નીતા લીંબાચીયા, અમદાવાદ
30 May 2022:
ગુજરાત અને સમગ્ર ભારતના નાગરિકોને સુરક્ષા અને સલામતીની લાગણી અનુભવાય તથા તેઓ કોઇપણ પ્રકારના ભય અને ચિંતા કર્યાં વગર જીવન સુખરૂપે વિતાવી શકે તે સુનિશ્ચિત કરવામાં આપણી વિશાળ પોલીસ ફોર્સની ભૂમિકા ખૂબજ મહત્વપૂર્ણ છે. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને જાળવણી કરવામાં પોલીસ કર્મચારીઓની કામગીરી હંમેશાથી પ્રશંસનીય રહી છે. આપણા ઝાંબાઝ અને નીડર પોલીસ કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીની ઓળખ કરીને તેમને સન્માનિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક ખાતે ગુજરાત પોલીસ એવોર્ડ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ એવોર્ડ સમારોહમાં જવાબદારીપૂર્વક ફરજ નિભાવીને સાહસિકતા અને નીડરતાનો પરિચય આપનાર પોલીસ કર્મચારીઓનું એવોર્ડ્સથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ એવોર્ડ સમારોહનો હેતુ દેશના નાગરિકોની સુરક્ષા માટે પોતાના જીવનને જોખમમાં મૂકતાં નીડર પોલીસ કર્મચારીઓ પ્રત્યે આદર અને આભાર વ્યક્ત કરવાનો હતો. પોલીસ વિભાગની સજ્જતાને કારણે આપણા સમાજ રહેવા માટેની ઉત્તમ જગ્યા બને છે. ત્યારે આ હીરોની ઓળખ કરીને દેશની જનતા સમક્ષ તેમની સહાનુભૂતિ, પ્રેમ, સંવેદનશીલતા અને નિઃસ્વાર્થ કામગીરી અંગે જાણકારી પેદા કરવી ખૂબજ જરૂરી બને છે.
આ એવોર્ડ સમારોહના આયોજક કુંતલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના પોલીસ કર્મચારીઓના સાહસ, સંકલ્પ અને કટોકટીમાં તેમણે નિભાવેલી કામગીરીને ક્યારેય ભૂલી શકાય નહીં. મૂશ્કેલ સમયમાં તેમની જોખમ લેવાની ક્ષમતાઓ અને લીડરશીપના ગુણ દેશની જનતા અને સમાજ પ્રત્યે તેમના પ્રેમ અને કાળજીને પ્રદર્શિત કરે છે. તેઓ આપણા યુવાનોના પ્રેરણાસ્રોત છે અને આપણી નવી પેઢી તેમનામાંથી ઘણું શીખી શકે છે, જે દેશના સર્વાંગી વિકાસ અને સુખાકારી માટે ઘણું ઉપયોગી બની રહેશે. પોતાના ક્ષેત્રમાં ઉમદા કામગીરી કરવા બદલ સમગ્ર ગુજરાત માંથી અલગ અલગ કેટેગરી પ્રમાણે પોલીસ જવાનો ને કુલ 72 એવોર્ડ આપવામાં આવ્યા હતા.
એવોર્ડ સમારોહમાં પોલીસ વિભાગના કર્મચારીઓ અને તેમના પરિવારજનો સહિત લગભગ 2000 જેટલાં મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારોહ માં અતિથિ તરીકે જાણીતા બૉલીવુડ અભિનેત્રી જયાપ્રદા હાજર રહયા હતા. ગુજરાત ના જાણીતા સિંગર એવા એશ્વર્યા મજમુદાર અને જિગરદાન ગઢવી એ સિંગિંગ પરફોર્મન્સ આપ્યા હતા. અને સાથે સાથે બીજા ડાન્સ પર્ફોર્મન્સ, ફોક સિંગરનું પર્ફોર્મન્સ, સેન્ડ આર્ટ વર્ક, કોમેડી એક્ટ, પોલીસ બેન્ડ પર્ફોર્મન્સ, લિક્વિડ ડ્રમર સહિતના મનોરંજક કાર્યક્રમો પણ યોજાયાં હતાં.
#bharatmirror #bharatmirror21 #news #garvaward #gujaratpoliceaward #ahmedabad