ગુજરાતમાં IT/ITES ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે આજે નવી IT/ITES Policy 2022-27 ની જાહેરાત કરી છે.
નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા.: 08 ફેબ્રુઆરી 2022:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આ નવી નીતિમાં સમાવિષ્ટ સકારાત્મક પગલાંઓને આવકારે છે. આ નીતિમાં ઓપરેશનલ ખર્ચ ઉપરાંત મૂડી ખર્ચ (capital expenditure) માટે પણ સહાય પુરી પાડવામાં આવેલ છે જે આવકાર્ય બાબત છે.
વધુમાં, આ નીતિમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બ્લોકચેન વગેરે જેવા નવા ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટેની સહાયનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે હાલના સમયમાં ખુબજ જરૂરી છે. તાલીમ કાર્યક્રમો માટે કોર્સ ફીમાં રાહત આપીને IT/ITeS માટે તાલીમ અને કૌશલ્ય વિકાસને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આઈટી શહેરોના વિકાસ માટેની સહાય પણ આ નીતિમાં આપવામાં આવી છે.
આ નીતિમાં આગામી પાંચ વર્ષ દરમિયાન આશરે 1 લાખ લોકો માટે રોજગારી સર્જન કરવાની રૂપરેખા આપવામાં આવેલ છે. અને આગામી પાંચ વર્ષમાં ગુજરાતની IT નિકાસ વર્તમાન વાર્ષિક ₹3,000 કરોડથી વધારીને ₹25,000 કરોડ કરવાની જાહેરાત છે, જે મહત્ત્વાકાંક્ષી છતાં પ્રાપ્ત કરી શકાય તેવું લક્ષ્ય છે.
એકંદરે, આ નવી નીતિ રાજ્યમાં IT/ITES ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા અને પ્રોત્સાહિત કરવા માટે જરૂરી સમર્થન ચોક્કસ પ્રદાન કરશે.