સાબરકાંઠા મોટર એકસીડેન્ટ કલેઇમ ટ્રિબ્યુનલનો મહત્વનો ચુકાદો – વારસોની વળતર અરજી મંજૂર
ટ્રિબ્યુનલે અકસ્માત સર્જનાર કારના ડ્રાઇવર, માલિક અને વીમા કંપનીની સંયુકત રીતે જવાબદારી ઠરાવી વળતર ચૂકવવા આદેશ કર્યો
અમદાવાદ,તા.31
સાબરકાંઠા જિલ્લાની મોટર એકસીડેન્ટ કલેઇમ ટ્રિબ્યુનલે એક મહત્ત્વના ચુકાદા મારફતે વાહન અકસ્માતમાં મૃત્યુ પામનાર પતિ-પત્નીના વારસોને રૃ.૮૬ લાખ, ૨૫ હજાર જેટલું માતબર વળતર ચૂકવવા વીમા કંપની અને અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર ગાડીના માલિકને ફરમાન કર્યું છે. એડિશિનલ સેશન્સ જજ એસ.એમ.રાજપુરોહિતે પ્રસ્તુત કેસમાં અકસ્માત સર્જનાર કારના ડ્રાઇવર, માલિક અને વીમા કંપની ભારતી એક્ઝા જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની સંયુકત રીતે વળતર આપવા જવાબદારી ઠરાવી હતી. અગાઉ પત્નીના મૃત્યુના કેસમાં વળતરનો હુકમ ટ્રિબ્યુનલે કરી દીધો હતો અને હવે પતિના મૃત્યુના કેસમાં નોંધપાત્ર વળતરનો હુકમ ટ્રિબ્યુનલે કર્યો છે.
વાહન અક્સ્માતમાં ગુજરી જનાર દંપતિના પુત્રી દિક્ષીતાબહેન અને પુત્ર ધવલભાઇ દ્વારા અકસ્માત વળતર મેળવવા માટે સાબરકાંઠા જિલ્લાની મોટર એકસીડેન્ટ કલેઇમ ટ્રિબ્યુનલ, ઇડર સમક્ષ દાખલ કરેલી વળતર અરજીમાં સિનિયર એડવોકેટ અરવિંદ જે.પટેલ અને ભૂપેન્દ્ર જે.પટેલે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ગત તા.૧૭-૧-૨૦૧૭ના રોજ અરજદારના પિતા મનસુખભાઇ ગમાર તેમના પત્ની અને સંબંધીઓ સાથે તેમની જીજે-૨-એસી-૯૧૨૮ નંબરની અલ્ટો ગાડીમાં અંબાજી ખેડબ્રહ્મા હાઇવેે પર હડાદ ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ખેડબ્રહ્મા તરફથી પૂરપાટ ઝડપે સામેથી રોંગ સાઇડમાં આવેલી જીજે-૦૬-જેઇ-૮૯૧૯ નંબરની ફોર્ચુયનર ગાડીએ અલ્ટો ગાડીને જોરદાર ટક્કર મારી હતી અને આ ગમખ્વાર અકસ્માતમાં મનુસખભાઇ અને તેમના પત્ની બંનેના કરૃણ મોત નીપજયા હતા.
પ્રસ્તુત કેસમાં ફોર્ચ્યુનર ગાડી રોંગ સાઇડમાં આવી હતી અને તેના ચાલક તેમ જ માલિકની ગંભીર બેદરકારી અને જવાબદારી સ્પષ્ટ થાય છે, તેથી ડ્રાઇવર, માલિક અને વીમા કંપની તમામ લોકો અરજદારોને વળતર ચૂકવવા માટે સંયુકત રીતે જવાબદાર ઠરે છે. અગાઉ આ કેસમાં ગુજરી જનાર મનુસખભાઇના મૃતક પત્નીના કેસમાં ટ્રિબ્યુનલે વારસોને પૂરતુ વળતર અપાવ્યું છે અને હવે મૃતક પતિ મનસુખભાઇના પ્રસ્તુત કેસમાં પણ વારસોને યોગ્ય વળતર ચૂકવવા ટ્રિબ્યુનલ સમક્ષ અરજ કરવામાં આવી હતી.
મૃતક મનસુખભાઇ ફાર્માસીસ્ટ હતા તે મુદ્દે અરજદારપક્ષ તરફથી એડવોકેટ અરવિદ જે.પટેલે ટ્રિબ્યુનલનું ધ્યાન દોર્યું હતું કે, મૃતક મનસુખભાઇ ફાર્માસીસ્ટ તરીકે નોકરી કરતા હતા, તે અંગેના પગાર, આવક સહિતના આધાર પુરાવાઓ અને પ્રમાણપત્ર સહિતના અગત્યના દસ્તાવેજો ધ્યાને લઇ અરજદારોને યોગ્ય અનેે પૂરતુ વળતર અપાવવા મહત્ત્વની દલીલો કરી હતી. જે ગ્રાહ્ય રાખી ટ્રિબ્યુનલે પ્રસ્તુત કેસમાં ફોર્ચ્યુનર ગાડીના ડ્રાઇવર, માલિક અને વીમા કંપની ભારતી એકઝા જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને આ અક્સ્માતના વળતર માટે સયુકત રીતે જવાબદાર ઠરાવી બહુ મહત્ત્વના ચુકાદા મારફતે અરજદાર વારસોને રૃ. ૮૬લાખ, ૨૫ હજાર જેટલું માતબર વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ટ્રિબ્યુનલે મૃતક દંપતિ પૈકી પત્નીના કેસમાં વારસોને દસ લાખ રૃપિયા જેટલું વળતર આપતો હુકમ કર્યો હતો. જયારે હવે પતિના મૃત્યુના કેસમાં પણ વીમા કંપની સહિતના લોકોને જવાબદાર ઠરાવી રૃ.86.25 લાખનું વળતર ચૂકવવાનો બહુ મહત્વનો હુકમ કર્યો હતો, જે નોંધનીય છે.
#bharatmirror #bharatmirror21 #news