અમદાવાદમાં સૌપ્રથમ ગ્લોબલ સિંધુ સમિટ…
નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:24 માર્ચ ૨૦૨૨:
સિંધી સમુદાયના યુવાનોને શિક્ષિત , સશક્ત અને તેજોન્વિત કરવા તથા સિંધુ સંસ્કૃતિનો પ્રસાર કરવા ભારતમાં સિંધી સમુદાયની સૌથી મોટી સંસ્થા ભારતીય સિંધુ સભા 10 મી એપ્રિલ , 2022 ના રોજ સૌપ્રથમ ગ્લોબલ સિંધુ સમિટ ( જીએસએસ ) 2022 નું આયોજન કરવા જઈ રહી છે . ગુજરાત ભાજપ પ્રમુખ શ્રી સી આર પાટિલ આ મેગા ઈવેન્ટનું ઉદ્ધાટન કરશે જ્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિપદે રહેશે. આ ઉપરાંત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહીને આ પ્રસંગની શોભા વધારશે. એક દિવસની આ વૈશ્વિક સમિટ અમદાવાદમાં ભાટ ખાતે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ( ઈડીઆઈ ) ખાતે યોજાશે અને 10 દેશોના સિંધી બિઝનેસમેન , ઉદ્યોગપતિઓ , ઉદ્યોગસાહસિકો તથા પ્રોફેશનલ્સ તેમાં ભાગ લેશે. આ સમિટ દરમિયાન બિઝનેસ કોન્ફરન્સ , એક્ઝિબિશન, સિંધી લોક ઉત્સવ તથા સિંધી ફૂડ ફેસ્ટિવલ પણ યોજાશે. અંદાજે 15,000 થી વધુ મુલાકાતીઓ અને 600 જેટલા ડેલિગેટ્સ આ સમિટની મુલાકાત લેશે.
કાર્યક્રમની વિગતો રજૂ કરતાં ભારતીય સિંધુ સભા – ગુજરાતના યુવા પ્રમુખ અને ગ્લોબલ સિંધુ સમિટના કો – ઓર્ડિનેટર શ્રીનિખિલ મેઠિયાએ જણાવ્યું હતું કે ” ભારતમાં સૌપ્રથમ વખત સિંધી સમુદાય માટે આટલા મોટાપાયે સમિયનું આયોજન થઈ રહ્યું છે. અને અમને ગર્વ છે, કે આ ઈવેન્ટ અમદાવાદમાં યોજાઈ રહી છે. આ દિવસ અમારા માટે એટલા માટે પણ ખાસ છે કે દર વર્ષે 10 એપ્રિલને સિંધી સમુદાય સિંધી ભાષા દિવસ તરીકે ઊજવે છે. આ સમિટ સાથે અમે સામાજિક – આર્થિક સશક્તિકરણ , મૂલ્ય – આધારિત શિક્ષણ , સમુદાયનું કલ્યાણ તથા વૈશ્વિક બંધુત્વનું ધ્યેય હાંસલ કરવા ઈચ્છીએ છીએ. અમે આ વિશાળ પ્લેટફોર્મ ઊભું કરી રહ્યા છીએ જેથી સિંધી સમાજના સામાન્ય વર્ગનો યુવાન પણ ધંધો વેપારની તકો મેળવીને પગભર થઈ શકે. યુવાનો આત્મનિર્ભર બનશે તો સમાજ આત્મનિર્ભર બનશે અને સમાજ આત્મનિર્ભર બનશે તો ભારત આત્મનિર્ભર બનશે.
” ગ્લોબલ સિંધુ સમિટ 2022 દરમિયાન દિવસભર ચાર મોટા કાર્યક્રમો યોજાશે. સિંધુ બિઝનેસ કોન્ફરન્સમાં દુનિયાભરમાંથી આવેલા સ્પીકર્સને સાંભળવા માટે 600 થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે. સ્ટાર્ટ – અપ , એમએસએમઈ , ડિજિટલ માર્કેટિંગ , બિઝનેસ લોન અને નવો વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય જેવા અનેક વિષયો પર જાણીતા નિષ્ણાંતો પોતાના અનુભવો અને જ્ઞાન રજૂ કરશે. દેશભરમાંથી આવનાર ટોચના બિઝનેસમેન અને પ્રોફેશનલ્સ પોતાની સફળતાના રહસ્યો જણાવીને યુવાનોને સફળતા અને સમૃદ્ધિના માર્ગે જવા પ્રોત્સાહિત કરશે. ભાગ્યશ્રી દારયાણી, નિખિલ જગિયાસી, નિક (ઘુક્કા તાઈ), રાજ રાહોરા, નિખિલ ચંદવાણી રવિના ટેકવાણી, માનસી લુહાના જેવા ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિય ઈન્ફ્લુએન્સર્સ પણ હાજર રહેશે.
સમિટમાં સિંધુ બિઝનેસ એક્ઝિબિશન યોજાશે જેમાં લગભગ 80 બિઝનેસમેન – વેપારીઓ પોતાના વ્યવસાયો રજૂ કરશે. આ એક્ઝિબિશન સિંધી સમુદાયને વ્યાપારિક દ્રષ્ટિએ જોડવા સેતુ તરીકેનું કામ કરશે. બિઝનેસના નવા ક્ષેત્રો તથા તકોને જાણીને યુવાનો તેમની સાથે જોડાઈ શકશે અને પોતાનો બિઝનેસ શરૂ કરીને અથવા વધારીને આત્મનિર્ભર બની શકશે. આ સિન્ધુ સમિટના માધ્યમથી સિંધી યુવાનોને Job Seeker નહિ Job Giver બનાવાશે. આ ઈવેન્ટમાં લગભગ 15,000 લોકો ભાગ લેશે. સિંધી ભાષા અને સંસ્કૃતિનો વૈભવ દર્શાવતો સિંધી ફોક ફેસ્ટિવલ પણ યોજાશે. દેશ ની સૌથી પ્રાચીન સિંધુ સંસ્કૃતિ ની ઝાખી પણ આ દિવસે જોવા મળશે. દાલ – પકવાન, ભસર કોકિ, કડી – ચાવલ, ભી, ચિલ્લો જેવા દુનિયાભરમાં વિખ્યાત સિંધી વ્યંજનોનો આસ્વાદ કરાવવા માટે સિંધી ફૂડ ફેસ્ટિવલ પણ યોજાશે.