નીતા લીંબાચીયા, અમદાવાદ
30 જૂન 2022:
અમદાવાદમાં આશરે 70 વર્ષના સાધુ જેવા ભેખધારી વયો વૃદ્ધ સવારે પાંચ વાગ્યે પોતાના જગ્યાએ પહોંચે એ પહેલાં લોકો તેમની રાહ જોતા ઊભા હોય છે. છેલ્લા 12 વર્ષથી સતત અમદાવાદમાં બાબુભાઈ વાળંદ લોકોને આરોગ્યપ્રદ જ્યૂસ પીવડાવે છે.
એ પણ ફક્ત પાંચ રૂપિયામાં. બાબુભાઈના આયુર્વેદિક જ્યૂસ પીવા લોકો દૂર દૂરથી આવે છે. અને આશરે રોજના 300 ગ્રાહકો તેમનો હેલધી અલગ અલગ પ્રકારના જ્યુસ પીવા આવે છે. અમદાવાદમાં CTM વિસ્તારમાં જોગેશ્વરી BRTS સ્ટેન્ડ પાસે ફૂટપાથ પર બાબુભાઇ વાળંદ છેલ્લાં 12 વર્ષથી ઊભા રહે છે.
વહેલી સવારે 5 વાગ્યે તેઓ રેંકડીમાં અલગ અલગ બરણીમાં જ્યૂસ ભરીને પહોંચી જાય છે . બાબુભાઇ દસ પ્રકારના જ્યૂસ બનાવે છે. કડવું કરિયાતું , આમળાં , બીટ , ગાજર , દૂધી , કારેલાં , લીમડાં , મેથી અને આદું . આ દરેક જ્યૂસ આરોગ્ય માટે ગુણકારી છે. બાબુભાઈ રાત્રે 2 વાગ્યે ઊઠી જાય છે. અને જ્યૂસ બનાવવાનું શરૂ કરે છે.
એ બનાવતાં તેમને બે કલાક જેટલો સમય લાગી જાય છે. આ કામમાં તેમનાં પત્ની શાંતાબેન તેમનો સાથ આપે છે. તેમનો 36 વર્ષનો માનસિક રીતે હતાશ પુત્રને પણ સાચવવાનો હોય છે. બાદમાં પાંચ વાગ્યે બાબુભાઇ ગાયત્રી મંદિરની સામે પૂઠપાથ ઉપર બેસીને લોકોને આરોગ્યપ્રદ જ્યુસ માત્ર ને માત્ર 5 રૂપિયામાં પીવડાવે છે. બાબુભાઈનું કહેવું છે કે તેમને બંગલો કે ગાડી નથી લાવવી, તો પછી ભાવ કેમ વધારું ? બાબુભાઈએ જણાવ્યું હતું , ‘ બાર વર્ષથી આ ધંધો કરું છું અને શરૂઆતથી જ અત્યારસુધી જ્યૂસનો ભાવ નથી બદલ્યો . ભાવ વધારવાની કોઈ ઈચ્છા પણ નથી.
લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને આરામ થાય એમાં હું ખુશ છું . ઉપરાંત મારા રોટલા નીકળે એટલું મને મળી રહે છે. તેથી તેમને વધુ પૈસાની જરૂર નથી. બધું રામભરોસે ચાલે છે.
#bharatmirror #bharatmirror21 #news #babubhaivaland #heldhijyus #ahmedabad