અશ્વિન લીંબાચીયા, અમદાવાદ,
તા: 06 જાન્યુઆરી 2022:
રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે. અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન વગેરે માટે રાજ્યનું સમગ્ર વહિવટીતંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છે. તેવામાં વધુ વાઇરસ સ્પેડના થાય તેના માટે થઈને સરકાર દ્રારા રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતને ધ્યાનમાં રાખી ને ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે. તેવામાં કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તે હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સમીક્ષા કરી પબ્લીકના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન યોજાનારી ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે, ગુજરાત વિકાસનું વૈશ્વિક મોડેલ છે. અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશ્વભરના મૂડી રોકાણકારો, ઉદ્યોગકારો, નિવેશકો માટે એક સક્ષમ પ્લેટફોર્મ બની રહી, આ સમિટમાં વિવિધ દેશોના વડાઓ, મહાનુભાવો, ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગ જગતના સંચાલકોએ સહભાગિતા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.
આ ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજ્યને વિશ્વ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ પાર કરાવે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારે તેનું સમયબદ્ધ આયોજન કર્યું હતું. પરંતુ સમય અને સંજોગો જોતા તમામ કાર્યક્રમ મૌકૂફ રાખવામાં આવ્યા છે.
આ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા રાષ્ટ્રો તથા સમિટમાં આવનારા મહાનુભાવો, ડેલિગેશન પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ આભારની લાગણી વ્યક્ત કરી અને તેમના તરફથી આવો જ ઉમળકાભર્યો પ્રતિસાદ ભવિષ્યમાં પણ મળશે તેવી અપેક્ષા દર્શાવી હતી.