PMએ બ્રહ્માકુમારીઝ સંસ્થાના ‘આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફ’ના અભિયાનની શરૂઆત કરી
PM એ સાત વિવિધ અભિયાનોને લીલી ઝંડી આપી, જેમાં દુનિયાભરના લાખો લોકો જોડાયા
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમૃત મહોત્સવને વર્ચ્યુઅલ શુભેચ્છાઓ પાઠવી
અમદાવાદ શહેરમાં કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપસિંહ પરમાર, મેયર શ્રી કિરીટકુમાર પરમારે અભિયાનને શુભેચ્છાઓ પાઠવી શુભારંભ કરાવ્યો
અશ્વિન લીંબાચીયા, અમદાવાદ: 21 જાન્યુઆરી 2022:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રહ્માકુમારી સંસ્થાના આબુરોડ આંતરરાષ્ટ્રીય મુખ્યાલય ખાતે આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફના અભિયાનની વર્ચ્યુઅલ શરૂઆત કરી હતી. આ સાથે સાત વિવિધ અભિયાનોને ફ્લેગ ઓફ કરવામાં આવ્યા હતા. આ અવસરે તેમણે કહ્યું કે, કરોડો દેશવાસીઓ બલિદાન અને કર્તવ્ય વડે આજે સ્વર્ણિમ ભારતનો પાયો નાખી રહ્યા છે. આપણી પ્રગતિ રાષ્ટ્રની પ્રગતિને કારણે છે. આ લાગણી એક બળ બની રહી છે. સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ દેશનો મૂળ મંત્ર બની રહ્યો છે. અમે એવી વ્યવસ્થા બનાવી રહ્યા છીએ જેમાં ભેદભાવને કોઈ સ્થાન નથી. બ્રહ્માકુમારી સંસ્થાનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં છે. મને આશા છે કે આવનારા સમયમાં આ અભિયાનમાં નવી ઉર્જાનો સંચાર થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ અભિયાનમાં સ્વર્ણિમ ભારતની લાગણી છે અને એક સાધના પણ છે. જો તમારી વ્યક્તિગત ઉપલબ્ધિઓ માટે ‘ઈદમ ન મમ’નો ભાવ જાગવવા લાગે, તો સમજો કે આપણા સંકલ્પો દ્વારા એક નવો કાળખંડનો જન્મ થવાનો છે. એક નવા સુપ્રભાત થવાની છે. વડાપ્રધાને બ્રહ્માકુમારી બહેનોને અપીલ કરી કે વિશ્વ ભારતને યોગ્ય રીતે ઓળખે તે આપણી જવાબદારી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતી આવી સંસ્થાઓએ ભારતનો સાચો અર્થ અન્ય દેશોના લોકો સુધી પહોંચાડવો જોઈએ. ભારત વિશે જે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે તેની સત્યતા અન્ય લોકો સુધી પહોંચાડી જાગૃત કરીએ, તે આપણા સૌની ફરજ છે. વિશ્વભરમાં ફેલાયેલી બ્રહ્માકુમારી સંસ્થાની દરેક દેશોનો શાખાઓમાંથી 500 જેટલા લોકોને ભારતની મુલાકાતે લાવે. જે લોકો અહીં આવશે તેઓ ભારતીય સંસ્કૃતિને સમજશે અને વિશ્વભરમાં સાથે લઈ જશે.
આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, આપણો દેશ હંમેશા વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે રહ્યો છે. શાંતિ, અહિંસા, એકતા અને સૌહાર્દ એ અમારું સૂત્ર છે. બ્રહ્માકુમારીઝના 4,000 કેન્દ્રો તેને પ્રોત્સાહિત કરશે તે ખૂબ જ આનંદની વાત છે. તેણે કહ્યું કે હું નાનપણથી અહીં આવું છું. અહીં દાદીઓએ મને મૂળ મંત્ર આપ્યો છે, કે જ્યારે પણ તણાવ હોય ત્યારે ત્રણ વાર ઓમ શાંતિ બોલો.
આ સંસ્થા આવનારી પેઢીને સારા મૂલ્યો આપવા માટે કામ કરી રહી છે.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, આ અભિયાન સ્વર્ણિમ ભારતની ઝલક અને આધુનિક ભારતની છબી બતાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અહીંની આધ્યાત્મિક જીવનશૈલી સમાજને નવી દિશા બતાવી રહી છે.
સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જે. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, અમૃત મહોત્સવ અંતર્ગત બ્રહ્મા કુમારીઝ કાર્યક્રમો વિશ્વને એક નવો માર્ગ આપશે. આ અંતર્ગત સંસ્થાએ 15 હજાર કાર્યક્રમો દ્વારા 10 કરોડ લોકો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, બ્રહ્માકુમારી સંસ્થા સારૂ કામ કરી રહી છે. આઝાદીના અમૃત મહોત્સવનો લાભ લોકોને મળશે. આ અભિયાન સમાજમાં સારો સંદેશ આપશે, તેથી હું બ્રહ્માકુમારી બહેનોને અભિનંદન આપું છું. કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્થાનના સંયુક્ત મુખ્ય પ્રસાશિકા રાજયોગીની બી.કે. મોહિનીદીદીએ જણાવ્યું હતું કે, આપણે સૌએ જીવન મૂલ્યોના વિકાસ માટે સાથે મળીને કામ કરવું જોઈએ.
આ સમારોહમાં રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા, સંસ્થાના મુખ્ય પ્રસાશિકા રાજયોગિની દાદી રતનમોહિની અને ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનશ્રીએ સાત અભિયાનો શરૂ કર્યા-
- મેરા ભારત સ્વસ્થ ભારત હેઠળ રસીકરણ અભિયાન: ગામ-ગામમાં લોકો માટે રસીકરણ અને જાગૃતિ.
- આત્મનિર્ભર ખેડૂતો: ખેડૂતોને યોગિક-ઓર્ગેનિક ખેતી વિશે જાગૃત કરવા.
- નવા ભારત માટે મહિલા ધ્વજ ધારણ અભિયાન
- ‘અનડિસ્કવર્ડ ઈન્ડિયા’ સાયકલ રેલી
- સેફ ઈન્ડિયા – રોડ સેફ્ટી માટે દેશભરમાં 150 બાઇક રેલી – એક બાઇક રેલીમાં 75 બાઇક સામેલ થશે. તમામ રેલીઓ સહિત 25 હજાર કિમીનું અંતર કાપવામાં આવશે.
- આબુ રોડથી દિલ્હી સુધી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ મોટરસાઇકલ રેલી નીકળી
- યુવાનોને સશક્ત બનાવવા માટે ‘બસ યાત્રા’ અને ‘સ્વચ્છ ભારત અભિયાન’.
વડાપ્રધાન તરફથી બ્રહ્માકુમારી સંસ્થાને ત્રણ મોટી જવાબદારીઓ માટે પ્રેરણા આપી.
- નાગરિકોમાં ફરજની ભાવના કેળવાય
- ભારતનું સત્ય અન્ય દેશોના લોકો સુધી પહોંચાડો-
- આત્મનિર્ભર ભારતને ગતિ આપો.
સાથે સાથે અમદાવાદ શહેર તરફથી બ્રહ્માકુમારીઝના ગુજરાત ઝોન મુખ્યાલય, કાંકરિયા ખાતે, શ્રી પ્રદીપસિંહ પરમાર કેબિનેટ મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા ગુજરાત સરકાર, મેયરશ્રી કિરીટકુમાર પરમાર, મણિનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ, બ્રહ્માકુમારી નેહાબેન બ્રહ્માકુમારી અમરબેને ઓનલાઈન પ્રતિનિધિત્વ કરી આઝાદીના અમૃત મહોત્સવનો અમદાવાદ શહેર ખાતે શુભારંભ કર્યો. આ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થા ના ભાઈ -બહેનો કોવિડ ગાઈડ પ્રમાણે હાજર રહ્યા હતા.