પ્રધાનમંત્રીશ્રી આઇકેડીઆરસી દ્વારા સંચાલિત ‘વન ગુજરાત વન ડાયાલિસિસ’ પ્રોગ્રામ હેઠળ 188 ડાયાલિસિસ કેન્દ્રોનું લોકાર્પણ કરશે.
નીતા લીંબાચિયા, અમદાવાદ, 09 ઓક્ટોબર, 2022:
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબર મંગળવારના રોજ અસારવામાં મંજુશ્રી મિલ્સ કમ્પાઉન્ડ ખાતે ભારતના સૌથી મોટા મલ્ટીપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે ત્યારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી) એક નવી સફરનો પ્રારંભ કરશે.
આ 850 બેડની ક્ષમતા ધરાવતા આધુનિક સેન્ટરનું નિર્માણ રૂ. 408 કરોડના ખર્ચે કરાયું છે, જે મલ્ટીપલ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાઓ હાથ ધરવા માટે અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક અને ક્લિનિકલ સુવિધાઓથી સજ્જ છે. આ સેન્ટર 11 માળની બિલ્ડિંગ (2 બેઝમેન્ટ વત્તા ગ્રાઉન્ડ ફ્લોર)માં દર્દીઓને સગવડતાયુક્ત અને આરામદાયક સેવાઓ પ્રદાન કરવાના હેતુથી ડિઝાઇન કરાયું છે.
આઇકેડીઆરસીની નવી બિલ્ડિંગમાં 22 હાઇ-ટેક ઓપરેશન થિયેટર્સ રહેશે, જેમાં 10 મોડ્યુલર અને 10 નોન-મોડ્યુલર ઓટીની સાથોસાથા ઇમર્જન્સી પ્રક્રિયા માટે બે મીની થિયેટર્સ રહેશે. નવી બિલ્ડિંગમાં 850 બેડ્સના ઉમેરા તથા મેડિસિટી કેમ્પસ- કિડની હોસ્પિટલમાં હાલ 400 બેડ સાથે કુલ ક્ષમતા વધીને 1250 બેડ થઇ છે, પ્રી અને પોસ્ટ-ટ્રાન્સપ્લાન્ટ કેરની જરૂરિયાત ધરાવતા મોટી સંખ્યામાં દર્દીઓને સમાવી શકે છે. તે ઉપરાંત 12 અલ્ટ્રા-મોર્ડન ઇન્ટેન્સિવ કેર યુનિટ્સમાં 100થી વધુ દર્દીઓ માટે સંયુક્ત રોકાણની સુવિધાનો પણ પ્રારંભ થયો છે, જેથી પ્રી અને પોસ્ટ-ઓપરેટિવ ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને કોઇપણ તબક્કે ઇન્ફેક્શનથી દૂર રાખી શકાય છે.
આ નવનિર્મિત બિલ્ડિંગમાં વિશ્વ-સ્તરીય આધુનિક બ્લડ બેંક અને લેબોરેટરીઝ પણ છે, જે ઇમ્યુનોલોજી ટેસ્ટ, પીએલએ મેચ અને સ્ટેમ સેલ ટેસ્ટિંગ વગેરે હાથ ધરી શકે છે. આઇકેડીઆરસીએ ભારતમાં બે ગર્ભાશય પ્રત્યારોપણ કરનાર પ્રથમ સરકાર માન્ય ટ્રાન્સપ્લાન્ટ oસેન્ટર બનવાની સિદ્ધિ હાંસલ કરી છે, જે માટે તેણે એયુએફઆઇ (એબ્સોલ્યુટ યુટરાઇન ફેક્ટર ઇન્ફર્ટિલિટિ) મહિલાઓ ઉપર આ દુર્લભ ટ્રાન્સપ્લાન્ટ કરવા ઓગસ્ટ 2022માં ગુજરાત સરકાર પાસેથી મંજૂરી મેળવી હતી.
આઇકેડીઆરસી-આઇટીએસના ડાયરેક્ટર ડો. વિનિત મિશ્રાએ પત્રકારોને કહ્યું હતું કે, ડાયગ્નોસ્ટિક અને કન્સલ્ટેશન રિપોર્ટ્સની હાર્ડકોપી રાખવાની ચિંતા કર્યાં વિના દર્દીઓને અનુકૂળ સારવાર પ્રદાન કરવા માટે નવા પરિસરમાં સંપૂર્ણ પેપરલેસ પ્રક્રિયા અપનાવી છે. દરેક દર્દીની ઓળખ વિશિષ્ટ કોડથી કરાશે, જે પરિસરમાં દરેક સ્ક્રીન ઉપર કેસની હિસ્ટ્રી દર્શાવશે.
નવી બિલ્ડિંગમાં દાખલ થતાં દર્દીઓને વિવિધ સરકારી યોજનાઓ જેમકે પીએમ-જેએવાય, સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ, એસસી/એસટી કાર્ડ, બીપીએલ કાર્ડ, એલઆઇજી, સીએમ ફંડ અને પીએમ ફંડ તથા સ્વૈચ્છિક દાન વગેરે હેઠળ વાજબી ખર્ચે અથવા વિનામુલ્યે સારવારના લાભો મળશે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વન ગુજરાત, વન ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ સમગ્ર ગુજરાતમાં 188 ડાયાલિસિસ સેન્ટર્સનું લોકાર્પણ કરશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ તમામ 252 તાલુકામાં ડાયાલિસિસની સુવિધા પૂરી પાડવાનો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (કિડની હોસ્પિટલ), અમદાવાદ અને ગુજરાત સરકારના સહયોગથી ગુજરાતના તમામ જિલ્લામાં આ ડાયાલિસિસ સેન્ટર્સને કાર્યરત, જાળવણી અને તજજ્ઞો તથા ટેક્નિશ્યનોની સેવા પુરી પાડશે.
આઇકેડીઆરસી અમદાવાદ ખાતે સેન્ટ્રલ સર્વર દ્વારા ત્રણ સ્તરે તમામ જીડીપી સેન્ટર્સમાં દરેક ડાયાલિસિસ સેશન પર કિડની હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટ અને ટેકનીશીયન સતત નજર રાખે છે. રાજ્યભરના 188 સેન્ટર્સમાં દર્દીઓ વિનામૂલ્યે ડાયાલિસિસની સારવાર મેળવી શકે છે તથા તેમના ડાયાલિસિસ સેશનના ગુણવત્તાયુક્ત પરિણામ માટે રિયલ ટાઇમ વિશ્લેષણ તથા ટેલી-મોનિટરિંગની સુવિધાનો લાભ મળશે.
#bharatmirror #bharatmirror21 #news #multi-organtransplantcentre #dr.vineetmishra #ikdrc-its #ahmedabad