21- 21 વર્ષોના બાદ પણ ભૂકંપમાં માર્યા ગયેલા પરિવારના ઘા હજુ રૂઝાયા નથી, પીડિત પરિવારો ન્યાયની આશ લગાવીને બેઠા છે – ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખ
અમદાવાદના લો ગાર્ડન વિસ્તાર સ્થિત અક્ષરદિપ એપાર્ટમેન્ટના બી બ્લોકના કેસનો ચુકાદો ટૂંક સમયમાં જ ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા જાહેર થવાની શકયતા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.26
ગુજરાત રાજ્યમાં ગત તા.તા.26.01.2001 ના રોજ આવેલા ભયાનક અને વિનાશક ભૂકંપને આજે 21 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજના તા.26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી વચ્ચે ખાસ કરીને અમદાવાદ, કચ્છ-ભુજ સહિતના ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોમાં વિનાશક ભૂકંપની વસમી અને આઘાતજનક યાદો પીડિત પરિવારો અને ગુજરાતના પ્રજાજનો સમક્ષ જાણે તાજી થતી હોય તેવો એહસાસ થાય છે પરંતુ હજુ પણ એવા કેટલાક પીડિત પરિવારો છે કે, વિનાશક ભૂકંપના 21-21 વર્ષો બાદ પણ હજુ જાણે કે, તેમના ઘા કે પીડા રૂઝાયા નથી અને તેઓ આજે પણ ન્યાય મળવાની રાહ જોઇને બેઠા છે. વાત છે. અમદાવાદ શહેરના એલિસબ્રીજ લો ગાર્ડન વિસ્તારમાં સંચાર લોકોની પાછળ આવેલા અક્ષરદીપ એપાર્ટમેન્ટની. ગત તા.26-1-2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપમાં જમીનદોસ્ત થયેલા સેંકડો બિલ્ડીંગો અને ઇમારતોમાં અક્ષરદીપ એપાર્ટમેન્ટનો બી બ્લોક પણ ધરાશયી થયો હતો. જેમાં 11 નિર્દોષ નાગરિકોના કરૂણ મોત નીપજયા હતા. જે અંગેના કેસની સુનાવણી ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ પૂર્ણ થઇ ગઇ છે અને હવે ટુંક સમયમાં જ ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા ખૂબ જ મહત્વના એવા આ કેસમાં અગત્યનો ચુકાદો જાહેર કરાય તેવી શકયતા છે. પીડિત પરિવારો તરફથી 21-21 વર્ષ સુધી ન્યાયની લડત લડનારના ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખે જણાવ્યું કે, સ્ટેટ કમિશનના પ્રમુખ જસ્ટિસ શ્રી વી.પી.પટેલે કેસને સર્વોચ્ચ અગ્રીમતા આપી છે અને ટૂંક સમયમાં જ આ કેસમાં અગત્યનો ચુકાદો જાહેર થવાની શકયતા છે. પીડિત પરિવારો પણ ન્યાયની રાહ જોઇને ઘણા વર્ષોથી આશ લગાવીને બેઠા છે.
ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચાવી દેનારા આ વિનાશક ભૂકંપમાં સેંકડો કાચા- પાકા મકાનો જમીનદોસ્ત થયા હતા. જેમાં અસંખ્ય ફલેટો, એપાર્ટમેન્ટ્સ સહિતની ઇમારતો પણ ધરાશાયી થયા હતા. આથી ગ્રાહકોએ ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અને સંબંધિત જે તે શહેર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરીયાદો દાખલ કરીને નુકશાની સામે વળતર અને ન્યાય મેળવવા દાદ માંગી હતી. અનેક કેસમાં ફરીયાદો મંજુર કરી ગ્રાહકોને ન્યાય મળ્યો છે. ભૂકંપની આજે 22મી વરસી નિમિતે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખે ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ચાલેલા ભૂકંપ અંગેના આવા જ એક મહત્વના કેસની વાત કરતાં જણાવ્યું કે, અમદાવાદ શહેરના એલિસબ્રિજ લો ગાર્ડન, સંચાર કોલોની પાછળ આવેલા અક્ષરદિપ એપાર્ટમેન્ટના બી બ્લોક ભૂકંપમાં સંપુર્ણ ધરાશાયી થયેલ. 11 રહીશોના દુઃખદ મૃત્યુ થયેલા અને ફલેટો તુટી પડતા રહીશો ઘરબાર વગરના થયેલા અને રોડ ઉપર આવી ગયા હતા.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે અક્ષરદિપ એપાર્ટમેન્ટના બી બ્લોકના 16 પરિવાર વતી સ્ટેટ કમિશનમાં ફરીયાદ દાખલ કરી ન્યાય માટે દાદ માંગી હતી. ગુજરાત રાજ્યના ગ્રાહક તકરાર નિવારણ કમિશને વર્ષ-2012 માં ફરીયાદીની ફરીયાદ મંજુર કરી બિલ્ડર, ડેવલોપર અને ઓર્ગેનાઇઝર અક્ષર એસોસીએટસના પ્રોપરાયટર રાવજીભાઈ હરીભાઈ પટેલ તેમજ સ્ટ્રક્ટરલ એન્જીનીયર વિરૂધ્ધ ફલેટની ખરીદીના અલગ અલગ રૂા.4 લાખથી રૂા.12 લાખ અવેજ સુધીનો વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે તેમજ માનસિક ત્રાસ અને આઘાતના લીગલ કોસ્ટના રૂા.60,000 અલગથી ચુકવવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે બિલ્ડર રાવજીભાઈ હરીભાઈ પટેલે નેશનલ કમિશન, નવી દિલ્હી સમક્ષ અપીલ દાખલ કરી હતી. જેમાં નેશનલ કમિશનની સર્કિટ બેન્ચે કેસ રીમાન્ડ કરી, સ્ટેટ કમિશનને પરત મોકલાવી પુનઃ સુનાવણી કરવા હુકમ કર્યો હતો. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં ઉમેર્યું કે, સ્ટેટ કમિશનના પ્રમુખ જસ્ટીસ વી.પી.પટેલ સમક્ષ તમામ પક્ષકારોની સુનાવણીઓ સમાપ્ત થઈ છે અને ટુંક સમયમાં જ સ્ટેટ કમિશન દ્વારા પુનઃ જજમેન્ટ ડીક્લેર-જાહેર કરવામાં આવશે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ફરીયાદ સાબિત કરવા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આર.ટી.આઈ. કરી, બાંધકામની વિવિધ સામગ્રીની ગુણવત્તાઓના નમુનાઓની એફ.એસ.એલ. દ્વારા તપાસનો રીપોર્ટ, ફાઉન્ડેશન, ડિઝાઇન, પંચનામા, એક્સપર્ટ એજીનિયરનો રીપોર્ટ અને એફીડેવીટ તેમજ ટેકનિકલ પોઇન્ટ ઉપર વિવિધ પ્રશ્નોત્તરીઓના જવાબો આપી ફરીયાદ સાબિત કરી હતી.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું કે, બિલ્ડર, ડેવલોપર અને ઓર્ગેનાઈઝર સર્વિસ પ્રોવાઇડર છે અને ગ્રાહક સુરક્ષા ધારો લાગુ પડે છે. બિલ્ડીંગના બાંધકામમાં સેવામાં ખામી, બેજવાબદારી અને બેદરકારી સાબિત કરવાથી ગ્રાહકોની ફરીયાદ મંજુર થાય છે અને નુકશાની સામે વળતર-ન્યાય મળે છે. ભૂકંપના પીડિત પરિવારો માટે પણ આ કેસ ઘણો મહત્વનો છે અને તેઓ ન્યાયની આશ લગાવીને બેઠા છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, પીડિત પરિવારોને 21-21 વર્ષોના વ્હાણાં વીત્યા બાદ યોગ્ય અને સક્ષમ ન્યાય મળશે. #bharatmirror #bharatmirror21 #news