નીતા લીંબાચિયા, અમદાવાદઃ
08 એપ્રિલ 2023:
દેશનાં ચુનંદા તસ્વીરકારોનાં ફોટોગ્રાફ્સ સહિતનાં ફોટોગ્રાફીનાં વિવિધ પાસાઓને આવરી લેતો નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલનો અમદાવાદમાં આરંભ થયો છે. નવજીવન ટ્રસ્ટ અને અન્ય સહયોગી સંસ્થાઓનાં ઉપક્રમે યોજાઈ રહેલો આ ફેસ્ટીવલ નવજીવન ટ્રસ્ટ કેમ્પસમાં તા. 9 એપ્રિલ 2023 સુધી ચાલશે.
આ અંગે માહિતી આપતા નવજીવન ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિવેક દેસાઈએ જણાવ્યું હતું કે નવજીવન ટ્રસ્ટ અને અન્ય સહયોગી સંસ્થચાઓ દ્વારા ગુજરાતમાં સર્વપ્રથમવાર નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલનું આયોજન કર્યુ છે. તેમાં દેશનાં જાણીતાં ફોટોગ્રાફર્સનાં ફોટોગ્રાફી એક્ઝિબિશન્સ, પોર્ટફોલિયો એક્ઝિબિશન્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ ફેસ્ટીવલમાં સ્ટ્રીટ એન્ડ ટ્રાવેલ ફોટોગ્રાફી વર્કશોપ અને ક્રિયેટીવ નેચર ફોટોગ્રાફી વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી વિવેક દેસાઈએ જણાવ્યું કે શાહીદુલ આલમ, સુચિ કપુર અને નતાશા રાહેજા, અનુશ્રી ફડનવિસ, પ્રશાંત પંજિયાર, સુધારક ઓલ્વે, અમિત દવે, ધ્રિતીમાન મુખર્જી અને વરૂણ આદિત્ય જેવા ટોચનાં ફોટોગ્રાફર્સનાં ફોટોગ્રાફી એક્ઝિબિશન્સ આ ફેસ્ટીવલમાં જોવા મળશે. આ ઉપરાંત શિવાંગ મહેતા, ઈન્દ્રજીત ખાંબે, મનીષ લાખાણી, અનેરી નિહલાની, લોપામુદ્રા તાલુકદાર અને જયેશ જોષી જેવા ફોટોગ્રાફર્સનાં પોર્ટફોલિયો એક્ઝિબિશન્સ પણ આ ફેસ્ટીવલનું આકર્ષક પાસુ બની રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે તા. 7 અને 8 એપ્રિલ 2023નાં રોજ લોપામુદ્રા તાલુકદાર દ્વારા સ્ટ્રીટ એન્ડ ટ્રાવેલ ફોટોગ્રાફી વર્કશોપ અને તા. 8 એપ્રિલ અને તા. 9 એપ્રિલ 2023 દરમિયાન સૌરભ દેસાઈ દ્વારા ક્રિયેટીવ નેચર ફોટોગ્રાફી વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી વિવેક દેસાઈએ વધુમાં જણાવ્યું કે તા. 6 થી તા. 9 એપ્રિલ 2023 દરમિયાન યોજાઈ રહેલા આ ફેસ્ટીવલમાં ફોટોગ્રાફર્સનાં ઈન્ટરેક્ટીવ સેશન્સ પણ રાખવામાં આવ્યા છે. જેનાથી ફોટોગ્રાફી ચાહકોને આ નિષ્ણાતોનાં જ્ઞાન અને અનુભવનો લાભ મળશે.
નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલ સવારે 11 કલાકથી રાત્રિનાં 9 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.