કેન્સર જેવી જીવલેણ બિમારી સામે જાગૃતિ ફેલાવવા ૪ ફેબ્રુઆરીનો દિવસ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે મનાવાય છે. શહેરના નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે આવતીકાલે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે ૧૦૦ બહેનોના સ્તન કેન્સરના ચેકઅપ વિનામૂલ્યે કરવામાં આવશે.શહેરના જાણીતા બ્રેસ્ટ સર્જન ડો.શેફાલી દેસાઈએ જણાવ્યું હતું કે સ્તન કેન્સર પીડા વગરનો રોગ હોવાથી કોઈપણ જાતના ટેસ્ટ વિના ચોથા સ્ટેજ સુધી પહોંચી જાય છે. કોઈપણ કેન્સરનો ઈલાજ ચોથા સ્ટેજનાં પહોંચી ગયા બાદ જટીલ અને ખર્ચાળ બની જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વીસમાંથી એક મહિલા સ્તન કેન્સરનો ભોગ બનતી જોવા મળે છે. એવું નથી કે સ્તન કેન્સર માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળે છે.
બદલાતા જતા સમયમાં સામાન્ય લોકોની રહેણી કરણીના લીધે હવે સ્તન કેન્સર પુરૂષોમાં પણ જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં ૮૦૦માં એક પુરૂષમાં સ્તન કેન્સર જોવા મળે છે. દરવર્ષે આપણા દેશમાં કેન્સરના ૮ થી ૧૦ લાખ નવા કેસ આવતા હોય છે. એક અંદાજ મુજબ જેમાંથી ૬૫ ટકા જેટલા દર્દીઓ મોતને ભેટે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૩ ટકા સ્તન કેન્સરનાં કેસોમાં વધારે જોવા મળ્યો છે.
ડો.શેફાલી દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. જો આપણા દેશની સ્ત્રીઓ સજાગ બને તો સ્તન કેન્સર યોગ્ય ટેસ્ટ દ્વારા ખૂબ જ સારી રીતે શરૂઆતના તબક્કામાં શોધી શકાય છે. અને જરૂરી યોગ્ય સારવાર દ્વારા તેનું નિદાન પણ શક્ય છે.
આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ.પટેલે જણાવ્યું હતું કે, શહેરની સ્ત્રીઓ સ્તન કેન્સર અંગે જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સમયાંતરે સ્તન કેન્સર જાગૃતિ અંગેના કાર્યક્મો યોજવામાં આવે છે. આવતીકાલે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે ૧૦૦ બહેનોના સ્તન કેન્સરના વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવશે. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સરના જરૂરી ટેસ્ટ જેવા કે સોનોગ્રાફી-મેમોગ્રાફી માત્ર રૂ. ૩૦૦/-માં કરી આપવામાં આવે છે. જે સામાન્ય રીતે બજારમાં રૂ. ૨૫૦૦/- કે તેથી વધુની કિંમતમાં થતાં હોય છે.આશીર્વાદ ફાઉન્ડેશન સ્તન કેન્સર અંગે સ્ત્રીઓમાં જાગૃતિ લાવવા અને આ જીવલેણ બિમારીથી સ્ત્રીઓને બચાવવા હંમેશા જરૂરી સેવાકાર્યોથી રત છે.
#bharatmirror #bharatmirror21 #news #ashirvadfoundation #worldcancerday #ahmedabad