વહેલી પરોઢે 4-00 વાગ્યે ભોળાનાથની મહાઆરતી અને ત્યારબાદ દેવાધિદેવ મહાદેવજીને સવા મણ દૂધનો ભવ્ય અભિષેક કરવામાં આવશે
મહાશિવરાત્રિના પર્વને લઇ ચકુડિયા મહાદેવજીને વિશેષ પ્રકારે સવા લાખ બિલીપત્ર ચઢાવવામાં આવશે. સાથે સાથે મહાશિવરાત્રિના પવિત્ર પર્વને લઇ આવતીકાલે સમગ્ર દિવસ દરમ્યાન ભોળાનાથની અખંડ ધૂન અને ઓમ નમઃ શિવાયના જાપ અને મંત્રોચ્ચાર ચાલુ રહેશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.28
ગુજરાતના સુપ્રસિધ્ધ, ઐતિહાસિક અને અમદાવાદના રખિયાલ વિસ્તારના જાણીતા લોકલાડીલા ચકુડિયા મહાદેવ ખાતે આવતીકાલે દેવાધિદેવ મહાદેવના અતિપવિત્ર અને અનન્ય મહાત્મ્ય ધરાવતી મહાશિવરાત્રી પર્વની ભારે ભકિતભાવ અને ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ ચકુડિયા મહાદેવ ખાતે આવતીકાલે મહાશિવરાત્રિના પવિત્ર પર્વ નિમિતે વહેલી પરોઢે 4-00 વાગ્યે ભોળાનાથની મહાઆરતી અને ત્યારબાદ દેવાધિદેવ મહાદેવજીને સવા મણ દૂધનો ભવ્ય અભિષેક કરવામાં આવશે. મહાશિવરાત્રિના પર્વને લઇ ચકુડિયા મહાદેવજીને વિશેષ પ્રકારે સવા લાખ બિલીપત્ર ચઢાવવામાં આવશે. સાથે સાથે મહાશિવરાત્રિના પવિત્ર પર્વને લઇ આવતીકાલે સમગ્ર દિવસ દરમ્યાન ભોળાનાથની અખંડ ધૂન અને ઓમ નમઃ શિવાયના જાપ અને મંત્રોચ્ચાર ચાલુ રહેશે એમ અત્રે ચકુડિયા મહાદેવના મહારાજ શ્રી ચકા મહારાજ અને મેનેજીંગ ટ્રસ્ટી જે.જે.રાવલે જણાવ્યું હતું.
ચકુડિયા મહાદેવના મહારાજ શ્રી ચકા મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિની રાત્રે સવા બાર વાગ્યે દેવાધિદેવ મહાદેવજીની મહાપૂજાનો પ્રારંભ થશે., જે સવારે ચાર વાગ્યે પૂર્ણ થશે. બીજા દિવસે ભોળાનાથને પારણાં કરાવવામાં આવશે. મહાશિવરાત્રિના પવિત્ર પર્વને લઇ આવતીકાલે રખિયાલ વિસ્તારના ચકુડિયા મહાદેવ ખાતે પરંપરાગત મેળો ભરાય છે, જેમાં ગામ-પરગામથી અને ગુજરાતભરમાંથી તેમ જ ગુજરાત બહાર દેશના વિવિધ સ્થળોએથી પણ હજારો શ્રધ્ધાળુઓ ચકુડિયા મહાદેવજીના દર્શનાર્થે આવતા હોય છે., આવતીકાલે પણ હજારો શ્રધ્ધાળુઓ ભોળાનાથના દર્શનનો લાભ લેશે.
ચકુડિયા મહાદેવના મહારાજ શ્રી ચકા મહારાજ અને મેનેજીંગ ટ્રસ્ટી જે.જે.રાવલે વધુમાં ઉમેર્યું કે, આવતીકાલે મહાશિવરાત્રિના પવિત્ર પર્વને લઇ ભોળાનાથના દર્શનાર્થે આવનાર તમામ શ્રધ્ધાળુ ભકતો માટે પ્રસાદ અને દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પ્રાંગણમાં ભોળાનાથના વિશાળ શિવલીંગ અને તેની આસપાસ બાર જયોર્તિલિંગના દર્શનથી ભકતો ભારે ધન્યતાનો અનુભવ પ્રાપ્ત કરે છે. આ સિવાય મંદિરના વિશાળ પટાંગણમાં બિરાજમાન શ્રી મહાકાળી માતા, બળિયાદેવ, સાંઇબાબા, હનુમાનજી દાદા, પહાડેશ્વર દાદા, રાધાકૃષ્ણ અને રામ દરબારના પણ ભાવિક ભકતો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરશે. શ્રધ્ધાળુઓને મંદિર પ્રાંગણમાં જ શ્રી શનિદેવના દર્શન થાય તે હેતુથી ચકુડિયા મહાદેવમાં શ્રી શનિદેવને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે, તેથી ભકતો તેમના દર્શનનો પણ લાભ લઇ શકશે. ચકુડિયા મહાદેવના મહારાજ શ્રી ચકા મહારાજ અને મેનેજીંગ ટ્રસ્ટી જે.જે.રાવલે ભારપૂર્વક જણાવ્યું કે, જય ચકુડિયા મહાદેવ દાળ-રોટી સદાવ્રત ટ્રસ્ટ તરફથી કોઇપણ જાતના ભેદભાવ વગર સાધુસંતો, ગરીબો તેમ જ અભ્યાસગતોને દરરોજ સવાર સાંજ વિનામૂલ્યે ભોજન પીરસવામાં આવે છે. મહારાજશ્રી અને તેમનો પરિવાર સપ્રેમ તમામ લોકોને ભારે આદર અને ભાવ સાથે જમાડે છે. સંસ્થા તરફથી ગૌ શાળા પણ ચલાવવામાં આવે છે.
નોંધનીય વાત એ છે કે, આ મંદિરમાં કોઇ સ્થાયી કે ફિકસ ઇન્કમ નથી,, તેમછતાં આ તમામ સેવા પ્રવૃત્તિઓ દેવાધિદેવ મહાદેવજીની કૃપાથી આકાશવૃત્તિ પર જ ચાલે છે. ગૌ શાળામાં 125 ગાયોની સેવાચાકરીનો ખર્ચો પણ મંદિર તરફથી જ કરવામાં આવી રહ્યો છે. રખિયાલના સુપ્રસિધ્ધ ચકુડિયા મહાદેવથી સાત કિલોમીટર દૂર વસ્ત્રાલ જવાના રોડ પર મહેમુદપુરા અને ગતરાડની હદમાં આવેલા પવિત્ર દેવસી તળાવના કિનારે જય ચકુડિયા મહાદેવનું ભવ્ય શિવાલય આવેલું છે. મહાશિવરાત્રિના પર્વ નિમિતે આવતીકાલે ત્યાં પણ દેવાધિદેવ મહાદેવજીની વિશેષ પૂજા, ભવ્ય અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિના પર્વને લઇ આવતીકાલે ત્યાં પણ મેળો ભરાશે અને સાંજે બરફના શિવલીંગના દર્શન ભકતો કરી શકશે. મહાશિવરાત્રિના પર્વને લઇ આવતીકાલે ભોળાનાથની અખંડ ધૂન, ઓમ નમઃ શિવાયના જાપ અને મંત્રોચ્ચાર પણ ચાલુ રહેશે અને હજારો શ્રધ્ધાળુ ભકતો શિવભકિતની ધન્યતાનો અનુભવ કરશે.
#bharatmirror #bharatmirror21 #news