વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવસારીના ખુડવેલ ખાતે યોજાયેલા ગુજરાત ગૌરવ અભિયાનમાં વિશાળ જનશક્તિને સંબોધન કરતા ગૌરવ સહ જણાવ્યું કે, સુશાસનના આઠ વર્ષ અમે દેશના ગરીબોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવામાં સમર્પિત કર્યા છે. વિકાસ કામો એ અમારા માટે કોઇ રાજકીય બાબત નથી, પણ એ અમારો સેવાનો સંકલ્પ છે અને તેને પૂર્ણ કરી રહ્યા છીએ.
ગુજરાતના આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસની નેમ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવસારી, સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂ. ૩૦૫૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું.
અશ્વિન લીંબાચીયા,
10 જૂન 2022:
જેમાં અંદાજીત રૂ.૯૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, રૂ.૬૫૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને રૂ. ૧૫૦૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કર્યું હતું. આમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭ યોજનાઓના લોકાર્પણ, ૧૨ યોજનાઓના ખાતમુહૂર્ત અને ૧૪ યોજનાઓનું ભૂમિપૂજન એક જ દિવસમાં એક જ સ્થળેથી સંપન્ન કર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ નવસારી ખાતે અંદાજીત રૂ. ૫૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું પણ ભૂમિપૂજન કર્યું હતું.
આઝાદી બાદની તત્કાલિન સરકારોમાં વિકાસને પ્રાથમિક્તા આપવામાં આવી નહોતી, તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, અમારી સરકારે ગરીબ, વંચિત, પછાતો, મહિલાઓ સહિત આદિવાસી વિસ્તારોમાં આવાસ, વીજળી, શૌચાલય, ગેસ જોડાણ, પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું છે. એટલું જ નહીં દુર્ગમ અને દૂરદરાજના વિસ્તારોની ચિંતા કરી કરોડો લોકોના સપનાઓ અને આંકાક્ષાઓ પૂર્ણ કરવા સાથે અનેક નવા ક્ષેત્રોને વિકાસમાં જોડવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
આદિવાસી સામર્થ્ય અને સંકલ્પની ભૂમિ પર ગુજરાત ગૌરવ અભિયાનમાં સહભાગી બનવું એ મારા માટે પણ ગર્વની વાત છે તેવું કહેતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતે છેલ્લા બે દાયકામાં વિકાસની નૂતન ક્ષિતિજો સર કરી છે. વિકાસ માટે નવી આકાંક્ષા અને અપેક્ષાઓ ઉભી થઇ છે, તેને ગુજરાતની ડબલ એન્જીનની સરકાર પ્રમાણિક્તાથી આગળ વધારી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ શ્રી સી. આર. પાટીલની જોડી લોકોમાં નવો ઉત્સાહ જગાવી રહી છે.
તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાને મળી રહેલા રૂ. ૩૦૫૦ કરોડના આ વિકાસ કામોથી આ વિસ્તારના તમામ લોકોનું જીવન સુખમય તો બનશે જ સાથે સાથે આદિવાસી વિસ્તારોમાં રોજગારીના અવસરો પણ ઉભા થશે.
આ વિસ્તાર સાથે પોતાના ભૂતકાળના સંસ્મરણો વાગોળતા શ્રી મોદીએ એ કહ્યું કે, ચીખલીના લોકોએ મને ક્યારેય ભૂખ્યો સુવા દીધો નથી. આદિવાસી પરિવારો પાસેથી મને ઘણુ શીખવા મળ્યું છે. તેમની સ્વચ્છતા, સુઘડતા અને અનુશાસન અનુકરણીય છે, એટલું જ નહી, આ સમાજની સમજદારીપૂર્વકની જીવનશૈલી છે. આદિવાસી સમાજ સામુદાયિક જીવન સાથે જળ, જમીન અને જંગલ સાથે જોડાઇને તેનું સંરક્ષણ કરે છે તેની પણ પ્રસંશા વડાપ્રધાનશ્રીએ કરી હતી.
આઠ વર્ષ પહેલા તમે મને આશીર્વાદ આપી બહુ ઉમ્મીદો સાથે રાષ્ટ્રસેવા કરવા માટે દિલ્હી મોકલ્યો હતો, તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, ગરીબોનું સશક્તિકરણ એ અમારી સરકારની પ્રાથમિક્તા અને પ્રતિબદ્ધતા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ કહ્યું કે, હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરવાનું અભિયાન ઉપાડ્યું હતું. આદિવાસી વિસ્તારોના બાળકો પ્રતિભાશાળી હોય છે. પણ, તેમને તબીબ કે ઇજનરે બનવાની તક મળતી નહોતી. પરંતુ, વિજ્ઞાન પ્રવાહની શાળા શરૂ કરવાના અભિયાનથી શરૂ થયેલી સફર હવે ઇજનેરી, મેડિકલ કોલેજ સુધી વિસ્તરી છે. આદિવાસી વિસ્તારોમાં ગોવિંદ ગુરુ અને બિરસા મુંડા યુનિવર્સિટી શરૂ કરી છે. આદિવાસી યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે માતૃભાષામાં તબીબી શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. નવસારીમાં રૂ. ૫૪૨ કરોડના ખર્ચે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બનવા જઇ રહી છે. જેનો આ વિસ્તારના ૧૦ લાખ લોકોને આરોગ્યલક્ષી સેવાનો લાભ મળશે, એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
પહેલા એવું બનતું કે, કોઇને રસી આપવાની હોય તો દુર્ગમ વિસ્તારોમાં પહોંચતા વર્ષો લાગતા હતા. તદ્દઉપરાંત બેંકિંગ સેવાઓ તો ત્યાં ઉપલબ્ધ નહોતી. પણ, અમે તમામ લોકોને કોવિડ સામેની રસી નિઃશુલ્ક આપી છે. બેંકમાં ખાતા ખોલાવ્યા. અમે ગરીબ કલ્યાણને લક્ષ્ય બનાવી ગરીબોને સશક્ત કરવા માટે ૧૦૦ ટકા લાભાર્થીઓને યોજનાકીય લાભો આપવા અભિયાન શરૂ કર્યું છે. આદિવાસી વિસ્તારોમાં પાત્રતા ધરાવતો એક પણ લાભાર્થી લાભથી વંચિત ના રહી જાય એ માટે તેજ ગતિથી કામ કરી રહ્યા છીએ.
ગુજરાત સરકારે પણ શત પ્રતિશત લાભાર્થીઓને આવરી લેવા માટે પૂરી તાકાતથી અભિયાન ઉપાડ્યું છે તે અભિનંદનને પાત્ર છે એમ પણ વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની કાર્યદક્ષતાની પ્રસંશા કરતા જણાવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું કે, કેટલાક લોકોને એવું લાગે છે કે ચૂંટણી આવે એટલે વિકાસના કામો કરવામાં આવે છે. પરંતુ આ લોકોને મારો પડકાર છે કે મારૂ એક પણ અઠવાડિયું એવું શોધી લાવે કે જેમાં અમે વિકાસનું કામ ના કર્યું હોય. વિકાસ એ અમારા માટે રાજનીતિનો વિષય નથી, પણ એ અમારી લોકસેવાની પ્રતિબદ્ધતા અને લોકકલ્યાણનો અવસર છે. તેનાથી જ અમને જનતાના આશીર્વાદ મળે છે એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.
કુદરતી પડકારોનો સામનો કરીને અમલી બનાવવામાં આવેલા અસ્ટોલ પ્રોજેક્ટની પ્રશંસા કરતા શ્રી મોદીએ એમ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૮માં મેં જ્યારે આ પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે કેટલાક લોકોને એમાં ચૂંટણી દેખાતી હતી. પણ આજે અમે ગર્વ સાથે કહીએ છીએ કે નેવાના પાણી મોભે નહીં પણ ૨૦૦ માળની ઉંચાઇએ ચઢાવી આદિવાસી પરિવારોના ઘર સુધી પીવાનું પાણી પહોંચાડ્યું છે. જે કામનું અમે ખાતમુહૂર્ત કરીએ છીએ, એનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. આ યોજનાનો કેસ સ્ટડી તરીકે અભ્યાસ કરવા ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ અને અદ્યાપકો, નિષ્ણાંતોને આહ્વાન કર્યું હતું.
તેમણે જણાવ્યું કે, પ્રજા માટે જીવવાનું, પ્રજાના કલ્યાણ માટે ખપી જવાના મંત્ર સાથે સત્તાને અમે સેવાનું સાધન બનાવ્યું છે. સેવામાં રાજકીય બાબતોને ટાળી સમાજ માટે કલ્યાણકારી કામ કરી રહ્યા છીએ. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોના સર્વાંગીણ વિકાસ માટે અમે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. જેનું અત્યારે ચોથું ચરણ ચાલી રહ્યું છે. વિકાસને સર્વાંગીણ, સર્વસ્પર્શી, સર્વસમાવેશક બનાવી તમામ વર્ગને આવરી લેવાની દિશા ઉપર અમે ચાલી રહ્યા છીએ. ગુજરાત સરકાર પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમયબદ્ધ આયોજન દ્વારા સમાજના છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવા માટે કામ કરી રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકારે જ્યાં માનવી ત્યાં સુવિધાનો ધ્યેય પાર પાડ્યો છે. વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિનો માર્ગ બતાવ્યો છે
ટીમ ગુજરાત’’ વડાપ્રધાનશ્રીના ચિંધેલા રાહ પર ચાલવા સંકલ્પબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વની ડબલ એન્જીનની સરકારનો લાભ ગુજરાતને મળ્યો છે. શ્રી નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં સરકારના પ્રયાસોના નક્કર અને વાસ્તવિક પરિણામો પાછલા ૮ વર્ષમાં ગુજરાત સહિત દેશની જનતાએ જોયા છે. આ ૮ વર્ષમાં ગુજરાતમાં પાંચ લાખથી વધુ ઘરોને નળ જોડાણ, ૧૧ લાખ એકરમાં લિફટ ઇરીગેશન, પાઇપલાઇન તથા સિંચાઇના કામો, ૩.૩૦ લાખ આદિજાતિ લાભાર્થીઓને ઘર વપરાશના વીજજોડાણ આપવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, ગુજરાતે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે જે ગૌરવ મેળવ્યું છે તેને વધુ ઉંચાઇએ લઇ જવું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇની પ્રેરણાથી શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને સુખાકારીના બહુવિધ વિકાસ કાર્યો ગુજરાતની આત્મનિર્ભરતાને નવી દિશા આપશે.
પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં જ્યાં પાણી પહોચવું અસંભવ હતું તેવા દુર્ગમ વિસ્તારોમાં પણ નલ સે જલ યોજના મારફત ઘર ઘર પાણી પહોંચતું કર્યું છે. પાણી પુરવઠા ઈજનેરી કૌશલ્યની અજાયબી એવી મધુબન ડેમ આધારિત અસ્ટોલ જૂથ યોજના આનું ઉત્તમ ઉદાહરણ છે. એટલું જ નહિ જ્યાં જરૂર પડી ત્યાં ઉદવહન કરીને આદિવાસી વિસ્તારોમાં સિંચાઇનું પાણી પણ ખેતરો સુધી પહોંચાડી ખેડૂતોને ત્રણ પાક લેતા કર્યા છે.
રાજ્યના દૂર દરાજના આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પણ સરળ અને સુલભ બનાવી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રારંભમાં સૌનો આવકાર કરતા આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે નેવાના પાણી મોભે ચડાવી આદિજાતિ વિસ્તારોમાં નળ થી જળ પહોંચાડ્યું છે. અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ આજે તેઓ કરી રહ્યા છે જે આનંદની વાત છે.
ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે નેવાના પાણીને મોભે ચઢાવવાની વડાપ્રધાનશ્રીની દ્રઢ ઈચ્છાશક્તિને કારણે આજે ડુંગરાળ પ્રદેશોમાં પણ, પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે તેમ જણાવ્યું હતું. શ્રી પાટીલે કોરોનાની સ્વદેશી રસી સમયસર શોધીને ભારત સરકારે પ્રજાજનોને નવું જીવન આપ્યું છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, માર્ગ-મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા, રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સહિત સાંસદ-ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો સહિત વિશાળ સંખ્યામાં આદિજાતિ બાંધવો ઉપસ્થિત રહ્યા.
#bharatmirror #bharatmirror21 #news #eightyearsofgoodgovernance #ahmedabad #navsari