ઘી કાંટા કોર્ટમાં વકીલો દ્વારા પોલીસ વિરુદ્ધ જોરદાર હોબાળો અને સૂત્રોચ્ચાર, ઘટનાને પગલે વકીલઆલમમાં ઉગ્ર આક્રોશ
પોલીસ અત્યાચારનો ભોગ બનેલી મહિલા એડવોકેટ દ્વારા બાપુનગર પીઆઈ એ.પી.ગઢવી, પીએસઆઈ પટેલ અને જાદવ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ
કોર્ટે મહિલા એડવોકેટ નું મેડિકલ કરાવવા હુકમ કરી ફરિયાદ રેકોર્ડ પર લીધી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.૭
શહેરના બાપુનગર પોલીસ મથકમાં રજૂઆત કરવા ગયેલી ફોજદારી કોર્ટ ની એક મહિલા એડવોકેટ પર પોલીસ દ્વારા ઢોર માર મારી હુમલો કરાતા તેમજ તેને જાનથી મારી નાખવાની ધમકી અપાતા સમગ્ર મામલો બિચકયો છે. મહિલા એડવોકેટને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાના પોલીસ અત્યાચાર ની આ ઘટનાના સમગ્ર વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ખાસ કરીને ઘીકાંટા ફોજદારી કોર્ટના ૬ હજારથી વધુ વકીલોમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી હતી. બીજી બાજુ પોલીસ અત્યાચારનો ભોગ બનેલી મહિલા એડવોકેટે ઘીકાંટા ફોજદારી કોર્ટ ની કોર્ટ નંબર 14માં બાપુનગર પોલીસ મથકના પી.આઈ એ.પી. ગઢવી, પીએસઆઇ પટેલ અને પીએસઆઇ જાદવ સહિતના કર્મચારીઓ વિરુદ્ધ ગંભીર પ્રકારની ફરિયાદ કોર્ટ રૂબરૂ કરી હતી. જેમાં મેટ્રોપોલિટન કોર્ટે ફરિયાદી મહિલા એડવોકેટ નું મેડિકલ કરાવવા મહત્વનો હુકમ કર્યો હતો અને તેની ફરિયાદ રેકોર્ડ પર લીધી હતી.
બીજી બાજુ આ કેસમાં ચોંકાવનારી વાત તો એ છે કે મહિલાએ એડવોકેટને ઢોર માર મારનાર તેના કપડા ફાડી છેડતી કરી તેની સાથે બિભત્સ અણછાજતું વર્તન કરનાર બાપુનગર પોલીસ મથકના પી.આઈ ગઢવી સહિતના કર્મચારીઓ તેણીને પોલીસ અત્યાચારનો ભોગ બનાવી હોવા છતાં ઊલટાનું પોલીસે આ મહિલા એડવોકેટ વિરુદ્ધ કલમ ૩૨૫ હેઠળ ફરિયાદ દાખલ કરી તેને આજે કોર્ટમાં રજુ કરી હતી પરંતુ વકીલ આલમમાં સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા ઘીકાંટા ફોજદારી કોર્ટ ખાતે આજે અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિયેશન ના બે થી ત્રણ હજાર વકીલોએ એકત્ર થઇ બાપુનગર પોલીસ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી જબરદસ્ત હોબાળો મચાવ્યો હતો અને પોલીસના નામના છાજિયા લઈ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને પગલે ઘીકાટા ફોજદારી કોર્ટ નું વાતાવરણ ગરમાયું હતું.
અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસિએશનના લાઈફ મેમ્બર એવા મહિલા એડવોકેટ છાયાબેન કોરીએ મેટ્રોપોલિટન કોર્ટ નંબર 14માં બાપુનગર પીઆઇ એ.પી. ગઢવી, પીએસઆઇ પટેલ અને પીએસઆઇ જાદવ વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદમાં એડવોકેટ શ્રી ભરત એચ શાહ અને એડવોકેટ અશ્વિન પટેલે મહત્વપૂર્ણ દલીલો કોર્ટના ધ્યાન પર મૂકતા જણાવ્યું હતું કે ફરિયાદી મહિલા એડવોકેટ છાયાબેન કોરીના ભાઈને પ્રોહીબીશન ના કેસમાં બાપુનગર પોલીસ ગઈકાલે અટક કરીને લાવી હતી ત્યારે તેની જાણ થતા ફરિયાદી મહિલા એડવોકેટ પોતાના ભાઈને મળવા રાત્રે બાપુનગર પોલીસ મથક પહોંચ્યા હતા. પરંતું પોલીસે મહિલા એડવોકેટ તેની યોગ્ય રજૂઆત કરે તે સાંભળવાના બદલે કે કાયદા અનુસાર વર્તવાને બદલે બાપુનગર પીઆઇ એ.પી.ગઢવી, પીએસઆઇ પટેલ અને જાદવ સહિતના કર્મચારીઓ એ ફરિયાદી મહિલા એડવોકેટ સાથે ગાળાગાળી કરી જાતિ વિષયક અપમાન ભર્યા શબ્દો બોલી તેને ઢોર માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી બિભત્સ અને અણછાજતું વર્તન કર્યું હતું. જેને પગલે મહિલા એડવોકેટ ડઘાઇ ગઇ હતી અને આઘાત માં ગરકાવ થઇ ગઇ હતી.
બાપુનગર પોલીસ દ્વારા મહિલા એડવોકેટ પર અત્યાચાર કરાયો હોવા છતાં ઊલટાનું બાપુનગર પીઆઈ સહિતના કર્મચારીઓ એ પોતાની વર્દીનો રોફ જમાવી મહિલા એડવોકેટ સાથે બિભત્સ અને અણછાજતું વર્તન કરી વકીલાતના વ્યવસાય ની ગરિમાં નહીં જાળવીને પોલીસ તંત્રની ગરીમાને પણ લાંછન લગાડયું છે ત્યારે કોર્ટે આ કેસમાં કસૂરવાર એવા બાપુનગર પોલીસ મથકના પીઆઈ એ.પી.ગઢવી, પીએસઆઇ જાદવ, પીએસઆઇ પટેલ સહિતના કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક રીતે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય હુકમ કરવો જોઈએ.
મહિલા એડવોકેટ તરફથી એડવોકેટ શ્રી ભરત શાહ અને અશ્વિન પટેલે કોર્ટનું ખાસ ભાર પૂર્વક ધ્યાન દોર્યું હતું કે સમાજમાં પોલીસ તંત્ર પણ કાયદાથી બંધાયેલ છે અને કાયદાથી ઉપર કોઈ નથી ત્યારે બાપુનગર પોલીસે પોતાની વર્દીનો રોફ બતાવી કાયદો હાથમાં લઇ કાયદાની ગરિમાને પણ લાંછન લગાડયું છે ત્યારે આવા બેજવાબદાર અને કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કોર્ટે સખત નશ્યતનો હુકમ કરવો જોઈએ. મહિલા એડવોકેટ ની ફરિયાદ અને રજૂઆત સાંભળ્યા બાદ મેટ્રોપોલિટન કોર્ટે ફરિયાદી મહિલા એડવોકેટનું મેડિકલ કરાવવા મહત્વપૂર્ણ હુકમ કર્યો હતો અને તેની ફરિયાદ રેકોર્ડ પર લીધી હતી.
બીજી બાજુ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતના ભાગરૂપે ઘીકાંટા ફોજદારી કોર્ટમાં બેથી ત્રણ હજાર વકીલો એકત્ર થયા હતા અને પોલીસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર જોરદાર દેખાવો કર્યા હતા. ખાસ કરીને રોષે ભરાયેલા વકીલોએ બાપુનગર પોલીસ વિરુદ્ધ જોરદાર આક્રોશ વ્યક્ત કરી જબરદસ્ત હોબાળો મચાવ્યો હતો અને પોલીસના નામના છાજિયા લઈ આવા કસૂરવાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરી તેઓની વિરૂદ્ધ ખાતાકીય તપાસ સહિતના પગલાં ભરવા માંગણી કરી હતી. દરમિયાન અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસિયેશનના પ્રમુખ શ્રી ભરત એચ શાહ અને સેક્રેટરી અશ્વિન પટેલે ઉગ્ર માગણી કરતાં જણાવ્યું હતું કે મહિલા એડવોકેટ પર પોલીસ અત્યાચાર ની ઘટના સમગ્ર વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને અમે એસોસિએશન તરફથી આગામી દિવસોમાં બાપુનગર પોલીસ મથકના પીઆઈ એ.પી.ગઢવી, પીએસઆઇ પટેલ અને પીએસઆઇ જાદવ સહિતના કસૂરવાર કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પગલાં લેવાય અને તેમની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી થાય તે માટે શહેર પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરીશું.
#bharatmirror #bharatmirror21 #news