નીતા લીંબાચીયા, અમદાવાદ.
23 માર્ચ 2022 :
વૈશ્વિક તાપમાનમાં વધારો, ગ્લોબલ વોર્મિંગ, કલાઇમેટ ચેન્જ, જેવી હવામાનલક્ષી બાબતો અંગે નાગરિકો ને જાગૃત કરવા પ્રતિવર્ષ, 23 માર્ચે વિશ્વ હવામાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ગુજરાત સાયન્સ સિટી દ્વારા હવામાનને લગતા પ્રશ્નો અને તેના સમાધાન વિશે લોકોમાં જાગૃતિ વધારવા ના હેતુ થી ‘વહેલી ચેતવણી અને વહેલી કાર્યવાહી’ (Early Warning and Early Action)થીમ અંતર્ગત વિશ્વ હવામાન દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી અંતર્ગત પ્રવર્તમાન થીમ પર ISRO-SACના પૂર્વ વૈજ્ઞાનિક ડો.સી.એમ.નાગરાણી સાથે ઈંટરેક્ટિવ સેશનનું આયોજ્ન કરવામાં આવ્યું હતું. શ્રી નાગરાણીએ રસપ્રદ ચર્ચા દ્વારા હવામાનને લગતા પ્રશ્નો વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા સજાગ બની કેવી રીતે નિરાકરણ લાવી શકાય તે અંગે જાણકારી આપી હતી. હવામાનના ફેરફારો વિશે વહેલી જાણકારી મળે અને તેના ઉપર વહેલા એકશન લઇ શકાય તે માટે સૅટેલાઈટના ઉપયોગ વિશે પણ શ્રી નાગરાણીએ ચર્ચા કરી હતી. હવામાન માં ફેરફારો થતાં વાવાઝોડા, અતિભારે વરસાદ જેવી કુદરતી આફતો માં અવકાશી સેટેલાઈટ દ્વારા સતત નજર રાખી જાનમાલથી થતાં નુકશાનને ઘટાડી શકાય છે. ભારતીય સ્પેસ એજન્સીઓ અને હવામાન વિભાગ તથા ડીઝાસ્ટર મેનેજમેંટ વિભાગ સાથે સંયુક્ત રીતે સેટેલાઈટની મદદ થી આવી આફતોની તીવ્રતા , સમય, ઝડપ, સ્થળ અંગે ની ગણતરી થી આગોતરા પગલાં લઈ આવી કુદરતી હોનારતોથી ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે કાર્યરત રહે છે. ISROના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર ખાતે INSAT 3D,3DR અને Scatsat જેવા વેધર સેટેલાઈટ ની મદદથી સેટેલાઈટ ડેટા મેળવવામાં આવે છે તથા હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર તેના પર પ્રોસેસિંગ કરવામાં આવે છે. જેનાથી હવામાન વિભાગ આગોતરા પગલાં લઈ શકે છે.
આ ઉપરાંત વિશ્વ હવામાન દિવસની ઉજવણી અંતર્ગત હવામાનના અભ્યાસ માટે ઉપયોગમાં આવતા વિવિધ સાધન સામગ્રીની જાણકારી આપતા વર્કશોપનું આયોજ્ન કરવામાં આવ્યું છે, વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક આ વક્રશોપમાં ભાગ લઇ જ્ઞાનવર્ધક માહિતી મેળવી હતી. સાયન્સ સિટી દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે કેમ્પસ અને તેની અત્યાધુનિક ગેલેરીઓની ગાઈડેડ ટુરનું આયોજ્ન કરાયું હતું. આમ વિદ્યાર્થીઓ માટે આ ઉજવણી જ્ઞાન અને મનોરંજન થી ભરપૂર બની રહી.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત અને જ્ઞાન સાથે મનોરંજનનો પર્યાય બની ચૂકેલ ગુજરાત સાયન્સ સિટી વૈજ્ઞાનિક અભિગમ દ્વારા ઉજ્વળ ભવિષ્ય અને વિવિધ પ્રશ્નોનાં નિરાકરણ માટે જનસમુદાયમાં વિજ્ઞાનના પ્રચાર પ્રસાર અર્થે કટિબદ્ધ છે.