નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૦૯ માર્ચ ૨૦૨૨:
એસ.જી.હાઈ વે ઉપર કુમકુમ મોટર્સના માલીક મનોજભાઈ પટેલ આજે ‘ આનંદ ના ગરબા ‘ ના યજમાન હતા. કુમકુમ મોટર ખાતે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવાર ના સાત થી સાંજના સાત સુધી આનંદ નો ગરબા સહિત અખંડ ધૂનસાંજે 7કલાક સુધી ચાલું રાખવામાં આવી હતી.
રાજ્યના અલગ અલગ જગ્યાએ થી અંદાજે 26 ની આસપાસ ભજન મંડળો આવ્યા હતા. એ મંડળો આનંદનો ગરબો ગાઈ ને ઈશ્વરીય શક્તિ બહુચરમાતાને રિઝવે છે. સરસ મજાના વિશાળ સ્ટેજ ઉપર વારાફરતી સવાર થી સાંજ સુધી એક પછી એક મંડળો ગોઠવતા ગયા.
આનંદ નો ગરબો દરેક મંડળો અલગ અલગ ઢાળમાં ગાતા હતા. અને મંડળમાં મોટાભાગે મહિલા ની સંખ્યા વધારે હતી. અમે કોઈ ને પૂછ્યું કે આ ગરબાને આનંદ નો ગરબો કેમ કહે છે? એ જણે મને કહ્યું કે જે ગરબો ગાતા આનંદ આવે એને આનંદ ના ગરબા સિવાય બીજા કયા નામનું સંબોધન કરાય? અને હકીકતમાં એ સાચું હતું. સ્ટેજની સામે માંબહુચરના નામ ને હૈયામાં ઉતારી અને ગરબો હોઠથી ગણગણતી મહિલાઓ ને અહીંયા આખો દિવસ થાક્યા વગર નૃત્ય કરતા જોઈ. ચહેરા ઉપર માત્ર આનંદ અને આનંદ દેખાય…. કેટલીક મહિલાઓ ના માથા ઉપર ગરબો પણ હતો. વિલંબિત તાલ થી શરૂ થયેલો ગરબો તીવ્ર ઝડપે પહોંચે. છતાંય માથા ઉપર નો ગરબો ટસ નો મસ નહોતો થતો. અને એ ક્ષણે જ અમને સમજાયું કે જીવસૃષ્ટિ ને સ્થિરતા અને સમતોલન કદાચ નારી શક્તિ ન હોત તો ક્યારેય ન મળ્યું હોત.
એક સિત્તેરની આસપાસના ‘બા’ કહેતા હતા કે, આનંદ ના ગરબા વખતે અમે એટલા ભાવમય બની જઈએ છીએ કે, માંબહુચરજી બાળક બની ને અમારી પાસે આવીને બેઠા હોવાનો અહેસાસ થાય છે. અને આંખમાં આંસુ આવી જાય ને રડી પડાય છે. આવી અનુભૂતિ અનેક ને થાય છે. આ અનુભૂતિ નું કારણ કદાચ એટલું જ હશે કે માંબહુચરના આ ભક્તો ને વાડી-વજીફા કે ધન-ઝવેરાત કઈ નથી જોઈતું. અહીંયા માતાજી ને ભેટવા આવેલી ઘણી ગૃહિણીઓ તો મધ્યમ કરતાંય સામાન્ય સ્થિતિ ના પરિવારોમાં થી હતી. બસ એમને બહુચરમાં સાથે નાતો. જોડવો હતો!. માથે ગરબો અને હાથમાં કરતાલ લઈ ને બહુચરમય બનેલા એક બહેન જોયા. એ કહેતા હતા કે કરતાલ એ અમારો મોબાઈલ છે. નાગર નરશૈયો બાવન વખત ભગવાન ને ધરતી ઉપર લાવ્યો. એમ અમે પણ બહુચરમા ને આનંદના ગરબા વેળાએ અહીંયા લાવ્યે છૂટકો કરીયે છીએ. બહુચર યુવક મંડળ ની આ 12 કલાક ની 9 મી અખંડ ધૂન હતી. દર વરસે એક વખત ફાગણ સુદ ત્રીજે અખંડ ધૂન અને આનંદનો ગરબો રાખવામાં આવે છે. આનંદના ગરબાની રચના શ્રી વલ્લભરામે 12 વરસ 4 મહિના અને 26 દિવસની નાની કિશોર અવસ્થામાં વિક્રમ સંવત 1709 ના ફાગણ સુદી ત્રીજ ના દિવસે કરી હતી. 118 પદનો ગરબો છે. ગરબા ની પ્રથમ પંક્તિ નો પહેલો જ શબ્દ ‘ આઈ ‘ એટલે કે માતા છે અને ગરબાનો છેલ્લો શબ્દ પણ ‘મા’ છે.
આનંદના ગરબા માં 245 વખત ‘ મા ‘ શબ્દ છે. યજમાન મનોજભાઈ એ માઇ ભક્તો માટે ભોજન-પ્રસાદ સહિત ઉમદા મંડપ વ્યવસ્થા કરી હતી. તેમનું આખો પરિવાર માઇ ભક્તો ને કોઈ વાતે તકલીફ ન પડે તેનો ચીવટથી ખ્યાલ રખાતો હતો. સાંજના સાત થયા હતા. સમાપન વેળા થઈ ગઈ હતી. એ પુરી થતી છેલ્લી મિનિટોમાં સહુ મન મુકીને નાચતા હતા.