- ચાલુ શો દરમ્યાન વંદે માતરમ્, ભારત માતા કી જય સહિતના નારા ગુંજી ઉઠ્યા
- ઘાટલોડિયાના અક્ષય એપાર્ટમેન્ટમાં યોજાયેલા ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના ઓપન સ્ક્રિનિંગના કાર્યક્રમ દરમ્યાન દેશભક્તિ, માનવતા અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવનાના અનોખા લાગણીસભર દ્ર્શ્યો પણ સામે આવ્યા.
વિવેક આચાર્ય, અમદાવાદ
20 માર્ચ 2022:
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ખુદ જે ફિલ્મની સંસદમાં ભારોભાર પ્રશંસા કરી તે દેશવાસીઓના મનમાં છવાયેલી અને લોકમુખે ચર્ચાઈ રહેલી ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મનો શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં યોજાયેલ ઓપન સ્ક્રિનિંગનો કાર્યક્રમ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ભારે ચર્ચા જગાવનાર અને દિન-પ્રતિદિન લોકપ્રિયતાના શિખરો સર કરી રહેલ કાશ્મીરી પંડિતો પરના ક્રૂર અત્યાચારનો ઇતિહાસ વર્ણવતી હિન્દી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના ઓપન સ્ક્રિનિંગના એક જાહેર કાર્યક્રમ દરમ્યાન દેશભક્તિ, માનવતા અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવનાના અનોખા દ્ર્શ્યો સામે આવ્યા હતા.
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આરસી ટેકનિકલ રોડ પર આવેલા અક્ષય એપાર્ટમેન્ટ ખાતે બહુચર્ચિત હિન્દી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના યોજાયેલા જાહેર ઓપન સ્ક્રિનિંગ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપરાંત આસપાસના લોકો અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સ્ક્રિનિંગ શોને ભારે ઉત્સાહ સાથે માણ્યો હતો પરંતુ સૌથી નોંધનીય વાત એ સામે આવી હતી કે, શો દરમિયાન એક તબક્કે ઉપસ્થિત લોકોમાં રાષ્ટ્રીય સુરક્ષાની ભાવના અને દેશની એકતા અખંડિતતા અને અત્યાચારી તત્વો સામે લડત આપી તેને નાથવાની દેશ ભાવના પણ સામે આવી હતી. ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન મહિલાઓ સહિતના કેટલાક પ્રેક્ષકોના લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, કારણકે કાશ્મીરી પંડિતો પર અત્યાચારના ઇતિહાસના આ દ્રશ્યો જોઈને મહિલાઓ સહિતના ઘણા પ્રેક્ષકોની આંખો રીતસરની ભીની થઈ ગઈ હતી, તો વળી કેટલાક સંવેદનશીલ પ્રેક્ષકો તો આંસુ સાથે રડતા જોવા મળ્યા હતા. તો સાથે સાથે દેશમાં જ ભાંગફોડી પ્રવૃત્તિ કરી રહેલા અત્યાચારી તત્વો સામે આક્રોશની રાષ્ટ્રભાવના પણ સામે આવી હતી ત્યારે ચાલુ શો દરમિયાન જ એક તબક્કે ભારત માતાકી જય, વંદે માતરમ, મેરા ભારત મહાન, જય જય ગરવી ગુજરાત સહિતના રાષ્ટ્રભક્તિ નારા ગુંજી ઉઠ્યા હતા ત્યારે દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.
ઘાટલોડિયા વિસ્તાર ના અક્ષય એપાર્ટમેન્ટમાં યોજાયેલા ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના ઓપન સ્ક્રિનિંગ દરમિયાન ભાજપના સ્થાનિક કોર્પોરેટરો રાજશ્રી બેન પટેલ, ભાજપના મહિલા મોરચાના પ્રભારી શિલ્પા બેન રાવલ, હીરાભાઈ પરમાર, વીરેન્દ્ર મહેતા, અક્ષય એપાર્ટમેન્ટમાં રાયપુર ગ્રુપના ધર્મેન્દ્ર સોની, હરેશભાઈ ગઢવી, મૌલિક બી. શાહ, નિકુલભાઈ રાવલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્ક્રીનીંગ શો ની બીજી એક નોંધનીય વાત એ પણ રહી હતી કે, ખુદ ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ સાથે બેસીને ફિલ્મના શો ને માણ્યો હતો અને જ્યારે રાષ્ટ્રની અને રાષ્ટ્રના લોકોએ સુરક્ષાની વાત આવે ત્યારે બધાએ એકસંપ થઇ અત્યાચારી તત્વો સામે જબરદસ્ત લડત આપી તેને નાથવાનો એક સૂર પણ સામે આવ્યો હતો, જે જોઈ ખુદ સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકો પણ ખુશ થયા હતા.
ધ કાશ્મીર ફાઈલ્સના સ્ક્રિનિંગ દરમિયાન સિનિયર સિટીઝન વડીલો અને વૃદ્ધો માટે બેસવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, સાથે સાથે મહિલાઓ બાળકો યુવાનના સહિતના તમામ પ્રેક્ષકો માટે ચા-પાણી નાસ્તાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ટૂંકમાં ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના બહાને લોકો એક મંચ પર એક સાથે આવ્યા હતા ત્યારે એક્ સંપ, એકતા અને માનવતાના અનોખા દ્રશ્યો મહેંકી ઉઠયા હતા.