નીતા લીંબાચિયા, અમદાવાદઃ
20 એપ્રિલ 2023:.
તાજેતરમાં ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર, IAS ની અધ્યક્ષતામાં GCCI, FICCI, ASSOCHAM અને CII તેમજ અન્ય અગ્રણી ઉદ્યોગોના ઉદ્યોગકારો સાથે આર્થિક વિકાસ માટે સુમેળભર્યું વાતાવરણ ઊભું કરવા અને ઉદ્યોગો સાથે નિયમિત સંવાદ શરૂ કરવાના ઉદ્દેશ્ય સાથે આ મિટિંગ યોજાઈ હતી. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓની નવી ટીમની રચના બાદ, ડો. રાહુલ ગુપ્તા, IAS, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, GIDC, શ્રી સંદિપ સાગલે , IAS, ઉદ્યોગ કમિશનર અને ચેરમેન, iNDEXTb , શ્રી કુલદીપ આર્ય, IAS, અધિક ઉદ્યોગ કમિશનર અને અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ પણ આ પહેલી ઇન્ટરેક્ટિવ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્યોગ જગત દ્વારા આ પહેલની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. GCCI, FICCI, CII અને ASSOCHAM સહિત તમામ અગ્રણી ચેમ્બર્સના પદાધિકારીઓએ આ ખૂબ જ સકારાત્મક પગલાને આવકાર્યું છે જે અસરકારક નીતિ ઘડતરમાં તેમજ સમયબદ્ધ રીતે સમસ્યાઓના નિરાકરણમાં મદદ કરશે. આવી મિટિંગ ઉદ્યોગોને જરૂરી સહકાર અને સમયસર મદદ પણ પ્રદાન કરશે. શ્રી એસ.જે. હૈદરે ઉલ્લેખ કર્યો હતો કે, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં GCCIની રિજનલ ચેમ્બરો સાથે સમયાંતરે આ પ્રકારની મિટિંગો વારંવાર કરવામાં આવશે. જેના અનુસંધાને આજે રાજકોટ ખાતે ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે આવી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં ભવિષ્યમાં થનાર વાઈબ્રન્ટ ગુજરાત ઈવેન્ટ માટે ‘સ્ટાન્ડર્ડ વધારવા’ તરફના નવા વિચારો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. યોજાયેલ બેઠકમાં થયેલ કેટલીક મુખ્ય ચર્ચાઓનો સારાંશ નીચે મુજબ છે. મહત્વના ડેટાના સંગ્રહ અને વિશ્લેષણ માટે સિસ્ટમ વિકસિત કરવામાં આવશે. નેટ ઝીરો કલાઇમેટ ઈમ્પૅક્ટની અસર તરફ આગળ વધવા માટે ઉદ્યોગોનો સહકાર માંગવામાં આવશે. જ્ઞાન આધારિત સમાજને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવશે . 2025 સુધીમાં ભારતને $5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ઉભરતા ક્ષેત્રો અને નવી તકોની ઓળખ કરવામાં આવશે.
આ બેઠકમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની ગતિ જાળવી રાખવા માટે તેમના સૂચનો આપ્યા હતા. તેમના દ્વારા જણાવવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે: શ્રી પથિક પટવારી, પ્રમુખ- GCCI સરકાર દ્વારા આ ખૂબ જ સકારાત્મક પગલું છે, જે શરૂઆતના સ્તરે જ ઉદ્યોગના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં મદદ કરશે. GCCI ઉદ્યોગ સમસ્યાઓ ઓળખવા અને ઉકેલવા માટે સરકાર સાથે કામ કરવાનું ચાલુ રાખશે. ગુજરાતે ખાસ કરીને સરળતાથી મળી શકે તેવા લાભ મેળવવા પર ધ્યાન આપવું જોઈએ, જે રાજ્યને તેના આર્થિક વિકાસને આગળ વધારવા અને સિદ્ધિઓની અપ્રતિમ ઊંચાઈ સુધી પહોંચવામાં સક્ષમ બનાવશે. શ્રી રાજીવ ગાંધી, ચેરમેન, FICCI ગુજરાત રાજ્ય કાઉન્સિલ: FICCI ઔદ્યોગિક વિકાસ તરફ દોરી જતી ગુજરાત રાજ્યની તમામ પહેલો પ્રત્યે તેની સક્રિય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે. ફાર્મા અને કેમિકલ ઉદ્યોગોમાં ગુજરાત અગ્રેસર છે ત્યારે ગુજરાત આવનારા દિવસોમાં ઉડ્ડયન ક્ષેત્રનું હબ બની શકે છે. વધુમાં, જો કેન્દ્ર અને રાજ્યના ઉદ્દેશ્યોને સમરસ કરવામાં આવે આવે તો તે ઉચ્ચ વૃદ્ધિ દર હાંસલ કરી શકે છે.
શ્રી ચિંતન ઠાકર, ચેરમેન, ASSOCHAM :
ASSOCHAM રાજ્યની તમામ અગ્રણી ચેમ્બર ઓફ કોમર્સને એક સામાન્ય પ્લેટફોર્મ પર એકસાથે લાવવાની ગુજરાત સરકારની આ પહેલની પ્રશંસા કરે છે. એ નોંધવું આનંદદાયક છે કે તમામ ચેમ્બરો હાલમાં ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગોને હાથ ધરવા અને તેમની વૃદ્ધિ અને વિકાસને ટેકો આપવા માટે સાથે મળીને કામ કરી રહી છે.
શ્રી દર્શન શાહ, ચેરમેન, CII, ગુજરાત:
CII ઉદ્યોગના હોદેદ્દારો સાથે આવી ભવિષ્યમાં પણ મિટિંગ થશે તેવી આશા રાખે છે, જે ગુજરાતના ઉદ્યોગો માટેની શક્તિઓ અને તકોને ઓળખવામાં અને તેનો લાભ ઉઠાવવા માટે અત્યંત ફાયદાકારક રહેશે. CII વેલ્યુ એડિશન અને ઉદ્યોગની જરૂરિયાતો અને સરકારી નીતિઓ વચ્ચેના અંતરને દૂર કરવા સરકાર સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે.