વિયેતનામના ભારત ખાતેના એમ્બેસેડર હીઝ એક્સેલન્સી મી. નગ્યુએન થાન્હ હૈના નેતૃત્વમાં વિયેતનામ ના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે તારીખ 3 માર્ચ, 2023 ના રોજ જી.સી.સી.આઈ ની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો ખાસ ઉદેશ બંને દેશો વચ્ચે ઉદ્યોગ વિષયક દ્વિપક્ષીય સંબંધો અને સહકારની સંભાવના પર ચર્ચા કરવાનો હતો.
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
04 માર્ચ, 2023:
વિયેતનામના આ પ્રતિનિધિમંડળમાં મંત્રી કાઉન્સેલર શ્રી દો થાન્હ હૈ, ગુજરાતના વિયેતનામના કોન્સ્યુલશ્રી સૌરીન શાહ, કાઉન્સેલર શ્રી બુઇ ટુંગ થુઓંગ, રિપોર્ટર શ્રી ફાન થાન્હ તુંગ અને ઇકોનોમિક એટેચીશ્રી ગુયેન લુઓંગ ડ્યુકનો સમાવેશ થતો હતો. તેઓની મિટિંગ, GCCIના પ્રમુખ શ્રી પથિક પટવારીની આગેવાનીમાં GCCIના પદાધિકારીઓની ટીમ અને GCCIના અગ્રણી સભ્યો સાથે સંપન્ન થઈ હતી.
GCCIના પ્રમુખ શ્રી પથિક પટવારીએ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું અને GCCI દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપ્યો હતો અને ગુજરાત રાજ્યમાં વ્યાપાર-ઉદ્યોગની વિવિધ તકો વિષે માહિતી પુરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉત્પાદન ક્ષમતા, રોકાણની તકો અને ઓપરેશનલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું ટોચનું ઔદ્યોગિક રાજ્ય છે. ગુજરાતના GSDPએ 13% વૃદ્ધિ દર દર્શાવ્યો છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાત રોકાણના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.
તેઓએ ટાટા ગ્રુપનો દાખલો આપતા જણાવ્યું હતું કે હાલમાં જ એરબસ કંપનીએ આ ગ્રુપ સાથેનો ગુજરાતમાં C-295 એરક્રાફ્ટ બનાવવા માટેનો રૂ 22,000 કરોડનો પ્રોજેક્ટ પ્રાપ્ત કરેલ છે. તેમજ સાથે સાથે સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન માટેની વિશાળ ફેસિલિટી ઉભી કરવા વેદાંત ગ્રુપ તેમજ ફોક્સકોન કંપનીએ પણ $19.5 બિલિયનનનું રોકાણ ગુજરાતમાં કરવાનો નિર્ણય લીધેલ છે.
એમ્બેસડર શ્રી ન્ગ્યુએન થાન્હ હૈએ વિયેતનામ અને ગુજરાત વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે અનેકવિધ તકો વિષે ચર્ચા કરવા પરત્વે રસ દર્શાવ્યો હતો. તેઓએ કૃષિ, પ્રવાસન, શિક્ષણ અને માહિતી ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર અને સંબંધો મજબૂત કરવા બાબતે ભાર મૂક્યો હતો. તેઓએ વિયેતનામ અને ભારત વચ્ચે FTA અને CETAની સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરી હતી, જે થકી બંને દેશો વચ્ચેના વેપાર અને રોકાણ સંબંધોને ચોક્કસ વધુ વેગ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ વિયેતનામ અને ભારત વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને સહકારને મજબૂત કરવાના પ્રયાસોમાં ગુજરાતને એક અગત્યના ભાગીદાર તરીકે જુએ છે અને ખાસ કરીને ગુજરાત – GCCI અને તેના સભ્યો સાથે,
સહયોગ અને રોકાણની નવી તકો શોધવા માટે અને બંને રાષ્ટ્રો વચ્ચે આર્થિક સંબંધો ઘનિષ્ઠ કરવા માટે કામ કરવા પ્રતિબદ્ધ છે. H.E એમ્બેસેડર શ્રી હૈએ જણાવ્યું હતું કે કપાસના પાક માટે બંને દેશો વચ્ચે એક ચોક્કસ કોમોડિટી ગ્રુપની સ્થાપના કરવી જોઈએ. સાથે સાથે તેઓએ GCCI પ્રતિનિધિમંડળને વિયેતનામની મુલાકાત લેવા પણ આમંત્રણ પાઠવ્યું હતું.
GCCI એ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ માટેની નવી તકો શોધવા માટે વિયેતનામના પ્રતિનિધિમંડળ સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શિક્ષણ, પ્રવાસન અને કાપડ જેવા ક્ષેત્રોમાં સહયોગ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. તે પણ ચર્ચા થઈ હતી કે લેવાયેલા નિર્ણયોના સરળ અમલીકરણ તેમજ વધુ ફળદાયી સંવાદ માટે, વિયેતનામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને GCCI વચ્ચે એક MOU મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થવું જોઈએ. બંને દેશોમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વિયેતનામ માંથી ગુજરાતમાં કાયમી પ્રતિનિધિત્વ સ્થાપિત કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બંને પક્ષોએ સહયોગ અને રોકાણ માટેની નવી તકો શોધવા પરત્વે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમજ વિયેતનામના પ્રતિનિધિમંડળે GCCIનો તેઓની મહેમાનગતિ માટે અને ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર માન્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #networkingmeeting #vietnam #gcci #ahmedabad