલી વિકસાવવા અને એક મજબૂત વ્યક્તિગત નેટવર્ક બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેઓએ જાહેરમાં વક્તવ્ય વિકસાવવાના કૌશલ્યને કેવી રીતે સુધારવું તે અંગેની ટીપ્સ પણ રજુ કરી, જેમ કે, અરીસાની સામે પ્રેક્ટિસ કરવી, બોડી લેંગ્વેજ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને પ્રેક્ષકોને કનેક્ટેડ રાખવા માટે નાની વાર્તા કહેવાની તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ તેવું જણાવ્યું હતું.
સેમિનારને સહભાગીઓ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમે મહત્વાકાંક્ષી એન્કર અને સ્પીકર્સ માટે શીખવાની ઉત્તમ તક પૂરી પાડી હતી અને તેમને ઉદ્યોગની ગતિશીલતાની વધુ સારી સમજ મેળવવામાં મદદ કરી હતી.
એકંદરે GCCI ની FEME કમિટી દ્વારા આયોજિત આર્ટ ઓફ એન્કરિંગ અને પબ્લિક સ્પીકિંગ પરનો સેમિનાર ખૂબ જ સફળ રહ્યો અને સહભાગીઓને શીખવા માટે અને ઉદ્યોગના ટોચના વ્યાવસાયિકો સાથે નેટવર્ક કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું.